26 જુલાઇ એ કારગિલ વિજય દિવસ છે. પાકિસ્તાની સૈન્ય ઘુસણખોરી કરીને ભારતની સીમામાં ભારતીય સેનાના રેઢા પડેલા બંકરો પર કબજો જમાવી બેઠું હતું. સ્ટ્રેટેજીકલી પાકિસ્તાની સેના પાસે સલામત પોઝિશન હતી. આમ છતાં, વીરતા, શૌર્ય અને દેશપ્રેમ માટે દુનિયાનું કોઈ સૈન્ય જેનો મુકાબલો ના કરી શકે તેવા ભારતીય સૈન્યએ 500 થી વધુ જવાનોનું બલિદાન આપીને પણ છેલ્લામાં છેલ્લા ઘૂસણખોરને યમદ્વાર પહોચડ્યો અથવા પીઠ બતાવી પાછા પોતાની સીમામાં ભાગી જવાની ફરજ પાડી. બે માસના આ યુદ્ધમાં ભારતે અગાઉના દરેક યુદ્ધની જેમ પાકિસ્તાનને હરાવ્યું તો ખરું જ પણ આંતરરાષ્ટ્રીય લેવલે ઉઘાડું પણ પાડી દીધેલું. આ યુદ્ધના તમામ શાહિદ વિરોની સાથે યુદ્ધમાં જીવસટોસટની લડાઈ માં સામેલ થયેલા દેશના જવાનોને પણ કોટિ કોટિ વંદન.
26 જુલાઈની વાત હોય ત્યારે ગુજરાતી તરીકે કારગિલની સાથે સાથે અમદાવાદનાં 2008 ના બોમ્બ ધડાકાની દુખદ, હ્રદયદ્રાવક યાદ પણ આવે જ. પાકિસ્તાન અને તેના પાળેલા ત્રાસવાદીઓએ સરહદ પર 20 વર્ષ પહેલા ઘા કરેલા અને દેશના જવાનોના જાનની કિમમતે આપણે તેને પાઠ શીખવવો પડ્યો એજ નાપાક પાડોશીના પાળેલા અને દૂધ પાઇ ઉછેરેલા સાપોએ 2008માં શહેરમાં ઘૂસી કદી ના ભૂલાય એવા જખમ આપ્યા. 26 જુલાઇ 2008ના એ ગોઝારા દિવસે આતંકીઓએ ટિફિન બોમ્બનો ઉપયોગ કરી શહેરના 21 સ્થળોએ ધડાકા કરેલા. આખા શહેર, રાજ્ય અને દેશના નાગરિકોના જીવ ઊંચા કરી દીધેલાં. જે હતભાગી 48 લોકોને જીવ ખોવાનો વારો આવેલો તે તમામને શ્રદ્ધાંજલી સાથે અહી એ યાદ રાખવું જોઈએ કે એ નરાધમોએ વધુમાં વધુ દહેશત ફેલાવવા સભ્ય સમાજના તમામ નિયમો નેવે મૂકેલા. આખરી ધડાકા જ્યાં ઘાયલોને દાખલ કરવાના અને સારવાર આપવાની હતી તે હોસ્પિટલોમાં કરેલા.
ગુજરાત અને દેશ એ લોકોને ક્યારેય માફ ના કરી શકે જેમણે આવું કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હોય. હોસ્પિટલોને નિશાન બનાવી તેમણે જે સાબિત કરવા ધાર્યું હોય તે પણ તેઓ એ વાત ભૂલી ગયા કે આ ગુજરાતી પ્રજા છે. વિપત્તિઓથી ડરીને નહીં લડીને વિપત્તિઓનો સામનો કરવા વાળી પ્રજા છે. બોમ્બ કે ગોળીથી ક્ષણિક આઘાત અને દુખ થયું, નિર્દોષ લોકોના કીમતી જીવ ખોવાયા, કેટલાક દિવસ અશાંત મને આક્રોશ સાથે ડર પણ અનુભવ્યો પણ કોમી વિખવાદ અને લોકોની વચ્ચે તિરાડ ઊભી કરવાની અને તેમ કરી વિકાસ અને સુખેથી જીવવાની આપણી હંમેશની રીતને તેઓ ના બદલી શક્યા. આપણે આઘાતોને જીરવીને આગળ વધી શક્યા એ જ આપણી શક્તિ છે. આતંકીઓ હોય કે તેમના આકા પાડોશી દેશના નેતાઓ હોય એ નિષ્ફળ જાય છે આપણી આ જ તાકાતથી.
જય જય ગરવી ગુજરાત.