યુગપુરુષ ગાંધીજી મણકો-5 એ આઝાદીના અમ્રુત મહોત્સવ ટાણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન અને દર્શન પર પ્રકાશ પાડવાનો એક પ્રયાસ છે. પ્રસ્તુત પ્રકરણમાં કેટલાક મહાનુભાવોના ગાંધીજી વિષેના અવતરણો જોઈશું.
આપણા સદભાગ્યે ગાંધીજી સ્વયં ઘણું બધું લખી ગયા છે. જે વ્યક્તિને આપણે રાષ્ટ્રપિતાનું સ્થાન આપ્યું છે, બુદ્ધ અને મહાવીરની કક્ષામાં મૂકીએ છીએ એ વ્યક્તિના એકેએક પૃથક પાસાનો સર્વસ્પર્શી અભ્યાસ થવો જોઈએ.
દક્ષિણ આફ્રિકા ના નેલ્સન મંડેલા વિશ્વના મહેનતકશ લોકોની આંખોમાં આજે એક જીવંત દંતકથારૂપ છે અને બહુધા એમની તુલના આ કાલખંડમાં મહાત્મા ગાંધી સાથે કરવામાં આવે છે. પણ મંડેલા સ્વયં પોતાને ગાંધીની કક્ષાના માનતા નથી. નેલ્સન મંડેલાએ ગાંધીજી વિશે કહ્યું છે. મને ગાંધી સાથે સરખાવવો યોગ્ય નથી. આપણામાંના કોઈ પાસે એમનો સમર્પણભાવ કે વિનમ્રતા નથી. એમણે આપણને માર્ગ બતાવ્યો કે જો સત્ય અને ન્યાયે ખરાબી પર વિજય કરવો હશે તો જેલમાં જવાનું વીરત્વ કેળવવું પડશે. આપણે ધ્યાન રાખવું પડશે કે એકવીસમી સદીમાં મનુષ્યના અસ્તિત્વની ચાવી ગાંધીની ફિલસૂફીમાં હશે.
મધ્ય લંડનના ટેવીસ્ટોક સ્કવેરમાં ૧૯૬૮માં તત્કાલીન બ્રિટિશ પ્રધાનમંત્રી હૅરલ્ડ વિલ્સને ગાંધીજીની એક પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને એ પ્રતિમા સામે વિશ્વભરમાંથી ભારતીય જાય છે, ઉભો રહે છે. વિદેશી ધરતી પર ભારત વર્ષના બાપુનું સ્મરણ કરીને ગદ્ ગદ થાય છે.
અમેરિકાના મિશિગનના ડિયરબોર્નમાં ફોર્ડ મોટર કંપનીના હેડક્વાર્ટર્સમાં ગાંધીજીએ હૅનરી ફોર્ડને ભેટરૂપે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મોકલેલો એક રેંટિયો રાખી મૂક્યો છે. હેનરી ફોર્ડ મોટરકારના જન્મદાતા ગણાય છે. એમણે ગાંધીજી સાથે લાંબો પત્ર વ્યવહાર કર્યો હતો.
ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી શિમોન પેરેઝ કહે છે કે વિશ્વે છેલ્લી બે સદીઓમાં બે મહાન પુરુષો જોયા છે એક નેપોલિયન , બીજા ગાંધી.
ડેલ કાર્નેગીના ‘હાઉ ટુ સ્ટૉપ એન્ડ સ્ટાર્ટ લિવિંગ’ માં પ્રાર્થના વિશે એક પ્રકરણ છે અને એમાં તેમણે ગાંધીજી અને એમની પ્રાર્થનાસભાઓ વિશે ખૂબ અહોભાવથી લખ્યું છે. ગાંધીજી કહેતા : હું પ્રાર્થના ન કરતો હોત તો ક્યારનોય મરી ગયો હોત.
લુઈ ફિશરે હિન્દુસ્તાન આવીને ગાંધીજી સાથે સેવાગ્રામમાં રહીને ગાંધીજી વિશે એક પુસ્તક લખ્યું હતું.
લેખિકા પર્લ બકે લખ્યું હતું: ગાંધીજી મનુષ્ય જાતિના સર્વકાલીન મહાન મનુષ્યમાં સ્થાન પામે છે અને માનવ ઈતિહાસના પુરા કાલખંડમાં એમના જેવા બહુ ઓછા આવ્યા છે !
જવાહરલાલ નહેરુએ લખ્યું: ગાંધીજી તાજી હવાની એક જબરજસ્ત લહેર જેવા હતા અને અમે ઊંડા શ્વાસ લીધા. એ પ્રકાશના કિરણ જેવા હતા, જેણે અમારી આંખોના પડળ ઊઘાડી નાખ્યાં. એક તોફાન જેણે ઘણી વસ્તુઓ અસ્તવ્યસ્ત કરી નાખી. લોકોનાં દિમાગ હલાવી નાખ્યાં. એ આસમાનથી ઉતર્યા ન હતા, એ હિન્દુસ્તાનના કરોડો લોકોમાંથી પ્રકટયા હતા !
રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજી વિશે લખ્યું: એ હજારો મુફલિસોનાં ઝુંપડાં સામે ઊભો રહ્યો, એમના જેવાં જ વસ્ત્રો પહેરીને, એણે એમની સાથે એમની જ ભાષામાં વાતો કરી. અંતે તો એ જીવંત સત્ય હતો, પુસ્તકોમાંનું એક અવતરણ ન હતો. મહાત્મા એ જ એનું સાચું નામ હતું. ગાંધીએ આહ્વાન કર્યું અને હિન્દુસ્તાન ખીલી ઉઠ્યું. એ નૂતન મહાનતામાં પ્રાચીન કાલ ની જેમ, જ્યારે બુદ્ધે દરેક જીવ માટે અનુકંપા અને ભાતૃત્વનું સત્ય કહ્યું હતું.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી મહાત્મા કે બાપુ ન હતા પણ ફક્ત ભાઈ અને આ ભાઈ સંબોધન સર્વપ્રથમ આપનારા હતા શેઠ દાદા અબ્દુલ્લા. દક્ષિણ આફ્રિકામાં અંત સુધી એ ભાઈ રહ્યા.
જાન્યુઆરી ૨૭, ૧૯૧૫ને દિવસે રાજવૈદ જીવરામ કાલિદાસ શાસ્ત્રીના સૂચનથી ગોંડલના રાજવીએ પ્રથમવાર ગાંધીજી માટે “મહાત્મા” શબ્દ વાપર્યો હતો.
સિંગાપુરથી આઝાદ હિન્દ રેડિયો પર નેતાજી સુભાષ બોઝે જ્યારે પ્રવચન આપ્યું ત્યારે ગાંધીજીને “ફાધર ઓફ ધ નેશન” ( રાષ્ટ્રપિતા) કહ્યા હતા.
ક્રમશઃ પ્રકરણ:5
Mukesh Dheniya
Patan.
આ સિરીઝના દરેક મણકા ક્રમશ: અઠવાડિક ધોરણે પ્રકાશિત થતા રહે છે. અગાઉનો મણકો આપ આ લિંકથી વાંચી શકો છો.