લાલકિલ્લો એટલે ભારતની સંપ્રભુતાનું પ્રતિક. આઝાદ ભારતમાં રાષ્ટ્રીય પર્વની પ્રથમ ઉજવણી અથવા પ્રથમ વખત ભારતીય ઝંડો (તીરંગો) જવાહરલાલ નહેરૂએ લાલકિલ્લાની પ્રાચીર પરથી 15 ઓગષ્ટ 1947 ના દિને ફરકાવ્યો અને દેશની આઝાદી અથવા સ્વાતંત્રની ઘોષણા કરી ત્યારથી દર વર્ષે સ્વાતંત્ર્યદીને ભારતના પ્રધાનમંત્રી લાલકિલ્લાથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.
મુઘલ સમ્રાટ શાહ જહાએ 1639માં આગ્રાથી દિલ્લી રાજધાની ખસેડી ત્યારે નવીન શહેર શાહજહાનાબાદ વસાવ્યું. એ આજનું જૂની દિલ્લી છે અને સમ્રાટનું રહેઠાણ એટલે લાલકિલ્લો. 1639થી 1648 એટલે કે લગભગ નવ-વર્ષમાં લાલકિલ્લો બનીને તૈયાર થયો. લાલકિલ્લોએ મુઘલ સમ્રાટોના અન્ય કિલ્લાઓ કરતાં ખુબસુરતી, સગવડતા અને ભવ્યતામાં બેનમુન છે. વર્ષ 2007માં યુનૅસ્કોએ આ સ્થાપત્યને વિશ્વ ધરોહર જાહેર કરેલ છે. આ કિલ્લો તેના નામ પ્રમાણે લાલ પથ્થરોથી અંદાજે 250 એકર વિસ્તારમાં બનાવેલો છે. શરૂઆતમાં તેને કિલ્લા-એ-મુબારક કહેવાતો. બહારથી ભવ્ય દેખાતો યમુના નદીને કિનારે અડીખમ ઉભેલો આ કિલ્લો અંદરથી વધુ બારીક અને કલાત્મક બાંધકામ ધરાવે છે. આ કિલ્લામાંથી શાહજહાથી શરૂ કરી છેલ્લે બહાદુરશાહ ઝફરે રાજ્ય કર્યું અને 1857નાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના નિષ્ફળ અંત સાથે મુઘલ સામ્રાજ્યનું પતન થયું. લાલકિલ્લા ઉપર મરાઠાઓએ પણ થોડોક સમય કબજો કરેલો. ભારતના સત્તા કેન્દ્રમાં લાલકિલ્લાનું સ્થાન જાણી ભારતીયોને અપમાનીત કરવા 1857 બાદ અંગ્રેજોએ લાલકિલ્લાનો લશ્કરી છાવણી તરીકે ઉપયોગ કર્યો. જે આઝાદી પછી પણ કેટલાંક વર્ષો ભારતીય લશ્કરને હવાલે રહ્યો. લાલકિલ્લામાં શાહજહા, ઔરંગઝેબ, અંગ્રેજો વગેરેએ પોતાના શાસનકાળ દરમ્યાન ફેરફારો પણ કરાવ્યા.
પ્રાચીનકાળથી દિલ્લી ભારતનું રાજકીય અને સાંસ્કૃતિક કેંન્દ્ર છે. આ શહેર ઇતિહાસમાં અનેક વખતે નાશ પામ્યું અને ફરીથી સ્થપાયું. મહાભારતકાળનું હસ્તીનાપુર એ પણ દિલ્લી હતું અને આજે આઝાદ ભારતની રાજધાની પણ દિલ્લી છે. હજારો વર્ષના ઇતિહાસમાં ભારતીય જનમાનસ અને સંસ્કૃતિમાં સત્તાના કેન્દ્ર તરીકે દિલ્લી વણાઇ ગયેલું છે. બહાદુરશાહ ઝફરની સત્તાના અંતિમ દિવસોમાં તેમની આણ માત્ર લાલકિલ્લા પૂરતી હતી છતાં, તે ભારતસમ્રાટ ગણાતો એવી લાલકિલ્લાની શાખ છે. દિલ્લીનું ભૌગોલિક સ્થાન સંમગ્ર ભારત ઉપર વહીવટી અંકુશ માટે અનુકુળ છે તો ભારતીય સંસ્કૃતિનું એ કેન્દ્ર બિંદુ પણ છે. તેથી જ અંગ્રેજ શાસન દરમિયાન શરૂઆતના વર્ષોમાં કલકત્તા રાજધાની હતી તે બદલી. તેમણે પણ દિલ્લીને કેન્દ્ર બનાવ્યું. સુભાષચંન્દ્ર બોઝે “ચલો દિલ્લી”નો નારો પણ તેથી જ આપેલો. જુની દિલ્લીનું શિરમોર અને કેંન્દ્રીય સ્થાપત્ય એટલે લાલકિલ્લો. અહીં માત્ર શાસકોની યાદગીરી નથી, પણ 1857નાં સ્વાતંત્ર્ય સંગ્રામના બહાદુર સૈનિકોની યાદ પણ ભારતીય જનમાનસમાં જળવાયેલી છે વળી, આઝાદ હીંદ ફોઝના સિપાહીઓને પણ અહીં સજા કરવામાં આવેલી. આથી જ લાલકિલ્લાને ભારતની સ્વાધીન સત્તાનું પણ નિશાન માનવામાં આવે છે.
આઝાદીના અત્યાર સુધીના તમામ વડાપ્રધાનોએ લોકો પ્રત્યે પોતાની વફાદારીના શપથ અહીંથી જ પ્રસારીત કર્યાં છે. તમામ સરકારોની નીતિઓ અને કામગીરીની સમીક્ષા પણ અહીંથી જ લોકોને કહેવાઇ છે. દિલ્લીમાં રાષ્ટ્રપતિભવન અને વડાપ્રધાન નિવાસ તેમજ સરકારની કામગીરીના સ્થળો જુદા છે. દેશનો વહીવટ તે સ્થળોથી થાય છે. તેમ છતાં ભારતની સત્તાનું પ્રતીક સાચે જ લાલકિલ્લો છે. આથી ભારતમાં અનેક કિલ્લાઓ અને ભવ્યાતીભવ્ય રાજમહેલો આવેલા છે. દરેકનો પોતાનો ઇતિહાસા છે અને સમયના કોઈક મુકામે તેનો દબદબો અને પ્રભાવ રહેલો છે પરંતુ, લાલકિલ્લોએ લોકોના માનસપટલમાં ઉચું અને અનેરૂ સ્થાન ધરાવે છે.