ગુજરાતમાં અને દેશમાં હમણાં મેડીકલના અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આમ તો આપણા દેશમાં ઉચ્ચ અભ્યાસના અનેક ક્ષેત્રો જેવા કે IIT અને IIM જેવી સંસ્થાઓમાં ટેકનીકલ અને મેનેજમેન્ટ ના અભ્યાસક્રમો, CA અને CS જેવા કોમર્સના અભ્યાસક્રમો, વિજ્ઞાન અંગેના ઉચ્ચ અભ્યાસક્રમો, તેમજ સામાજીક વિજ્ઞાનોના ક્ષેત્રે પણ ઉચ્ચ અભ્યાસની તકો છે. આ ઉપરાંત એન્જીનીયરીગ ક્ષેત્રમા પણ અનેક વિધ્યાશાખાઓમાં ઉચ્ચ અભ્યાસની તકો ઉપલબ્ધ છે. તો વળી ફેશન, TV અને સિનેમાના ક્ષેત્રમા અઢળક પૈસો અને ગ્લેમર છે. શિક્ષણ અને કળાના ઉમદા વ્યવસાયો ઘણા લોકોને આકર્ષે છે. કમ્પ્યુટર અને સંચાર એ વિકસતું ઉજ્જવળ કારકિર્દીનું ક્ષેત્ર ગણાય છે અને IAS, IPS જેવી સરકારી વહીવટી સેવાઓ સત્તા, પ્રતિષ્ઠા અને પૈસાનો પર્યાય ગણાય છે. આમ છતાં મેડીકલ ક્ષેત્રનુ આકર્ષણ ખુબ વિશેષ છે. તેના કારણો પણ છે. જેમકે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યવસાય ગણાતો હોવા સાથે મેડીકલ ક્ષેત્ર ઉંચી આવક કમાવા અનુકુળ છે, સાથે સાથે વિદેશ જવા માટે આ ક્ષેત્ર વધુ ફેવરીટ છે. જો વ્યક્તિ દેશમાં જ રહીને કંઇક કરવાની તમન્ના ધરાવતો હોય તો પણ સરકારી કે ખાનગી બન્ને ક્ષેત્રે નોકરીની તકો અને પોતાનો વ્યવસાય કરવો હોય તો ય અનુકુળ ક્ષેત્ર હોવા ઉપરાંત, સમાજની સેવા કરવાનો આત્મસંતોષ મળે તેવું કાર્ય કરવાનું હોવાથી મેડીકલના અભ્યાસ માટે તેજસ્વી વિદ્યાર્થીઓમાં ખાસ લગાવ જોવા મળે છે.
લોકોમાં જેટલું વધારે મેડીકલ અભ્યાસ માટે આકર્ષણ છે એટલી જ આ અભ્યાસમાં સીટોની ઘટ છે. ઉલટું વિચારો તો સીટોની ઘટ હોવાથી ડોક્ટરોની માંગ વધારે છે અને તેટલા જ પ્રમાણમાં હરીફાઈ સખત છે. આખા ગુજરાતમાં 3000 થી થોડી વધારે મેડીકલની સીટો છે. તેમાં અનામત અને મેનેજમેન્ટ ક્વોટા બાદ કરતા ખુબ ઓછી જગ્યાઓ ખુલ્લી હરીફાઈ માટે વધે છે. ગુજરાત જેવી જ અથવા એથી પણ વધારે મુશ્કેલ સ્થિતિ આખા દેશમાં છે. સતત 90% કે તેથી ઉપર પરિણામ લાવવાવાળા બાળકોને પણ મેડીકલ ક્ષેત્રમા આસાનીથી પ્રવેશ મળી જવાની ગેરંટી નથી હોતી. વળી, ગુજકેટ કે હવેથી NEET ની પ્રવેશ પરિક્ષાઓ માટે તૈયારી કરવા ધોરણ 12ની બોર્ડ પરિક્ષા પછી ખુબ ઓછા સમયમાં ધોરણ 11 અને 12 નો સમગ્ર અભ્યાસક્રમ સમાવે તેવું આયોજન મહત્વનું બની રહે છે. ખુબ ઉંચી ફી લઈને તૈયારી કરાવતી સંસ્થાઓમાં પણ ઘણું બધું લોલમ લોલ પણ હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં તો આવી તૈયારીને અનુકુળ સ્થિતિનો જ અભાવ વર્તાય છે. આથી, જે કોઈનું સ્વપ્ન મેડીકલ અભ્યાસનું છે તેના માટે પૂર્વ તૈયારી અને ધોરણ 10 થી જ આયોજન કરવું જરૂરી બને છે. એટલે કે વિદ્યાર્થીની સાથે સાથે વાલીની પણ જાણે કે પરિક્ષા હોય તેમ તેમણે ય તૈયારી કરવી પડે છે.
