સફળતા – મંઝિલ નહીં માર્ગ છે. સફળતાના સંદર્ભે ચાણક્યનું આ સૂત્ર વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલું છે. અંગ્રેજીમાં પણ કહેવાયું છે કે, ‘Success is a PATH not a DESTINATION’ અને એનો અર્થ એક જ છે કે સફળતા સતત પ્રક્રિયા છે.
વ્યક્તિ, સમૂહ કે રાષ્ટ્ર જ્યારે કોઈ સ્થિતિથી સંતુષ્ટ થઈ જાય ત્યારે સમજવું કે તેની પડતીની શરૂઆત થઈ જાય છે. એક ખૂબ જ પ્રચલિત કહેવત ‘સંતોષી નર સદા સુખી’ થી આ સૂત્ર બિલકુલ વિપરીત લાગશે, પણ સત્ય આ જ છે. પ્રગતિનો ગ્રાફ સતત ચલિત રહે છે. કોઈ પણ વ્યક્તિ કે સમાજ ઉન્નતિની ટોચે ટકીને રહી શકે નહીં. જો તેની પ્રગતિ ચાલુ ના રહે તો અધોગતિ શરૂ થાય છે.
યાત્રા – સતત ચાલુ
માનવ જીવનમાં દરેક સમયે પોતાના નિર્ધારિત ધ્યેય સુધી પહોચવાની યાત્રા ચાલુ રહે છે.
આ માર્ગમાં સફળતા મળતી રહે તેમ વ્યક્તિ પોતાના ધ્યેયની સમીપ જાય છે.
જો નિયત ધ્યેય પ્રાપ્ત થઈ જાય તો પણ વધુ ઉન્નત સ્થિતિની સંભાવના હોય છે અને તે તરફ તેણે વધવું જ પડે.
અન્યથા નીચી સ્થિતિ સ્વીકારવી પડે.
વ્યક્તિ પોતાની સ્થિતિ જાળવી રાખે તો પણ અન્ય લોકો તેનાથી આગળ નીકળી જાય
અને તેમની સાપેક્ષમાં પ્રથમ વ્યક્તિ નીચેની સ્થિતિએ આવી જ જાય.
પર્વતની ટોચ હમેશાં સાંકળી હોય છે.
એ જ બાબત દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે.
ટોચ ઉપર સીમિત લોકો જ રહી શકે છે.
જેનો પ્રવાસ અટકે તે અન્યોથી પાછળ પડી જ જાય.
સુખ હોય કે શાંતિ – સતતતા જરૂરી :
સફળતા – મંઝિલ નહીં માર્ગ છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે સફળતા માત્ર ભૌતિક જ હોય એવું નથી. ભારતીય દર્શન વધુ વ્યાપક છે. આ સૂત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ એટલું જ સાચું છે. વ્યક્તિનો આધ્યાત્મિક ઉન્નતિ કે સફળતા પ્રાપ્તિનો ધ્યેય શું હોય છે? શાંતિ, મોક્ષ, નિર્વાણ, સ્વર્ગ જેવા શબ્દોનો ભીતરથી અર્થ શોધીએ તો માલૂમ પડે છે કે, એ કોઈ સ્થિર સ્થિતિ કરતાં સતત સ્થિતિનો વધુ નિર્દેશ કરે છે. સુખ કે શાંતિ એ કોઈ ક્ષણ નથી પણ હમેશની મેળવવા ધારેલી પરિસ્થિતી છે. અને જો એ સતત ચાલુ રહેનાર સ્થિતિ હોય તો તેને પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ રહેવું પડે. આમ, સુખ અને શાંતિ જો જીવનનો અંતિમ ધ્યેય હોય તો તેને મેળવવા અને જાળવી રાખવા સતત કાર્યશીલ રહેવું પડે.
સંસાર પરિવર્તનશીલ છે.
આધુનિક સંદર્ભે વિચારીએ તો, આપણે કહીએ છીએ કે દુનિયા સતત પરિવર્તનશીલ છે.
વિશ્વ જ નહીં સમગ્ર બ્રહ્માંડમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે.
વિજ્ઞાન અને ટેક્નોલૉજી હમેશાં અપગ્રેડ થાય છે.
આજે કોઈ સિધ્ધાંત કે અવધારણા પ્રતિપાદિત થાય તો એ તેનાથી વધુ આગળના સિધ્ધાંત માટેનું પગથિયું છે.
એનો ઉપયોગ કરી આગળનો સિધ્ધાંત શોધવાનો કે સાબિત કરવાનો હોય છે.
કોઈ સાધન શોધવામાં કે બનાવવામાં આવે ત્યારે એ ગમે તેટલું પરફેક્ટ હોય,
પણ તેનાથી વધુ સારું સાધન બનાવવાની હમેશા શક્યતા રહે છે.
આથી જ ચાણક્ય સદીઓ પહેલા કહી ગયા છે ‘ સફળતા – મંઝિલ નહીં માર્ગ છે’