11 August એટલે ખુદીરામ બોઝની શહીદી તારીખ. મહાન ક્રાંતિવીર ખુદીરામ બોઝ આપણને શીખવાડી ગયા કે માં-ભોમને ખાતર સર્વસ્વ અર્પણ કરી દેવાની તૈયારી હોય તો મહાન થવા ઉમરના વર્ષો ખર્ચવાની જરૂર પડતી નથી. જે યુવાનને 19 વર્ષ પણ પૂરા થયા ના હોય એ દેશના મહાન શહીદોમાં સ્થાન પામે એ જ એની દેશભક્તિની ઉચ્ચતમ ભાવના દર્શાવવા પૂરતું છે. આમ તો વર્ષમાં બધા દિવસો આવે છે, પણ 11 August વિશિષ્ટ છે કારણ કે 11 August ના સપરમા દિવસે આ મહાન દેશભક્તને ફાંસી આપવામાં આવેલી. આથી જ 11 August દરેક ભારતીયના કાળજામાં કોતરયેલી છે.
આજના યુવાનોએ આઝાદ ભારતમાં જન્મ લીધો છે. ગુલામીની ઝંજીરો તોડવામાં અને આઝાદીની લડાઈમાં કેટલા ય નવલોહિયા સપૂતોએ સર્વસ્વ હોમ્યું ત્યારે આપણે આજે સ્વમાનભેર જીવી રહ્યા છીએ એ આજના યુવાનોએ જાણવું જોઈએ. મહાત્મા ગાંધીના નેતૃત્વએ દેશને આઝાદ કરાવ્યો એ હકીકત છે. છતાં, અનેક ક્રાંતિકારીઓએ એજ હેતુ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરેલું એ પણ હકીકત છે. ક્રાંતિકારીઓ છૂપી રીતે કાર્ય કરતાં જેથી ઘણાના બલિદાન અંધારામાં રહી ગયા. પણ અનેક ક્રાંતિવીરોનું કાર્ય જળહળતો પ્રકાશ પણ પાડે છે. એ પૈકી ખુદીરામ એક મહત્વનુ નામ છે.
બંગાળના તામલૂક ખાતે 3 December 1889 ના રોજ ત્રિલોકનાથ બોઝના ઘરે માતા લક્ષ્મીપ્રિયાદેવીની કૂખે ત્રણ દીકરીઓ પછી પુત્ર જન્મ થયો. તત્કાલિન ગ્રામીણ માન્યતાઓ મુજબ લક્ષ્મીપ્રિયાદેવીએ દીકરો જીવી જાય માટે બીજાને આપી દઈ ફરીથી ખરીદી લીધો. ત્રણ મુઠ્ઠી ચોખાની કણક આપીને ખરીદેલા બાળકનું નામ ખુદીરામ પાડવામાં આવ્યું કારણ કે બંગાળમાં ચોખાની કણક (કણકી) ખુદી તરીકે ઓળખાય છે.
ખુદીરામની 6 વર્ષની ઉમરે માતા ગુજારી ગયા. મોટી બહેનોના લગ્ન થયા અને પિતા મોટા સરકારી અધિકારી હતા તેમણે બીજા લગ્ન કર્યા. નાની બહેન અને ખુદીરામ ઉપર સાવકી માતાનો ત્રાસ વધી ગયો તેથી મોટી બહેન અપરૂપા માતા સાથે ઝઘડો કરી બંને બાળકોને પોતાની સાથે લઈ ગયા. હવે ખુદીરામ મોટા બહેન અને બનેવી સાથે રહી શાળામાં દાખલ થયો.
14 વર્ષની ઉમર સુધી ગમે તેમ કરી ભણવાનું ચાલ્યું પણ મનના તરંગોને શાળાનું શિક્ષણ પહોચી શક્યું નહીં. ભણવાનું બંધ કરી પુસ્તકોનું વાંચન શરૂ કર્યું. મનના સવાલો, આઝાદીની ચળવળ, અંગ્રેજો પ્રત્યેની તીવ્ર ધૃણા અને સાથે બંગાળના ભાગલનો લોર્ડ કર્ઝનનો નિર્ણય. તરુણ ખુદીરામના મન-મસ્તિષ્કમાં દરેકે અસર કરી. ઘર છોડી દીધું, સન્યાસી થવાનો વિચાર પણ કર્યો પણ અંતત: ક્રાંતિકારી સત્યેન્દ્ર્નાથની અસરમાં આવી ક્રાંતિકારીઓમાં ભળ્યા. સતયેંદ્ર્નથનું ઘર ‘આનંદમઠ’ હવે ખુદીરામનું ઠેકાણું બન્યું.
