3 October 1990 નો દિવસ દુનિયાના ઈતિહાસમાં મહત્વનુ સ્થાન ધરાવે છે. આ દિવસે પૂર્વ અને પશ્ચિમ જર્મનીનુ એકીકરણ થઈ એક જર્મનીનુ ફરીથી નિર્માણ થયું હતું.
બીજું વિશ્વયુધ્ધ અને પરિણામો
બીજા વિશ્વયુધ્ધે દુનિયાના જૂના નકશાને ફેરવી નાખી જુદી જ દુનિયા બનાવી દીધી હતી.
આખી દુનિયામાં સામ્રાજ્યવાદી સતાઓની વિસ્તારની ભૂખ અને આપસી દુશ્મનીના કારણે બીજુ વિશ્વયુધ્ધ લડાયેલું એ આપણે જાણીએ છીએ.
તથાકથીત લોકશાહીના રક્ષણ માટે બ્રિટન, ફ્રાંસ અને તેમના સહયોગીઓએ યુધ્ધ લડયું તો ખરું અને જીત્યા પણ ખરા.
પણ જીત બાદ તેમની મહેચ્છાઓ દુનિયાની સમક્ષ નગ્ન સ્વરૂપે બહાર આવી.
બીજા વિશ્વયુધ્ધ બાદની સમજૂતીઓને પરિણામે દુનિયાના ત્રણ જૂના દેશો જર્મની, વિયેતનામ અને કોરિયાનું વિભાજન થયું. અને દરેક દેશમાં બબ્બે દેશો બનાવવામાં આવ્યા. હારેલા જર્મની ઉપર સૌથી વધુ અત્યાચાર થયો.
પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એવા દેશના બે ભાગ ઉપરાંત રાજધાની બર્લિન શહેરના પણ બે ભાગ પાડવામાં આવ્યા.
સમય જતાં, મશહૂર બર્લિન વોલ અસ્તિત્વમાં આવી જે આ ઐતિહાસિક શહેરની મધ્યમાં મૂડીવાદી અને સામ્યવાદી વિચારધારાઓનું વિભાજન બિંદુ બની.
આ ઉપરાંત દુનિયાના અનેક દેશો સામ્રાજયવાદની ચુંગાલમાથી મુકત થયા તેમાં પણ આ મહાયુદ્ધનો મહત્વપૂર્ણ ફાળો છે.
ભારત સહિત દુનિયાભરમાં ફેલાયેલા સંસ્થાનો જાળવી રાખવાની શક્તિ યુધ્ધથી કંગાળ બનેલ યુરોપિય સત્તાઓ પાસે રહી નહોતી.
બે જર્મની અને કોલ્ડ વોર
બીજા વિશ્વયુધ્ધમાં એકબીજાના સાથીદાર રહેલા અમેરિકા અને સોવિયેટ યુનિયન સમય જતાં એકબીજાના હરીફ બન્યા.
દુનિયામાં સત્તાનું વર્ચસ્વ ધરાવવા મૂડીવાદી અને સામ્યવાદી એવા બે ધ્રુવ પેદા થયા.
યુરોપમાં આવેલું જર્મની આ બે આખલાની લડાઈનું કેન્દ્રિય બિંદુ બની ગયું.
પશ્ચિમ જર્મની અથવા જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક એ સોવિયેટ સંઘ સાથે જોડાયેલુ સામ્યવાદી રાજ્ય અને પૂર્વ જર્મની એટલે કે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની મૂડીવાદી રાજ્ય અમેરિકા અને તેના સાથીદારો સાથે જોડાયેલુ હતું.
વિભાજિત બર્લિન શહેર અને તેની દીવાલ એક જ ઇતિહાસ ધરાવતી જર્મન પ્રજાને એકબીજાના દુશ્મન બનાવતી હતી.
પ્રજાની એકતાની ભાવના અને લાંબી બંધારણીય પ્રક્રિયાને અંતે બંને જર્મની એક થઈ મૂળ જર્મની બન્યું એ દુનિયાની વિરલ ધટનાઓમાની એક છે.
3 October 1990 એક ઐતિહાસિક દિવસ
3 October નો દિવસ ઐતિહાસિક એટલા માટે છે કે દુનિયાની મહાસત્તાઓની નારાજગી અને દબાણથી વિરુદ્ધ બંને જર્મનીના સત્તાધીશોએ પોતાની પ્રજાનો અવાજ સાંભળ્યો. એક પ્રજાનું શાંતિપૂર્ણ એકીકરણ થયું એટલું જ નહીં સમગ્ર યુરોપના એકીકરણનો માર્ગ મળ્યો.
જર્મની સિવાય વિયેતનામ નું એકીકરણ યુદ્ધની વિભીષિકાને અંતે થયું જ્યારે કોરિયા તો હજુ બે ભાગમાં છે જ.
ભારત – પાકિસ્તાનનું વિભાજન પણ મહાસત્તાઓની નીતિઓનું પરિણામ છે.
તો વળી, મધ્ય-પૂર્વના નાના નાના દેશોનો ઇતિહાસ પણ જોડાયેલો છે.
એ અને આપણે પણ શીખ લઈએ અને જોડાઈ જઈએ તો દુનિયાના અનેક પ્રશ્નો સ્વયંભૂ હલ થઈ જાય.
વિભાજિત કાશ્મીર એ બર્લિન દીવાલથી વધુ ગૂંચવાયેલો પ્રશ્ન નથી. જરૂર છે એક થવાની ભાવના.
ધાર્મિક અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ બાજુ પર મૂકી સમાધાનનો પ્રયાસ બંને દિશાથી થાય તો કશું અશક્ય નથી.
આજની દુનિયા – ગ્લોબલ વિલેજ
વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસથી આજે દુનિયા એક વૈશ્વિક એકતા તરફ જઇ રહી છે.
ભારતીય સંસ્કૃતિ તો આદિ કાળથી ‘વસુદૈવ કુટુંબકમ’ ના સિધ્ધાંતને પ્રોત્સાહિત કરે જ છે.
દુનિયાના રાજકીય માધાંતાઓ પોતાનો સ્વાર્થ છોડે અને આર્થિક મહારથીઓ વૈશ્વિક સુખાકારીનું વિચારે તો એક દુનિયા બની શકે.
જોકે ઇતિહાસ કહે છે કે કિમત ચુકવ્યા વિના કશું પ્રાપ્ત થતું નથી. કદાચ ગ્લોબલ વિલેજ માટે ચૂકવવાની કિમત હજુ પૂરી ચૂકવાયી નથી.
હજુ વધુ માણસોનું લોહી અને આર્થિક-સામાજિક નુકશાન ભોગવવાનું બાકી છે.
હા, પણ લાખો નિરાશામાં એક આશા છુપાયેલી છે. આપણે આશા રાખીએ.