સર્વોદય એ એક વિચારધારા છે. વિનોબા ભાવે અને અન્યો દ્વારા સર્વોદય આંદોલન સ્વરૂપે ચાલવાયેલી ચળવળ હતી. પણ અહી આપણે ગાંધીજીએ જ્હોન રસકિન ના પુસ્તકના ગુજરાતી ભાષાંતર સ્વરૂપે લખેલ પુસ્તકના સંદર્ભે વાત કરવી છે. ગાંધીજીના જીવન ઉપર અનેક પુસ્તકોનો પ્રભાવ છે. પણ જ્હોન રસ્કિનનું પુસ્તક ‘Unto this last’ એ બધાથી અલગ પડે છે. આ એક પુસ્તકના વાંચન માત્રથી ગાંધીજીની જીવનધારા અને સમગ્રપણે જોઈએ તો તેમની ચળવળની દિશા અને દશા બન્ને બદલાઈ ગયા.
જે દિવસે આધુનિક પેઢી ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારને સામે ચાલીને અપનાવશે તે દિવસે ભારત ફરી ભ્રષ્ટાચાર, આતંક, વ્યભિચાર, વેદના, દુષ્કર્મ અને હિંસાની પીડાથી આઝાદ થશે.
એક આડ વાત અને જાણકારી માટે જણાવું કે દુનિયામાં 15 August ના દિવસે માત્ર ભારત નહીં અન્ય કેટલાક દેશો પણ આઝાદ થયેલા. તેની યાદી નીચે મુજબ છે. અને એટલે આ બધા દેશોનો આઝાદી દિન 15 August છે.
- યુરોપીયન દેશ લિક્ટેન્સ્ટાઇન 1866 માં જર્મનીથી.
- કોરિયા 1945 માં જાપાનથી.
- ભારત 1947 માં બ્રિટનથી.
- કૉંગો 1960 માં ફ્રાંસથી.
- મધ્ય પૂર્વનો દેશ બહેરીન 1971 માં બ્રિટનથી આઝાદ થયો.
ટ્રેન સવારીમાં વાંચેલું પુસ્તક અને તેની અસર:
હવે આજના મુદ્દાની મૂળ વાત ઉપર આવીએ. વર્ષ 1904 ના માર્ચમાં ગાંધીજી જોહાનિસબર્ગથી નાતાલ જતા હતા. ટ્રેન ઉપડવાની તૈયારી હતી ત્યારે પોલકે ગાંધીજીના હાથમાં એક પુસ્તક થમાવ્યું અને કહ્યું, ‘આ પુસ્તક વાંચજો, આપણે ગમશે’. ટ્રેન ઉપડી એ સાથે ગાંધીજીએ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું, પછી મૂકી જ ના શક્યા. નાતાલ પહોંચ્યા ત્યાં સુધીમાં તેમણે આખું પુસ્તક વાંચી લીધું હતું. પુસ્તકની તેમના ઉપર ગહેરી અસર થઈ હતી.
એ રાત્રે ગાંધીજી ઊંઘી ના શક્યા. પુસ્તકમાં જે મૂળ ત્રણ વિચારો કહેવાયા હતા તેણે ગાંધીજીને વિચારતા કરી મૂક્યા. આ અંગે પછી તો ગાંધીજીએ જ લખ્યું હતું, ‘પુસ્તક વાંચી લીધા પછી મારી ઊંઘ ઊડી ગઈ. જે થોડા પુસ્તકો મેં વાંચ્યા છે તેણે હું ઠીક ઠીક પચાવી શક્યો છુ, પરંતુ જે પુસ્તકે મારા જીવનમાં તત્કાળ અને મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ એક જ પુસ્તક કહી શકાય. જે વસ્તુ મારા હાડમાં ભરેલી હતી તેનું પ્રતિબિંબ મે રસ્કિનના પુસ્તકમાં જોયું. પુસ્તકમાં બતાવેલા વિચારોને આચરણમાં મૂકવા મેં નિર્ધાર કર્યો.’
હું આ પુસ્તકમાંથી ત્રણ મુખ્ય સિદ્ધાંતો આ રીતે સમજ્યો હતો.
- ‘બધાનું ભલું થાય એમાં જ આપણું ભલું થશે’.
- ‘વકીલ અને વાળંદના કામની કિંમત એકસરખી હોવી જોઈએ. કારણ કે આજીવિકાનો અધિકાર તમામને એક સરખો છે’.
- સાદું, મહેનતી અને મજૂરીનું કામ કરતા ખેડૂતનું જીવન જ સાચું જીવન છે’.
પહેલી વાત હું સમજતો હતો. બીજી વાત મને ઝાંખી રીતે સમજાતી હતી, પણ ત્રીજી વાત ઉપર મેં ક્યારેય વિચાર કર્યો ન હતો. સવારે મેં આ સિદ્ધાંતો ઉપર ચાલવાનો નિર્ધાર કરી લીધો હતો’.
સર્વોદય – રસ્કિનના પુસ્તકનો ગુજરાતી અનુવાદ:
ગાંધીજી ઉપર જે પુસ્તકનો સવિશેષ પ્રભાવ પડ્યો હતો તેમાં ‘અન ટુ ધીસ લાસ્ટ’ ખૂબ મહત્વપૂર્ણ ગણાવી શકાય. ગાંધીજીએ પછી આ પુસ્તકનો ‘સર્વોદય’ નામથી ગુજરાતી અનુવાદ પણ કર્યો હતો.
અન ટુ ધીસ લાસ્ટ પુસ્તકની ગાંધીજી પર એટલી બધી અસર થઈ કે તેમણે અસીલોની વકીલાત છોડી દીધી અને ખુદ દરિદ્રનારાયણોના બેરિસ્ટર બની ગયા.
જવલ્લે જ જોવા મળે તેવા માનવી – રસ્કિન
સુપ્રસિદ્ધ વિચારક ટોલ્સ્ટોયે રસ્કિન વિષે લખ્યું હતું, ‘જવલ્લે જ જોવા મળે તેવા એ માનવી હતા, જેઓ હ્રદયથી વિચારનારા હોય છે તે પૈકીના એક વિચારક હતા’.
ગાંધીજીએ ચરખો અને રેંટિયો હાથમાં લીધો તે રસ્કીનની વિચારધારાનો પ્રભાવ હતો. રસ્કિન અને ગાંધીજીની નજરમાં જો કોઈ વિનાશક હોય તો તે ઔદ્યોગીકરણ છે. ઔદ્યોગીકરણે જ હસ્તકલા કૌશલ અને શ્રમની પ્રતિષ્ઠાનો નાશ કર્યો છે.
એક સંવેદનશીલ લેખક અને ગાંધીજીને પણ પ્રભાવિત કરનાર મહાન ચિંતક એવા રસ્કિને તારીખ 20 જાન્યુઆરી 1900 ના રોજ આ જગતમાથી ચિરવિદાય લીધી. આવા રસ્કિને ઈંગ્લેન્ડને લેબર પાર્ટી આપી અને આપણને મહાત્મા ગાંધી આપ્યા.
પ્રકરણ – 6 : યુગપુરુષ ગાંધીજી શ્રેણીનો આ લેખ એક મણકો છે અને આઝાદીના અમ્રુત મહોત્સવ ટાણે ગાંધીજીના જીવનમાં ડોકિયું કરવાનો તેમજ વાચકને કરાવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. આ અગાઉનો લેખ જોવા નીચેની લિન્ક ખોલો. યુગપુરુષ ગાંધીજી – મણકો – અન્યોના ગાંધીજી વિશેના અવતરણો
Mukesh Dheniya, Patan.