કિલ્લાઓ અને મહેલોની ભૂમિ તરીકે ઓળખાતા, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં કુંભલગઢ આવેલ છે. આ કિલ્લો ચિત્તોડગઢ પછી રાજસ્થાનનો બીજા નબરનો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. આ સ્થળ ઉદયપૂરની ઉત્તર- પશ્ચિમે આશરે 80 કિ.મી. અંતરે આવેલ છે. સમુદ્ર સપાટીથી આશરે 1100 મીટરની ઉંચાઈએ આ કિલ્લો આવેલો છે. મેવાડના રાજા રાણા કુંભા એ આ ગઢનુ બાંધકામ ઇ.સ.1443 માં શરૂ કરી અને ઇ.સ.1458 માં પૂર્ણ કર્યું હતું. આ કિલ્લાની બાંધણી મેવાડી શૈલીની છે. અરવલ્લી પર્વતમાળાની ટોચે વ્યુહાત્મક જગ્યાએ આવેલો કુંભલગઢ નો કિલ્લો માઇલો દૂરથી દેખાય છે. આ કિલ્લાની આસપાસ (ચોપાસ ) બાંધવામાં આવેલી દિવાલની લંબાઇ 36 કિ.મી. જેટલી થાય છે. જે દુનિયાની બીજી સૌથી લાંબી દિવાલ છે. આ દિવાલની પહોળાઇ આશરે 15 ફૂટ થાય છે. કુંભલગઢની અંદર જ એક બીજો કિલ્લો છે, જે કટારગઢ ના નામથી ઓળખાય છે. જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો એમ ઘણા ઇતિહાસકારોનુ મંતવ્ય છે. જેથી આ કિલ્લો મહારાણા પ્રતાપના જન્મસ્થળ તરીકે પણ ઓળખાય છે. આ કિલ્લાની અંદર બાદલ મહેલ, કુંભમહેલ ,આશરે 360 જેટલા મંદિરો (જેમાં 300 જેટલા તો જૈનમંદિરો છે.),બાગબગીચા અને પાણીપૂરવઠા ની વ્યવસ્થા છે. આ કિલ્લામાં કુલ 7 પ્રવેશદ્વાર છે. કિલ્લાની ટોચ પરથી અરવલ્લી ગિરિમાળા જોવાનો નજારો કાંઈક અલગ જ છે. આ કિલ્લા પરથી થારનું રણ પણ જોઈ શકાય છે. એવું કહેવાય છે કે રાણા કુંભાએ 32 કિલ્લા બંધાવ્યા હતાં, જેમાં કુભલગઢનો કિલ્લો સૌથી મોટો અને ભવ્ય છે.
આ કિલ્લો એ રાજપૂત સામ્રાજ્યના સ્થાપત્યનું એક અદભૂત ઉદાહરણ છે. 700 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં પણ આ કિલ્લો અને દીવાલ અડીખમ ઊભી છે. સમય જતા વિવિધ રાજાઓ દ્વારા આ કિલ્લામાં નવા બાંધકામ પણ થતા ગયા. આ કિલ્લામાં રાણા ફતેહ સિંહ દ્વારા બાંધવામાં આવેલ બાદલ મહેલ પણ આકર્ષણનું કેન્દ્ર છે. બાદલ મહેલ એ કિલ્લાની ટોચ પર આવેલ છે. આ કિલ્લાની દિવાલ ચીનની દિવાલ પછી વિશ્વની બીજા નંબરની સૌથી મોટી દીવાલ છે. જેને “Great Wall Of India” કહેવામાં આવે છે.
આ કિલ્લો એ વખતે અભેદ્ય માનવામાં આવતો હતો. પરંતુ એક વખત મુઘલ સામ્રાજ્યના અકબર, આમેરના રાજા માનસિંઘ, મારવાડના રાજા ઉદયસિંઘ અને ગુજરાતના મિર્જાઓએ સંયુક્ત આક્રમણ કરીને કિલ્લાને ઘેરી લીધો હતો. પીવાના પાણીની તંગીને કારણે આક્રમણ કર્તાઓ સામે કિલ્લો વામણો પુરવાર થયો હતો.
એક દંતકથા અનુસાર કુંભલગઢના મહારાણા રાણા કુંભાના શરૂઆતમાં કિલ્લાના બાંધકામના તમામ પ્રયાસો નિષ્ફળ જતા હતા. કોઈ એક આધ્યાત્મિક ગુરુએ સલાહ આપી કે કોઈ સ્વૈછિક બલિદાન આપે તો જે પણ અડચણો આવે છે તે દૂર થશે. એ આધ્યાત્મિક ગુરુએ એ પણ સલાહ આપી કે બલિદાન આપનાર વ્યક્તિનું માથું જ્યાં પડે ત્યાં તેનું મંદિર બનાવવું. અને જ્યાં એનું ધડ પડે એ બાજુ કિલ્લો અને દિવાલ બનાવવી. શરૂઆતમાં કોઈ વ્યક્તિ સ્વૈછિક બલિદાન માટે તૈયાર ના થયો. પણ એક દિવસે કોઈ સૈનિક કે કોઈ આધ્યાત્મિક અનુયાયી અથવા કોઈ યાત્રાળું સ્વૈછિક બલિદાન માટે તૈયાર થયો. આજે, કિલ્લાના મુખ્ય દ્વાર જેને હનુમાન પોળ કહે છે ત્યાં એ બલિદાનની યાદગીરી રૂપે મંદિર આવેલું છે. એક રાજસ્થાની લોકપ્રિય ગીત અનુસાર, જ્યારે કિલ્લાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતુ ત્યારે રાત્રે કામ કરવા માટે મોટા દિવા પ્રજ્વલિત કરવામાં આવતા. જેમાં દરરોજ 50 kg જેટલું ઘી અને 100 kg જેટલું રૂ વપરાતું હતુ.
રાજસ્થાન પ્રવાસન વિભાગ અહીં દર વર્ષે ત્રણ દિવસનો કાર્યક્રમ યોજે છે. જેમાં લાઈટ્સ અને સાઉંડ દ્વારા આખા કિલ્લાને શોભાવવામાં આવે છે. જેનો પ્રવાસીઓ લાભ લઈ શકે છે. કુંભલગઢ પહોંચવા માટે 85 km દૂર ઉદયપુર એરપોર્ટ આવેલું છે. નજીકનું રેલવે-સ્ટેશન ફાલના અહીથી 80 km દૂર છે. અમદાવાદથી કુંભલગઢ 329 km દૂરી પર આવેલું છે.
વધારે જાણવા માટે : https://youtu.be/_w9BWbhJ4HA