ક્રાંતિકારીઓ માટે ધનની જરૂર હતી એટલે ખુદીરામે ખજાનો લૂંટવાનું કાર્ય માથે લીધું. આખી યોજના બનાવી ખજાનો લઈ જનાર ચોકીદારના રસ્તામાં ગોઠવાઈ ગયા. જેવો ચોકીદાર નીકળ્યો કે ઉપરથી ભૂસકો માર્યો અને ચોકીદાર ગબડી પડ્યો, ડરી ગયો અને ભાગી ગયો. ખજાનો સાથીદારને આપી સત્યેન્દ્ર્બાબુના ત્યાં પહોચડવાનું કહી પોતે 9 માઈલ જેટલું પગે ચાલી ગોપાલગંજ પહોચી ગયા અને વેશ બદલી સત્યેન્દ્રનાથ પાસે પહોચ્યા. એક પ્રતિબંધિત ક્રાંતિકારી પુસ્તક વહેચતા પકડાયા અને છૂટયા પણ ખરા. પણ હવે 16 વર્ષનો આ તરુણ પોલીસના રડારમાં આવી ગયો.
એક અન્ય પ્રસંગની ખૂબ ઊંડી અસર ખુદીરામના મન પર થઈ. આ સમય દેશભરમાં અને ખાસ કરીને બંગાળમાં ‘વન્દે માતરમ’ ગીતનું ગાન અને તેનો ઘોષ ક્રાંતિકારીઓ જ નહીં સામાન્ય દેશવાસીઓ માટે પણ દેશભક્તિનું પ્રતિક બન્યું હતું, એક સુશિલ સેન નામના નવ વર્ષના બાળકને ‘વન્દે માતરમ’ નો ઘોષ કરવાની સજા રૂપે પાંચ ફટકા લગાવવાની સજા થઈ, દરેક ફટકે બાળક ‘વન્દે માતરમ’ બોલતો પણ અંતિમ ફટકે બેભાન થઈ ગયો. સજા ફટકારનાર જજ કિંગ્સફોર્ડ એજ જજ હતો જેણે બંગાળના ત્રણ પ્રસિદ્ધ દૈનિકો પર પણ રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવી બંધ કરાવેલ જેમાં અરવિંદ ઘોષ પણ આરોપી હતા. ક્રાંતિકારીઓ માટે કિંગ્સફોર્ડ જલ્લાદનું સ્વરૂપ બની ગયો અને તેને કોઈ પણ ભોગે મારી નાખવાનું નક્કી થયું. આ જવાબદારી ખુદીરામે ઉપાડી લીધી.
તેમણે બોમ્બ બનાવ્યો અને પુસ્તકમાં સંતાડી કિંગ્સફોર્ડ સુધી પહોચાડ્યો. પણ તે બચી ગયો. બોમ્બ ફૂટયા પહેલા નોકરે બહાર ફેકી દીધો અને કસાઈ કિંગ્સફોર્ડ બચી ગયો. હવે તેની મેદનીપુરથી મુજફ્ફરપૂર બદલી થઈ ગઈ. ખુદીરામ અને સાથીદાર પ્રફુલ્લ ચાકી મુજફ્ફરપુર પહોચ્યા. બંને પાસે એક એક પિસ્તોલ કે જે અરવિંદ ઘોષણા ભાઈ બારીન્દ્ર ઘોષે આપેલી ઉપરાંત ઝેરની પડીકીઓ પણ હતી, પકડાઈ જવાય તો ઝેર ખાઈ મૃત્યુ પસંદ કરવાનું હતું. બંને એ કિંગ્સફોર્ડનો બંગલો શોધી રેકી શરૂ કરી. એવું જાણવામાં આવ્યું કે તે પોતાની બગીમાં જ નીકળે છે. તેથી બહાર સંતાઈને બગી બોમ્બથી ઉડાવી દેવાનું નક્કી કર્યું.
બગી નીકળી એટલે તેની તાકમાં સંતાઈને બેઠેલા ખુદીરામ અને ચાકીએ બે બોમ્બ ઝીંકી દીધા. બગીના છોતરાં ઊડી ગયા. અંદર બેઠેલાના જીવવાની કોઈ શક્યતા હતી જ નહીં. બંને જણા રાતના અંધારામાં ભાગી ગયા. જંગલમાં આખી રાત ભાગીને સવારે ખુદીરામે જોયું તો લોકો સમાચારપત્ર રસપૂર્વક વાંચતાં હતા. પણ જ્યારે સચ્ચાઈ જાણી તો ખુદીરામ ખૂબ દુખી થઈ ગયા. કારણ કે જજની બગીમાં બોમ્બ ધડાકા વખતે બે નિર્દોષ સ્ત્રીઓ હતી અને મરણ પામેલી. જલ્લાદ જજ બચી ગયો. પછી ખુદીરામ સી. આઈ. ડી. ના હાથે ઝડપાઇ ગયા તો પ્રફુલ્લ ચાકી પણ આખી રાત દોડીને અંતે પોલીસના હાથે ઝડપાઇ ગયો. તેને પકડાવવામાં નંદલાલ બાપુ નામના માણસનો હાથ હતો જેનું પછીથી અન્ય એક સત્તર વર્ષના ક્રાંતિકારીએ ખૂન કરી બદલો લીધેલો. પણ પ્રફુલ્લ ચાકીએ પકડાતાં જ પોતાની પિસ્તોલમાથી જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી.
બીજી બાજુ ખુદીરામને હાથે પગે બેડીઓ ઉપરાંત સાંકળે બાંધી વાનમાં ચડાવવામાં આવ્યો. મુજફ્ફરપૂરની કોર્ટમાં ખુદીરામ પર કેસ ચાલ્યો અને ખુદીરામે પોતાના વકીલની સલાહ માની ‘હું નિર્દોષ છુ’ એવું બયાન આપવાને બદલે ‘મે ગુન્હો કર્યો છે પણ જેણે મારવાનો મારો ઇરાદો હતો તે બચી ગયો તેનો મને અફસોસ છે’ એવું નિવેદન આપ્યું. સજા સંભાળવતી વખતે ખુદીરામ પાજરામાં ઊંઘતો હતો. ઊઠીને બોલ્યો કે આવું લાંબુ કંટાળાજનક બોલ્યા વગર ફાંસી એટલું જ બોલી દો ને…!! પોતાના કરેલા કાર્યનો સંતોષ ના હોય કે મૃત્યુનો જરાય ડર હોય તે આવું બોલી શકે?
તારીખ 11 August 1908 ની સવારે હાથમાં ગીતાના પુસ્તક સહિત આ મહાન ક્રાંતિવીરે ‘વન્દે માતરમ’ ના જય ઘોષ સાથે ફાંસીના માંચડે અંતિમ શ્વાસ લીધા. ચારે તરફ હાહાકાર થઈ ગયો. શિક્ષણ સંસ્થાઓ બંધ રહી અને લોકોએ ચંદનકાષ્ટની ચિતામાં દેશના સપૂતને અગ્નિદાહ આપ્યો. ચિતાની રાખ લેવા લોકોનો ધસારો એવો થયો કે એ જગ્યાએ એકાદ હાથ ઊંડો ખાડો પડી ગયો.
જન્મ-મરણ વિધિના હાથમાં હોય છે એ વાત સાચી. પણ જીવનનો ધ્યેય અને કયા હેતુથી તમારું મ્ર્ત્યુ થયું એ વ્યક્તિના જીવનને પ્રેરણાદાયી બનાવે છે. તેથી જ કદાચ કહેવાયું હશે કે કેટલું જીવ્યા એ કરતાં કેવું જીવ્યા એ વધારે મહત્વનુ છે. આજે પણ દેશભરમાં યુવાનો માટે દેશભક્તિની પ્રેરણા આપતા ઉદાહરણોમાં 19 વર્ષથી પણ ઓછું જીવનાર ખુદીરામ પહેલી હરોળમાં બિરાજે છે.
Absolutely awesome Blog……
Jay Hind