બીજો વિકલ્પ વિદેશમાં મેડીકલના અભ્યાસનો છે. અહી પણ બાળક તેજસ્વી હોવા સાથે વાલી મોટી રકમ ખર્ચી શકે તો જ અભ્યાસ શક્ય બને તેમ છે. અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ તેમજ બીજા યુરોપિયન દેશો અને ઓસ્ટ્રેલીયામાં પ્રવેશ માટે IELTS, TOFEL, USMLE જેવી કઠીન પરિક્ષાઓમા ઊંચું સ્કોરિંગ જરૂરી છે તો જ્યાં સીધો પ્રવેશ મળે છે તે દેશોમાંથી MBBS પાસ કર્યા બાદ ભારતમાં માન્યતા મેળવવા MCI ટેસ્ટ પાસ કરવો જરૂરી છે. MCI ટેસ્ટમાં પરિણામ 2-3% જેટલું જ હોય છે. આમ ચીન, ફિલીપાઈન્સ, રશિયા, યુક્રેન જેવા દેશોમાં MBBS પૂરું કર્યા પછી પણ રજીસ્ટ્રેશનની ખાત્રી નથી હોતી. વધુમાં બહારના દેશોમાં ફી તેમના ચલણમાં ભરવાની હોય છે, જેથી 5-7 વર્ષની ફીનું જરૂરી આયોજન કર્યા પછી પણ રૂપિયાની કિમતમાં વધ-ઘટ થવાથી રકમ બદલાઈ શકે છે. જે દેશોમાં સીધું એડમીશન મળે છે ત્યાં વાતાવરણીય પરિસ્થિતિ આપણા કરતા જુદી અને વિષમ છે. ખાવાનું અને રહેવાનું પણ અલગ હોય છે. આવા સંજોગોમાં બાળક પ્રવેશ મેળવ્યા પછી પણ પાછા આવી જવાના કિસ્સા બનતા હોય છે. કેટલાક એજન્ટો તેમના કમીશનની લ્હાયમાં વાલીઓને અધુરી કે ગેરમાર્ગે દોરતી માહિતી પણ આપતા હોય છે. આ તમામ વાતોનો સાધારણ અર્થ એક જ છે કે જે કોઈ વિદેશમાં મેડીકલનો અભ્યાસ કરવા ઇચ્છતું હોય તેણે અગાઉથી તમામ માહિતી મેળવી લેવી અથવા પોતાના કોઈ વિશ્વાસુનો આવો અભ્યાસ ચાલુ હોય કે પૂરો કર્યો હોય તેમની પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ.
સરકારે હમણાં કાયદાકીય અને પ્રોસીઝરમાં કરેલા નવા ફેરફારો મુજબ હવે મેનેજમેન્ટની જગ્યાઓ પણ NEET પરિક્ષાના મેરીટ અનુસાર જ ભરવાની થવાની છે. જેથી માત્ર પૈસા ખર્ચીને પોતાના બાળકોને ડોકટર બનાવી દેવાનું હવે આસાન નથી. જેમનો વ્યવસાય મેડીકલ હોય અને પોતાના બાળકને પોતાના ધંધામાં લગાવવાના હોય તે સિવાયના વાલીઓ માટે આગોતરું આયોજન અને બાળકને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડી સારું પરિણામ મેળવવું એ જ સર્વોત્તમ માર્ગ છે. આ આખા લખાણનો અર્થ કોઈ એમ ના કરે કે મેડીકલ ક્ષેત્રે સામાન્ય બાળકો જઈ જ ના શકે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. આયોજન પૂર્વક તમારા બાળકના અભ્યાસમાં સહયોગી થાઓ અને બાળક ધગશથી મહેનત કરે તો કશું અશક્ય નથી. દર વર્ષે દેશભરમાં હજારો બાળકો મેડીકલ ક્ષેત્રે પ્રવેશી ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરે છે અને હવે તો તેમાં ગ્રામીણ બાળકોનું પ્રમાણ પણ ક્રમશ: વધી રહ્યું છે. મેડીકલ ક્ષેત્રે સ્પર્ધા, મહેનત અને હોશિયારી જરૂરી છે છતાં આવક, સામાજીક મોભો અને જીવન પર્યંત માનવતાની સેવા કરવાની તક આ સિવાયના ખુબ ઓછા ક્ષેત્રોમા મળે છે.