કચ્છનો કાળો ડુંગર એ વિસ્તારમાં ‘મેગ્નેટિક ફિલ્ડ’ ની અસર અનુભવાય છે. દુનિયામાં અનેક જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડની અસર અનુભવતી હોવાના ઉદાહરણો છે અને આ અજુગતી લાગતી અસરને અનેક જગ્યાએ વ્યવસાયિક ધોરણે પર્યટન સ્થળ અથવા તો પાર્ક વગેરે વિકસાવી પ્રવાસન ઉત્તેજવાનું નિમિત્ત પણ બનાવવામાં આવેલ છે. આપણે ભારતની વાત કરીએ તો લેહ ( જમ્મુ કાશ્મીર ) અને ગુજરાતમાં કાળા ડુંગરના વિસ્તારમાં આવી મેગ્નેટિક ફિલ્ડની અસર અનુભવાય છે.
કાળો ડુંગર
કાળો ડુંગર એટલે કચ્છમાં આવેલું સૌથી ઊંચું સ્થળ. મોટા પર્વતો અને વાનાચ્છાદિત જંગલોના પ્રદેશ કરતા વિપરીત કાળો ડુંગર રણ પ્રદેશમાં આવેલો છે. ભૌગોલિક રીતે જોઈએ તો કચ્છના મુખ્ય મથક ભુજથી 64 km અને તેની સૌથી નજીકના શહેર ખાવડાથી 25 km દૂર કાળો ડુંગર આવેલો છે તથા કાળા ડુંગરની રણથી ઉંચાઈ 458 મીટર છે. આ સ્થળ એ રણમાં જવાનું પ્રવેશદ્વાર છે. ઉંચાઈએ આવેલું હોવાથી અહીંથી રણનો વ્યાપક નજારો જોઈ શકાય છે.
મેગ્નેટિક ફિલ્ડ
મેગ્નેટિક ફિલ્ડ એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ખેંચાણ અનુભવવાની ક્રિયા છે. સામાન્ય રીતે ઢાળની દિશામાં જતા વાહનો કે પદાર્થો વધુ વેગ મેળવે પરંતુ, અહી તેનાથી ઉલટી ક્રિયા થાય છે. એટલે કે ઢાળ ચડતા સ્પીડ વધવી અથવા ઉભેલું સાધન ઢાળની વિરુદ્ધ ઉપરની તરફ ખેચાય છે. તો ઢાળની દિશામાં જતા વાહનોની સ્પીડ અનાયાસ ખુબ ( લગભગ 80-85 km ) વધી જાય છે. આમેય કચ્છ ભૂકંપ સંવેદી વિસ્તાર છે તેથી આવી બાબતો વધુ ધ્યાન ખેચે. તેમ છતાં આવી અસર અનુભવાતી આ દુનિયાની એક માત્ર જગ્યા નથી તેથી એવી વિશેષ ચિંતાની બાબત નથી. તથા ગુજરાત સરકાર અને ભારત સરકારના આ અંગેના તજજ્ઞોએ તેને લગતા સર્વેક્ષણો અને સંશોધનો પણ કરેલા છે. આપણે ગુજરાતીઓ પ્રવાસના શોખીન હોઈએ છીએ તો આપણા જ રાજ્યમાં દુનિયાની અજાયબી જેવી આ અસર અનુભવવા જવું જોઈએ અને ખાસ તો બાળકોને બતાવવું જોઈએ. શાળામાંથી પ્રવાસ પણ ગોઠવી શકાય. કાળો ડુંગર સંરક્ષણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. અહિયાં 1965 ના યુદ્ધ વખતની પણ કેટલીક બાબતો પણ જોઈ-બતાવી શકાય તેમ છે અને પાકિસ્તાન સરહદ નજીક હોવાથી અન્ય દેશની સરહદ જોવાની અથવા કહો કે દેશનો છેડો જોવાની ઉત્સુકતા પણ સંતોષી શકાય.
આ મેગ્નેટિક ફિલ્ડની અસરને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ સમજાવતા એવું કહેવાય છે કે જે-તે જગ્યાએ જમીનમાં રહેલી વિશિષ્ટ ખનીજો અથવા જમીનનું બંધારણ વિશિષ્ટ પ્રકારનું હોય તો આવી અસર જોવા મળે છે. વેગવાળા પવન આ અસરમાં વધારો કરે છે, તેમ છતાં કેટલાક અભ્યાસુઓ આ સિવાયના કારણોને મહત્વના ગણે છે. સામાન્ય રીતે આ બાબતો નથી સમજાતી તેથી જ તો એ વિશિષ્ટ હોય છે. બર્મુડા ટ્રાય એન્ગલમાં અનેક વિમાનો અને વિશાળકાય જહાજો ખોવાઈ ગયા છતાં એનું સાચું રહસ્ય હજુ શોધી શકાયું નથી તેવી જ રીતે મેગ્નેટિક ફિલ્ડની અસર વિષે પણ વધારે સ્પષ્ટતાથી કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારે સમજ આપી શકાતી ન હોય તો પણ એ અનુભવવા જેવું ચોક્કસ છે. આપણે ત્યાં લસુન્દ્રા કે તુલાસીશ્યામના ગરમ પાણીના ઝરાની મુલાકાત લેવાની હોય અથવા લોથલ કે ધોળાવીરા જેવી પુરાતત્વીય જગ્યાઓ જોવાની ઇચ્છાવાળો વર્ગ ઓછો છે. આમ છતાં આવી વિશિષ્ટતાઓ જોવી અને બાળકોને બતાવવી જોઈએ તે સ્વીકારવું રહ્યું. અહીં, એ જણાવવું જરૂરી છે કે આ કવાયત અંગ્રેજીમાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ અને ગુજરાતીઓને રસ પડે તેવી માહિતી ગુજરાતી ભાષામાં રજૂ કરવાનો મારો આ નમ્ર પ્રયાસ છે અને આ માહિતી ઇંટરનેટ ઉપર અન્ય જગ્યાએ અથવા અન્ય ભાષામાં નથી તેવું કહેવાનો જરાય આશય નથી.
:: વધુ માહિતી માટે વિડીયો જુઓ ::
https://www.youtube.com/watch?v=tNC95zjqBRo https://www.youtube.com/watch?v=fL2jDyLdhpI
જમ્મુ-કશ્મીરમાં પણ કોઈક જગ્યાએ આવી મૅગ્નેટિક ફિલ્ડની ઘટના બને છે. તો તેની પણ માહીતિ આપવા વિનંતિ……
ખૂબ ખૂબ આભાર…..
ખરેખર Zigya તરફથી આ એક ખૂબ જ આવકારદાયક પગલું છે. ગુજરાતની આવી વિશિષ્ટ જગ્યાની માહિતી વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી, જે ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ છે. ગુજરાતમાં આવી બીજી એક જગ્યા પણ છે. તુલસીશ્યામ, અમરેલી જિલ્લામાં આવેલું એક કુદરતી સૌદર્યથી ભરપુર સ્થળ છે. આ જગ્યાએ પણ આવો જ અનુભવ કરી શકાય છે. નજીકમાં રસ્તા પર દ્રષ્ટિભ્રમના કારણે વાહન ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ જતું હોય એવું લાગે તેવી જગ્યા આવેલી છે. આ ભ્રમને અંગ્રેજીમાં "ગ્રેવિટી હિલ" કહે છે.
વધુ માહિતી માટે આ વિડિયો જરૂરથી જુઓ : https://www.youtube.com/watch?v=iOC_da4-t70
ફરી એક વાર આભાર…………