વિશ્વ શાંતિ દિવસ ની વાત આપણે એવા સમયે કરી રહ્યા છીએ જ્યારે સમગ્ર વિશ્વ આજે આતંકવાદના ભય નીચે જીવી રહ્યું છે. દુનિયામાં જ્યાં જુઓ ત્યાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને હુમલાઓથી માનવજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. સમાચાર પત્રોમાં આપણને દરરોજ આતંકવાદી હુમલાના સમાચાર જાણે રૂટીન થઈ ગયા છે. વિશ્વમાં શાંતિ જેવું ક્યાંય લાગશે જ નહિ. એમાંય આપણા દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં તો યુદ્ધ જેવી પરિસ્થિતિ દેખાય છે.
આજની ભારતની સ્થિતિ અને વિશ્વ શાંતિ દિવસ
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી આપણો દેશ ત્રસ્ત છે. 17 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે સેનાના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં સેનાના 18 જેટલા વીર જવાનો શહિદ થયા અને અનેક ઘાયલ થયા. આજે આખો દેશ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં આ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. આપણો દેશ એ એક શાંતિ પ્રિય દેશ હોવા ઉપરાંત સૌથી ઝડપથી વિકાસ પામી રહેલ અર્થતંત્ર છે. આપણા દેશમાં જન-જનમાં સમાયેલ સર્વધર્મસમભાવની ભાવનાથી વિપરિત દેશની શાંતિ અને અખંડિતતાને હાની પહોંચાડવા માટે આતંકવાદી હુમલાઓ કરાય છે. જે આપણા પાડોશી પાકિસ્તાનની શાંતિમાં યુદ્ધની નિતિનો ભાગ છે. પાકિસ્તાન ભારત સામે યુદ્ધ જીતી શકે તેમ નથી જેથી તે આવી પરોક્ષ યુદ્ધની પદ્ધતિથી ભારતની વિકાસ કૂચને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે.
ઉજવણીની શરૂઆત
આજે 21 મી સપ્ટેમ્બર એટકે કે વિશ્વ શાંતિ દિવસ છે. આ દિવસ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા 1981માં જાહેર કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 1982ની 21 સપ્ટેમ્બરના રોજ પ્રથમવાર તેની ઉજવણી કરવામાં આવી. 1982માં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવાનું નિશ્ચિત થયું હતું પરંતુ 2002માં પસાર થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા બાદ દર 21 સપ્ટેમ્બરે તેની ઉજવણી થાય છે.
ઉદ્દેશ
વિશ્વ શાંતિ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદભાવનો સંદેશો ફેલાવવાનો છે. આ મુખ્ય ઉદ્દેશ સાથે દર વર્ષે આ દિવસ સાથે કોઈને કોઈ નવો ઉદ્દેશ અથવા કહી શકાય કે થીમ પણ રાખવામાં આવે છે. જેમ કે ગયા વર્ષે “Partnership For Peace – Dignity For All” આ થીમ પર વિશ્વ શાંતિ દિવસની ઉજવણી થઈ હતી. આજનો આ વિશ્વ શાંતિ દિવસને “The Sustainable Development Goals : Building Blocks for Peace.” થીમ પર સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે. ઝાડની ડાળી પર બેઠેલું સફેદ કબૂતર એ શાંતિનું પ્રતિક છે. કેથલિક, યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં કબૂતરને શાંતિનું દૂત માનવામાં આવે છે. વિશ્વ શાંતિ દિવસે ઠેર ઠેર કબૂતર ઉડાડી શાંતિનો સંદેશો ફેલાવાય છે.
વૈશ્વિક યુદ્ધવિરામ દિવસ
21 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક યુદ્ધવિરામ દિવસ તરીકે પણ ઉજવાય છે. આજના દિવસે વિશ્વમાં જ્યાં પણ યુદ્ધ ચાલતું હોય ત્યાં નિ:શસ્ત્રીકરણની અપેક્ષા રાખવામાં આવે છે. આ દિવસે યુદ્ધવિરામ રાખવાનો આશય યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં નિર્દોષોને મદદ પહોંચાડવાનો પણ છે. દુનિયાના મોટા ભાગના દેશો દર વર્ષે શસ્ત્રો પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરે છે. જ્યારે આરોગ્ય અને શિક્ષણ પાછળ ખૂબ જ ઓછી રકમ ખર્ચ થાય છે. આમ, આ દિવસની ઉજવણી પાછળનો એક આશય એ પણ છે કે જો દુનિયાના દરેક દેશ શાંતિ માટે પ્રયત્નો કરે તો આરોગ્ય અને શિક્ષણ જેવી મહત્વની ચીજો પાછળ વધુ નાણાં ફાળવી શકાય. જેને કારણે એક મજબૂત અર્થતંત્રની રચના કરી શકાય અને લોકોના જીવનધોરણમાં પણ સુધારો કરી શકાય. કારણ કે જો દેશનો નાગરિક સ્વસ્થ અને ભણેલો હશે તો જ દેશ સ્વસ્થ અને મજબૂત બની શકશે અને વિકાસ કરી શકશે.
ઉજવણી કેવી રીતે કરાય છે.
સંયુક્ત રાષ્ટ્રના ન્યુ યોર્ક સ્થિત મુખ્ય મથકમાં એક શાંતિ બેલ રાખવામાં આવ્યો છે. વિશ્વ શાંતિ દિવસની ઉજવણીની શરૂઆત આ બેલને વગાડીને કરવામાં આવે છે. આ બેલ દુનિયાભરમાંથી બાળકો દ્વારા એકઠા કરવામાં આવેલા સિક્કાઓને પીગાળીને બનાવવામાં આવ્યો છે. આ બેલ જાપાનના સંયુક્ત રાષ્ટ્ર એસોસિયેશન દ્વારા ભેટ આપવામાં આવ્યો હતો. જે યુદ્ધના ભયંકર પરિણામોનો અહેસાસ કરાવતો રહે છે. આ બેલ પર `વિશ્વ શાંતિ અમર રહો’ સૂત્ર કંડારવામાં આવ્યું છે.
ભારત આઝાદ થયું ત્યારથી આખા વિશ્વમાં શાંતિ અને સદભાવના માટે પ્રયત્નશીલ છે. બિન-જોડાણવાદી સંગઠનની રચના પણ તે અર્થે થયેલી અને ભારત તેનું પ્રમુખ સ્થાપક સભ્ય હતું. તે સિવાય સંયુક્ત રાષ્ટ્ર અને તેના જેવી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતનો અવાજ હંમેશા વિશ્વ શાંતિની તરફેણમાં રહ્યો છે. એક દેશ તરીકે અને એક પ્રજા તરીકે આપણે હંમેશા શાંતિની ખેવના રાખેલ છે.