માણસ મોટે ભાગે શરીરથી કામ કરે છે, પરંતુ કાર્ય કરવાની પ્રેરણા મનમાંથી મળે છે. હિમ્મત એટલે કાંઈક કરી શકવાની મારામાં ક્ષમતા છે તેવી માનસિક સજ્જતા. આધળુકીયું, અવિચારી કાર્ય કરવાની ઉતાવળ કે આશરે ઠોકમ ઠોક કાર્ય કરવું એ હિમ્મત નથી. હિમ્મત માનસિક શક્તિ છે અને તેથી જ અનુભવથી ઘડાય છે. હિંમતવાન લોકો અકલ્પનીય કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરે છે, તેની પાછળ તેમનો અનુભવ, નવીન કાર્ય કરવાની સજ્જતા અને સભાનતા તથા ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવાની તેમની તૈયારી સહુથી વધુ કારણભૂત હોય છે. હિમ્મત અને જોખમ બંન્નેનો અર્થ સમજવો જરૂરી છે, સાથે સાથે તેમની વચ્ચેનો ફરક સમજવો પણ જરૂરી છે. તેથી જ મહાપુરુષો આપણને હિંમતવાન બનવાની પ્રેરણા આપે છે.
એક ખુબ જાણીતી કહેવત છે “હિમ્મતે મર્દા તો મદદે ખુદા”. આ કહેવત ખુબ ઊંડા મંથનમાંથી જન્મેલી છે. માણસની હિમ્મતની કસોટી વિપરીત પરિસ્થિતિઓમાં થાય છે. સીધી સાદી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે છે અને કદાચ સફળ પણ થાય છે. જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય, સંજોગો અનુકુળ ના હોય ત્યારે કાર્ય કરવાની અને તેમાંથી પાર ઉતરવાની બાબત એ હિમ્મતવાન અને કાંઈક અંશે ધૈર્યવાન મનુષ્યની કસોટી છે.
હિમ્મત એ શારીરિક કરતા માનસિક અથવા આંતરિક ક્ષમતા છે તે સમજાવવા આપણને અનેક ઉદાહરણો મળે છે. જેમ કે, અંગ્રેજ સામ્રાજ્ય સામે મુઠ્ઠી હાડકાના ગાંધીજીનો સંઘર્ષ. અહી ગાંધીજીએ પોતાના દેશના લોકોની સામુહિક તાકાત અને સંપના કારણે સફળતા મેળવી, અન્યથા શસ્ત્રો અને શારીરિક અથવા સત્તાની તાકાત તો અંગ્રેજો પક્ષે વધુ હતી. મહાવીર અને બુદ્ધે તેમની વાત સમાજને સમજાવવાની હિમ્મત કરી તો તેઓ ધર્મ સ્થાપક બન્યા. આપણામાં રહેલી અસીમ આંતરિક શક્તિને ઓળખીએ અને આવેલ પરીસ્થીતીઓનો હિમ્મત પૂર્વક સામનો કરીએ એ જ સાચા મનુષ્યત્વની નિશાની છે.
આ આખી બાબત ઉલ્લેખાવાનો મારો આશય એ છે કે, વર્તમાનમાં સમાજમાં આત્મહત્યાઓનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. તેના સામાજીક, આર્થિક અને રાજકીય અનેક કારણો હોઈ શકે અને છે. મારે તેના વિષ્લેષણમાં નથી ઉતરવું. ખેડૂતોની આત્મહત્યા, વિદ્યાર્થીઓની આત્મહત્યા, દલિતોની આત્મહત્યાઓ આમ દરેક જાણે કે આત્મહત્યા જ પ્રશ્નોનું છેલ્લું નિરાકરણ હોય તેમ પોતાની જાતનો અંત લાવવા માથે છે. મારે તો એટલું જ કહેવું છે કે, પ્રશ્ન ગમે તેટલો ગંભીર હોય તેના વિષે શાંત ચિત્તે વિચારણા કરી હિમ્મત પૂર્વક સામનો કરવો એ જ માનવ ધર્મ છે. આત્મહત્યા એ પાપ છે એવું તેથી જ કદાચ ધર્મશાસ્ત્રો પણ કહે છે.