વૈષ્ણવજન તો તેને રે કહીએ….. આ ગુજરાતી ભજન અથવા પદ એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સૌથી પ્રિય ભજન છે. ગુજરાત બોર્ડના ગુજરાતી ધોરણ 10 ના પ્રકરણ 1 તરીકે વૈષ્ણવજન પદને અભ્યાસક્રમમાં દાખલ કરીને ખરેખર પુસ્તકને મુલ્યવાન બનાવ્યું છે તેવું લાગ્યા વગર રહેતું નથી. વૈષ્ણવજન પદ એ ગુજરાત અને ગુજરાતીના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલું ભજન છે.
નરસિંહ મહેતા :
સૌપ્રથમ આપણે નરસિંહ મહેતાનો પરિચય મેળવીએ. ઇ.સ.ની 15 મી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતા જુનાગઠના રહેવાસી અને નાગર બ્રાહ્મણ હતા. કૃષ્ણભક્તિમાં તરબોળ નરસિંહ મહેતાએ અનેક પદો,ભજનો, પ્રભાતિયા વગેરેની રચના કરેલ અને આજે પણ દરેક ગુજરાતી ઘર અને મંદિરોમાં તેમના ભજનો કે કાવ્યો ગવાય છે. દરેક ભજનમંડળી કે સંત્સગમાં પણ નરસિંહ મહેતાની રચનાઓ ગવાય છે. “કુંવરબાઈનું મામેરૂ”, “મારી હુંડી સ્વીકારો મહરાજ”, વગેરે જેવી અનેક નરસિંહ મહેતાની રચનાઓ આજે પણ લોકપ્રિય છે.
મહાત્મા ગાંધી :
મહત્મા ગાંધીજીને આ ભજન અતિપ્રિય હતું અને તેમણે “આશ્રમ ભજનાવલી” માં તેનો સમાવેશ કરેલો. આથી પણ માત્ર ગુજરાત અને ભારતમાં જ નહી પરંતું દુનિયાભરમાં આ પદ ખુબ જ પ્રસિદ્વિ પામેલ છે. આ પદમાં સરળ ભાષા અને રાગબધ્ધ ગાઈ શકાય એવી રચના હોવાથી સદીઓથી તે ગવાતું અને સંભળાતું રહ્યું છે.
કાવ્યસાર :
આ સમગ્ર પદમાં કવિએ વૈષ્ણવજન એટલે કે વિષ્ણુની ઉપાસના કરનાર “વૈષ્ણવ” કેવો હોય છે અથવા કેવો વ્યક્તિ વૈષ્ણવજન કહેવાય તેનો આબેહુબ ચિતાર આપ્યો છે. ક્રમબધ્ધ કાવ્યની પંક્તિઓ વાંચતા જઈએ તેમ તેમ કવિ તેના લક્ષણો કે ખાસિયતો જણાવતા જાય છે. સમગ્ર રીતે જોઈએ તો પારકાની પીડા જાણી શકનાર, બીજાનું ભલું કરે પણ તેનું અભિમાન ન કરનાર, બીજાની નિંદા ન કરે તેવો, નિર્મળ મનવાળો, અસત્ય ન બોલે અને પારકાની સ્ત્રીને માતાતુલ્ય માને, લોભ, કામ, કપટ, ક્રોધ જેવા દુર્ગુણો ના ધરાવતો વ્યક્તિ કવિના મતે વૈષ્ણવજન કહેવાય છે. અને આવી વ્યક્તિ એ પોતે જ તીર્થરૂપ હોય છે. જેના દર્શન કરવાથી આપણો પણ બેડો પાર થઈ જાય એમ કવિ માને છે.
પરિક્ષાલક્ષી :
આ કાવ્ય ખુબ જુના સમયમાં રચાયેલું હોવાથી તેમાં કેટલાક તળપદા શબ્દો છે જેનો અર્થ વિદ્યાર્થીઓએ સારી રીતે સમજી લેવો જોઈએ, વળી, સરળ પ્રકારના સમાનાર્થી અને વિરૂદ્ધાર્થી શબ્દો પણ સમજી લેવા જોઈએ જેથી પરીક્ષાની દ્રષ્ટિએ પણ તૈયારી થઈ રહે. વિદ્યાર્થીઓએ કાવ્યની પ્રત્યેક પંક્તિ કંઠસ્થ કરવી જોઈએ અને દરેક પંક્તિનો અર્થ સમજવો જોઈએ. જેથી કાવ્યપંક્તિ સમજાવવાના પ્રશ્નોનો પણ સરળતાથી ઉત્તર આપી શકાય અને સારાં ગુણ મેળવી શકાય.
વિશેષ :
આ કાવ્યને ખુબ સરસ રીતે ગાઈ શકાય તેમ છે. સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર – લતાજીના અવાજમાં આખું પદ સાંભળવા માટે અહીં લીંક આપેલ છે જે સાંભળી યાદ રાખવામાં ઉપયોગી થશે. શાળાઓમાં પ્રાર્થનામાં પણ આ કાવ્ય ગવડાવી શકાય. વધુમાં zigya સાથે અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ કાવ્યના Book Question અને વધારાના zigya Question ના ઉત્તરો સાઇટ પરથી જ્યારે અભ્યાસ કરવો હોય ત્યારે જોઈ શકે અને અભ્યાસ કરી શકે તે માટે મુકેલાં છે.