Press "Enter" to skip to content

નર્મદ : શૌર્યરસના કવિ

Pankaj Patel 0

જય જય ગરવી ગુજરાત , જય જય ગરવી ગુજરાત !

દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત !

 

આ પંક્તિઓ વાંચતા કે સાંભળતા તરત જ દરેક ગુજરાતીને તેનું પોતાપણું યાદ આવી જાય. આ કાવ્યના સર્જક એવા નર્મદ વિષે આજે આપણે વાત કરીશું. ગુજરાતી સાહિત્યનો પ્રથમ શબ્દકોષ લખનાર નર્મદનું મૂળ નામ નર્મદશંકર લાભશંકર દવે હતું. નર્મદનો જન્મ તારીખ 24 ઑગષ્ટ 1833 ના રોજ સુરત શહેરમાં થયો હતો. લોકો ભલે કહે કે ગુજરાતી સાહિત્યના શૌર્યરસના કવિ એટલે નર્મદ. પરંતુ, નર્મદ એ ગુજરાતી સાહિત્ય અને ગુજરાત માટે એક અર્વાચીન યુગના પ્રણેતા છે. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા, વ્યાકરણ, નાટકો વગેરે આપીને નર્મદે ગુજરાત અને ગુજરાતી સાહિત્યની જે સેવા કરી છે, જે સમર્પણ રહ્યું છે તે વર્ણવવું ખૂબ જ મૂશ્કેલ છે. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોષકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. નર્મદ ની ‘જય જય ગરવી ગુજરાત’ રચના એ ગુજરાત માટે એક અમૂલ્ય રચના છે. નર્મદે જાણે કે ગુજરાતને એનું રાજ્યગાન આપી દીધું હોય ! ગુજરાતનો અમૂલ્ય વારસો અને એની ભવ્યતાને આ રચનામાં સમાવીને નર્મદે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

‘ડાંડિયો’ અખબાર વડે સમાજસુધારાની આહલેક જગાવનાર નર્મદાશંકર લાલશંકર દવે ને આપણે બધા શૌર્યરસના કવિ તરીકે ઓળખીએ છીએ પરંતુ, નર્મદે પ્રકૃતિ, પ્રીતિ, શૌર્ય, સમાજસુધારા, સ્વદેશાભિમાન, જ્ઞાનભક્તિ, કથા-આખ્યાન, વગેરે જેવા અનેક વિષયો પર ઉત્તમ કાવ્યો ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા, ‘નર્મદકોશ’ જે ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ છે, ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા ‘મારી હકીકત’, નર્મદ વ્યાકરણ, નાટકો વગેરે અભૂતપૂર્વ ગદ્ય જેવું સાહિત્ય એકલા હાથે આપણી ગુજરાતી ભાષાને આપ્યું છે.

નર્મદનું શિક્ષણ મુંબઈની ભુલેશ્વર નાના મહેતાની શાળાથી શરૂ થયું. ત્યારબાદ નર્મદ નું શિક્ષણ સુરત અને મુંબઈમા થયું. નર્મદે કૉલેજના અભ્યાસ માટે મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ કૉલેજનો અભ્યાસ અધૂરો મૂકી તેઓએ રાંદેરની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી. પરંતુ ત્યારબાદ એમના એક અંગત મિત્ર ઝવેરીલાલના સૂચનથી તેમણે પાછી કૉલેજ શરૂ કરી જ્યાં તેમણે કવિતા પ્રત્યે આકર્ષણ જાગ્યું અને પ્રકૃતિ વિશે કવિતા લેખન માટેની પ્રેરણા મળી.

નર્મદે તેમની 23 મી વર્ષગાંઠે કાવ્યલેખન શરૂ કર્યું. કાવ્યલેખનની સાથે સાથે તેમણે કાવ્યવાંચન અને પિંગળજ્ઞાનની પણ શરૂઆત કરી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી. પરંતુ થોડાક જ વર્ષોમાં  શિક્ષક તરીકે નોકરી બંધ કરી હંમેશને માટે કલમને પોતાનું જીવન સમર્પિત કર્યું. ઈ.સ. 1864 માં સમાજ સુધારક ઝનૂન દાખવતા એક પખવાડિક ‘દાંડિયો’ ની શરૂઆત કરી. થોડાક જ વર્ષોમાં  સુધારક તરીકેના વિચારને પડતો મૂકી આપણા ધર્મ અને સંસ્કૃતિને લોકો સમક્ષ ઉજાગર કરવા અને એના પુનરુત્થાન કરવા પગ માંડ્યા. પરંતુ નાણાની અગવડતાને કારણે એમની ઇચ્છા ન હોવા છતાય ફરીથી એક ધર્મશાળામાં મંત્રીપદે નોકરીની શરૂઆત કરી. નોકરી પછી પણ  સાહિત્ય ક્ષેત્રે એમની સેવા ચાલુ રહી.

 

નર્મદ

ગુજરાતી સાહિત્યના અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદ થી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને લોકો સમક્ષ ઉજાગર કરવાનો તેમજ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીન યુગમાં આદ્ય’ અને ‘નવયુગના પ્રહરી’ ગણાયા છે. એમનાં ગદ્યલખાણોમાંના નિબંધોમાં રસપ્રવેશ, પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ, નર્મદવ્યાકરણ, નાયિકા વિષયપ્રવેશ જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું સાહિત્યિક અને ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું અને પ્રાથમિક જ્ઞાન સરળ પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે.

ઋતુવર્ણન, હિંદુઓની પડતી, કવિચરિત, સુરતની મુખ્તેસર હકીકત, ઈલિયડનો સાર, મહિપતરામ રૂપરામ મહેતા, મહાપુરુષોનાં ચરિત્ર, મહાભારતનો સાર, રામાયણનો સાર, સાર શાકુંતલ, ભગવદગીતાનું ભાષાંતર નર્મગદ્ય અને નર્મગદ્ય-૨ એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ,  ટેક અને નેમથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે સુંદર નિરૂપણ કર્યું છે.

આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી-સંદર્ભોથી-વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે. નર્મદે રચેલું સાહિત્ય એ નર્મદ ની ગુજરાતી સાહિત્ય પ્રત્યેની, ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું પરિણામ છે.

એમની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રિવિધ દ્રષ્ટિએ મહત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપના કરવાનો ઉત્સાહ છે, પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો આદ્યવેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષય-આવિષ્કારો, સંસારસુધારાના સીધા ઉદગારો અને દેશાભિમાનનાં ગીતોથી નર્મદની કવિતાઓ વિશિષ્ટ બની છે. નર્મદના કાવ્યસંગ્રહો ઈશ્વરસંબંધી, નીતિસંબંધી, દેશાભિમાનસંબંધી, સ્ત્રીશિક્ષણસંબંધી, ઘરસંસારસંબંધી, પ્રીતિસંબંધી, ગ્રામ તથા પ્રકૃતિ અને એના સૌંદર્યસંબંધી વગેરે કુલ દશ ખંડોમાં વર્ગીકૃત છે. નર્મદે પહેલીવાર મધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે. સર્વ રચનાઓ પૈકી ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી છે.

નર્મદે તારીખ 26 ફેબ્રુઆરી 1886ના રોજ 52 વર્ષની ઉંમરે આઠ મહિનાની સંધિવાની માંદગી પછી મુંબઇ ખાતે આ લોકની યાત્રા પૂર્ણ કરી અનંતની યાત્રા શરુ કરી.

 

 

 

 

 

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *