ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને બાળકોના પ્યારા ચાચા નહેરુનો જન્મ આજના દિવસે એટલે કે 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. જેને આપણે સૌ બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. વડાપ્રધાન તરીકે તેઓએ 1947 થી 1964 સુધી સેવા આપી હતી. ભારતમાં પંડિતજી અને બહાર પંડિત નેહરુ તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં નહેરુજી ભારતના સૌથી પહેલા વડાપ્રધાનની સાથે સાથે અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા. આવતો હતો. આઝાદીની લડતમાં યુવાન વયે જ જોડાઈને નહેરુજીએ આજીવન દેશસેવાના કાર્યો કર્યા. મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની ચળવડમાં જોડાયેલા નહેરૂજી એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા. ભારતની લાંબી અને સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં તેઓ એક ચાવીરૂપ અને મહત્વની વ્યકિત રહ્યા હતા.
ભારત જયારે સ્વતંત્ર થયું ત્યારે 15 ઑગસ્ટ, 1947ના રોજ નવી દિલ્હી ખાતે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એક માત્ર નહેરુજીને પ્રાપ્ત થયું હતું. નહેરુજીએ એમના લાંબા કાર્યકાળ દરમિયાન ગરીબ અને વંચિતો માટેની ચિંતાને કેંદ્રસ્થાને રાખી આધુનિક ભારતનો પાયો નાંખ્યો હતો. સ્વતંત્ર ભારતની પરંપરાઓ અને માળખું ઊભું કરવામાં તેમનો લાંબો કાર્યકાળ નિમિત્ત બન્યો. જેને કારણે તેમણે "આધુનિક ભારતના શિલ્પી" તરીકે પણ સંબોધવામાં આવે છે.
ભવિષ્યમાં ભારતની પ્રગતિ માટે શિક્ષણ આવશ્યક છે એવું માનતા જવાહરલાલ નહેરુ ભારતનાં બાળકો અને યુવાનોને શિક્ષણ મળવું જ જોઈએ તેના પ્રખર હિમાયતી હતા. તેમની સરકારના કાર્યકાળ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ માટેની અનેક ઈન્સ્ટિટ્યૂટોની સ્થાપના થઈ. જેમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ (AIIMS), ધ ઈન્સ્ટિટ્યૂટસ ઓફ ટૅકનોલોજી (IIT) અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મૅનેજમેન્ટ (IIM) નો સમાવેશ થાય છે. નહેરુજીએ તેમની પંચવર્ષીય યોજનાઓમાં ઔદ્યોગીકરણ પર વિશેષ ધ્યાન મૂક્યુ. જેના પરિણામે આધુનિક ભારતનો પાયો નંખાયો. તેની સાથે સાથે નહેરુજીએ ભારતના દરેક બાળકને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે તે માટેની પ્રતિબદ્ધતાની રૂપરેખા પણ રજૂ કરી હતી. આ હેતુ સર કરવા માટે નહેરુજીએ હજારો નવી શાળાઓનું બાંધકામ કરાવ્યું. કુપોષણની સમસ્યા હલ કરવા માટે નહેરુજીએ બાળકોને મફત દૂધ અને ભોજન મળી રહે તે પ્રકારના પગલાં પણ લીધાં. પુખ્ત વયની વ્યકિતઓ માટે, વિશેષ કરીને ગ્રામ વિસ્તારમાં પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો, વ્યાવસાયિક તાલીમ અને તકનિકી શિક્ષણ શાળાઓ પણ ઊભી કરવામાં આવી હતી.
મિત્રો, આજે 14 નવેમ્બર એ ચાચા નહેરુજીના જન્મ-દિવસની સાથે સાથે બાળ દિવસ પણ છે. નહેરુજી બાળકોને દેશનું ભવિષ્ય માનતા, જે વાત 100% સાચી છે. બાળકો જ મોટા થઈને રાજકારણી, ડૉક્ટર, એંજિનિયર, શિક્ષક, લેખક, વ્યવસાયી કે કામદાર બનશે. દેશના નિર્માણમાં આજના બાળકોનો વિશેષ ફાળો રહેશે તેવું નહેરુજી માનતા હતા. નહેરુજી યુવાઓ કે પ્રૌઢ લોકોની તુલનામાં બાળકોને વધારે મહત્વ આપતા હતા. બાળકો પ્રત્યેના આ અનન્ય પ્રેમને કારણે નહેરુજીને ચાચા નહેરુ નું બિરુદ મળ્યું હતું. અને આ જ કારણે 1964માં નહેરુજીના નિધન બાદ એમના જન્મ-દિવસને ભારતમાં બાળ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. જો કે વૈશ્વિક વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1949 થી 20 નવેમ્બરના દિવસને ‘Universal Children’s Day’ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.
આજે આ બાળદિવસના પ્રસંગે એક દેશભક્તિ ગીતની પંક્તિ જરૂર લખીશ.
ईंसाफ की डगर पे, बच्चो दिखाओ चलके,
ये देश है तुम्हारा, नेता तुम्हि हो कल के ।
આજનો આ બાળ દિવસ પૂરી રીતે બાળકોને સમર્પિત છે. આ દિવસે બાળકો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બાળકો જ દેશનું ભવિષ્ય હોઈ આજના દિવસે બાળકોના શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય વગેરેની સાથે સાથે શારીરિક અને માનસિક વિકાસ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવે છે. કેટલીય શાળાઓ અને સંસ્થાઓમાં બાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. બાળકોની ક્ષમતા બહાર આવે અને પ્રતિભા ખીલે એવા પ્રયત્નો સાથે વિશેષ આયોજન કરવામાં આવે છે. સાથે સાથે ગરીબ બાળકોને આરોગ્ય સેવાઓ અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય અને બાળ-મજૂરી અટકાવી શકાય એ માટે પણ ચર્ચા-વિચારણા થાય છે.
ચાલો, આજે સૌ મળી નહેરૂજીને શ્રદ્ધાંજલિ અર્પીએ અને એમના દેશ માટેના બલિદાન અને એમની ગૌરવગાથાને યાદ કરીએ. સાથે સાથે બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે જાગૃત બનીએ. બાળ અપહરણ, કુ-પોષણ, બાળ-મજૂરી, શિક્ષણના પ્રશ્નો વગેરે જેવી ગંભીર બાબતો સામે એકજૂથ થઈ એ તમામ દુષણોનો સામનો કરી એને દૂર કરવાની નેમ સાથે ચાચા નહેરુજીને સાચી શ્રદ્ધાંજલિ અર્પીએ. અંતમાં કોઈ કવિએ લખેલી સરસ કવિતા સાથે સૌને બાળ દિવસની ખૂબ શુભેચ્છાઓ.
नेहरू चाचा तुम्हें सलाम, अमन-शांति का दे पैगाम ।
जग को जंग से बचाया, हम बच्चों को भी मनाया ।
जन्मदिवस बच्चों के नाम, नेहरू चाचा तुम्हें सलाम ।
देश को दी हैं योजनाएं, लोहा और इस्पात बनाए ।
बांध बने बिजली निकाली, नहरों से खेतों में हरियाली ।
प्रगति का दिया इनाम, नेहरू चाचा तुम्हें प्रणाम ।