15 September એ ભારતમાં એન્જિનીયર દિવસ તરીકે ઉજવાય છે. 1861 ની 15મી સપ્ટેમ્બરે ભારતના મહાન ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયાનો જન્મ થયેલો અને તેની યાદમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ. તત્કાલિન મૈસૂર રાજ્ય અને આજના કર્ણાટકના મુદ્દેંહાલીમાં સંસ્કૃત પંડિત એવા એમ. શ્રીનિવાસ શાસ્ત્રી તેમના પિતા હતા.
પ્રારંભિક જીવન:
સ્થાનિક કક્ષાએ પ્રાથમિક શિક્ષણ મેળવી બેંગલોરમાં આર્ટ્સના વિષયો સાથે સ્નાતક થયા. ત્યાર બાદ પુનાની કોલેજ ઓફ એંજિનિયરિંગમા દાખલ થઈ મુંબઈ યુનિવર્સિટીની ડિગ્રી મેળવી.
વ્યાવસાયિક જીવન:
મૂંબઈમાં PWD ખાતામાં નોકરીની શરૂઆત કરી અને આગળ જઇ ઇંડિયન ઇરિગેશન કમિશનમા જોડાયા. તેમનું મહત્વનુ કાર્ય એટલે દક્ષિણમાં સિંચાઇ માટે નેટવર્ક સ્થાપિત કર્યું. તેઓ મૈસૂરના દીવાન તરીકે પણ રહ્યા અને સમગ્ર વિસ્તારના આર્થિક, સામાજિક તથા ઔદ્યોગિક વિકાસમાં મહત્વનુ પ્રદાન કર્યું.
યોગદાન:
કર્ણાટક્નો ક્રુષ્ણ રાજા સાગર બંધ એ તેમની રચનાઓની મહત્વની નિશાની છે.
તેમના અભ્યાસ અને આયોજન આધારે હીરાકુંડ યોજના બનાવવામાં આવી.
તેઓ આધુનિક કર્ણાટકના નિર્માતા ગણાય છે.
બેંગલોરમાં અનેક સંસ્થાઓ તેમણે સ્થાપી.
વળી, છેક 1959માં જયનગર વિસ્તારનું આયોજન કર્યું.
તે સમયે આ શહેર એશિયાનું સૌથી મોટું પ્લાન સબર્બ હતું.
હૈદરાબાદ શહેર માટે પૂર નિયંત્રણ યોજના બનાવી તેમણે એક વધુ યશકલગી મેળવી.
વિશાખાપટ્ટનમ પોર્ટનું સમુદ્રના પુરથી રક્ષણ કરવાની યોજના પણ એમ. વિશ્વેશ્વરૈયાએ અમલી કરેલી.
ગંગા નદી પર બિહારમાં મોકમા પુલની યોજનામાં પણ 90 વર્ષની જૈફ વયે તેમણે યોગદાન આપેલું.
એવોર્ડ:
બ્રિટિશ સરકારનો નાઈટ કમાન્ડર ઓફ ધી ઓર્ડર એવોર્ડ અને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન એવોર્ડ પ્રાપ્ત કરનાર તેઓ વિરલ વ્યક્તિત્વ હતા. 12 એપ્રિલ 1962 ના રોજ આયખાની યશસ્વી સદી પૂરી કરી તેઓ અનંતની યાત્રાએ સીધાવ્યા.
યાદગીરી અને શીખ:
તેમણે યાદ કરીને આપણે 15 September નો દિવસ આખા દેશમાં ઇજનેર દિવસ તરીકે ઉજવીએ છીએ. તેમની યાદ આપણને શીખવી શકે કે, આર્ટ્સ સ્નાતક ઇજનેર તરીકે કેવું મહાન કાર્ય કરી શકે. રાજાઓના પ્રદાન જાણ્યા છે. એક દીવાનને પ્રદેશનો આધુનિક નિર્માતા તરીકે ઓળખવો હોય તો એમ. વિશ્વેશ્વરૈયા ઉદાહરણ છે. દીર્ઘ દ્રષ્ટિનું આયોજન અને સમયબદ્ધ કાર્ય એમની ખાસિયત હતી. રશિયાએ પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી તે પહેલા તેમણે એ અંગે પુસ્તક લખેલું. ક્રષ્ણ રાજા સાગર બંધ બન્યો ત્યારે ભારતમાં સિમેન્ટ નહોતો બનતો. તેમણે મોર્ટારનું ઉત્પાદન કરાવી બંધ બનાવ્યો. આજે દશક જૂના બાંધકામો ધરાશાયી થઈ જાય છે. ત્યારે સદીઓ સુધી કામ કરતાં બાંધકામો તેમણે નિર્માણ કર્યા. એવા મહામાનવને યાદ કરી તેમના કાર્યો અને જીવનમાંથી પ્રેરણા મેળવીએ.