ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા એટલે સત્યના પ્રયોગો કે આત્મકથા. આ પુસ્તકને ગાંધીજીની આત્મકથા કહેવામાં આવે છે, કારણ કે ગાંધીજીએ પોતાના વ્યક્તિગત અનુભવો અને તેમના જીવન પ્રસંગોને આ પુસ્તકમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યા છે. તેથી જ આ પુસ્તક એ એક સામાન્ય પુસ્તક ન રહેતા એક આત્મકથા બની ગયુ. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. ગાંધીજીએ પોતાની વાતો આ પુસ્તક માં કહી ને એક મોટું માર્ગદર્શન આપ્યું છે અને તેમનું જીવન તો એક પ્રેરણાદાઈ છે.
ગાંધીજીને તેમની આત્મકથા લખવા માટે તેમના સાથી મિત્રો વારંવાર આગ્રહ કરતાં અને જેરામદાસ અને સ્વામી આનંદ જેવા નિકટના સાથીઓની માંગણીઓને આખરે માન આપીને, ગાંધીજી એ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યા પછી આ કથા લખવાનો અવસર આરંભ્યો. તેમણે ઘણી સ્પષ્ટતાઓ પણ કરી હતી આ કથા વિશે. તેમણે એમ જણાવ્યું કે તેમના દરેક પ્રકરણના મૂળમાં એક જ અવાજ છે, "સત્યનો જય થાઓ". ગાંધીજીએ આ કથા કુલ ૫ ભાગ અને તે ૫ ભાગમાં થઈને કુલ ૧૭૭ પ્રકરણમાં લખી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
કદાચ, સત્યના પ્રયોગો જેટલી ભાષાઓમાં અનુવાદિત થઈ છે અને તેના જેટલા સંસ્કરણો બહાર પડ્યા છે તેટલા કોઈ આત્મકથાના હજું સુધી પડ્યા નથી. આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરુપણ, નિર્વ્યાજ સરલતા અને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરસ્સર વિનિયોગ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ – આ બધાં વડે શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આનું મોખરે સ્થાન છે.
મારા લેખોને કોઇ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું. એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દ્રષ્ટાંત રૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગ યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઈચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા યોગ્ય એક પણ વાત મે આ પુસ્તકમાં છૂપાવી નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. એવો ગાંધીજીનો પોતાનો મત હતો.
આ પુસ્તક કે તેના કર્તા વિષે માહિતી આપી શકવા જેટલો હું પોતાને સક્ષમ નથી સમજતો, પરંતુ ગુજરાતી વિદ્યાર્થીવર્ગ જીવન ઉપયોગી પુસ્તકો વાંચે અને પુસ્તકોથી વિમુક્ત થવાની વૃત્તિ ઘટે તે આશયથી કેટલાક ગુજરાતી પુસ્તકો કે જે વ્યક્તિત્વ અને સમાજ નિર્માણમાં ઉપયોગી અને અનિવાર્ય છે તેવા પુસ્તકોનો ટુંકો પરિચય આપવાનો મારો હેતુ છે. તેથી શરૂઆત આ સિવાય બીજા કોઈ પુસ્તકથી ન થઈ શકે. વધુમાં ગાંધીજીએ લખેલ અને તેમના વિશે લખાયેલા બહોળું સાહિત્ય છે, જે વાચક વર્ગથી અજાણ્યુ નથી જ.
સત્યના પ્રયોગો પુસ્તક Online PDF સ્વરૂપે મેળવવા :
http://www.mkgandhi.org/ebks/gujarati/gandhi-autobiography-gujarati.pdf