મિત્રો, આજે મારે એક એવી ગુજરાતી વ્યક્તિ વિશે વાત કરવી છે, જેણે માત્ર સાહિત્યકાર તરીકે નહી પણ રાજકારણી, શિક્ષણવિદ, સુધારક અને સ્વતંત્રતા-સેનાની એમ અનેક ક્ષેત્રે ગુજરાતની નામના વધારી છે તથા દેશની સેવા કરી છે. હું ડૉ.ક.મા.મુનશી – K.M.Munshi વિષે જણાવવા માગું છું. કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક.મા.મુનશી)નું ઉપનામ ઘનશ્યામ વ્યાસ હતું. તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887ના રોજ ભરૂચમાં થયો હતો. તેમના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપીબા હતું. 1901માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઓગણીસ વર્ષની ઉંમરે ‘એલિસ પ્રાઈઝ’ સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને 1910માં એલ.એલ.બી.ની પરિક્ષામાં ઉત્તિર્ણ થયા. ત્યારબાદ તેમણે મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો. તેમની સુદિર્ઘ કારકિર્દી દરમ્યાન 1937માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, 1948માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, 1952ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા.
મુનશીજીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરેલ અને તેમનું જીવનફલક ખૂબ વ્યાપક હતું. આપણે તે પૈકી સાહિત્યકાર તરીકે તેમના કાર્યને જોઈએ. મુનશીજીએ અનેક નવલકથાઓ લખી છે અને એમની નોવેલોનો એક વિશેષ વાચક વર્ગ પહેલા પણ હતો અને આજેય છે. જીવનના વિવિધ ક્ષેત્રોને સાંકળતી નવલકથાઓ તેમણે લખી છે, ઉપરાંત સાહિત્યના બીજા ક્ષેત્રોમા પણ તેમણે ખેડાણ કર્યું છે. જેમાંથી ઐતિહાસિક નવલકથાઓ અને ખાસ કરીને ચૌલુક્ય વંશની નવલકથાઓની આખી શ્રેણી તેમણે લખી છે, જેમાં ગુજરાતના સોલંકી કાળના સમયને સાંકળીને કથા-વસ્તુ લીધેલ છે. આપણે જાણીએ છીએ કે સોલંકીકાળ એ ગુજરાતના ઇતિહાસનો સૌથી ગૌરવવંતો ભાગ છે.
કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા ‘પાટણની પ્રભુતા’ જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. ‘જય સોમનાથ’ એ ‘રાજાધિરાજ’ પછી લખાયેલ કૃતિ છે, પણ હંમેશા પહેલી ગણાય છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે.
મુનશીજીની નોવેલોમાં વનરાજ ચાવડો, ભીમદેવ, મુલરાજદેવ, સિદ્ધરાજ જયસિંહ, મીનળદેવી, કાક, મંજરી, મુંજાલ, ઉદો મહેતો, સજ્જન મહેતો જેવા ઐતિહાસિક પાત્રો અને પાટણની સ્થાપના, સોલંકીવંશની ચડતી-પડતી, ઉજ્જૈન અને માળવા સાથેના ગુજરાતના સબંધો, સોમનાથનું મહત્વ તથા તેની પડતી, જૂનાગઢના રા’ અને રાજકારણ, ગીરનારનું મહત્વ જેવા ઐતિહાસિક-ભૌગોલિક કથા-વસ્તુઓ સાથે સાંકળીને સળંગ નવલકથાઓ લખી છે. એમની નવલકથાઓમાં વાચકને જકડી રાખવાની અનોખી શૈલી છે, તથા દરેક ગુજરાતીને રસ પડે તેવા પુસ્તકો છે. કનૈયાલાલ મુનશીની સાહિત્ય રચનાઓમાં ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, પૃથ્વી વલ્લભ, કૃષ્ણાવતાર ભાગ 1 થી 8, જય સોમનાથ, ગુજરાતની કિર્તીગાથા, લોપામુદ્રા, આજ્ઞાંકિત, રાજાધિરાજ, સ્વપ્નદ્રષ્ટા, સ્વપ્નસિદ્ધિની શોધમાં વગેરે મુખ્ય છે.
આ નોવેલો વાંચતા જાણે સત્ય ઘટનાઓ સાથે જોડાઈ જતા હોય એવું લાગશે, અને ખાસ તો ગુજરાતી હોવાનું ગૌરવ થશે. આપણા ઇતિહાસના અભ્યાસમાં મોગલો કે અંગ્રેજો અથવા મૌર્યો કે ગુપ્તો અથવા દક્ષીણના રાજ્યો અને રાજ-વંશોને ભણાવવામાં જે મહત્વ મળ્યું છે, અને ગુજરાતના પ્રાચીન ઇતિહાસની ઉપેક્ષા થતી લાગે તો એ કમી અહીંં પુરાઈ જશે. દિલ્હી, પાટલીપુત્ર, ઉજ્જૈન, વિજયનગર, લાહોર, નાલંદા, તક્ષશિલા, મૈસુર, કાબુલ જેવા ઐતિહાસિક સ્થળોમાં પાટણ, જુનાગઢ, ખંભાત, કર્ણાવતી(અમદાવાદ), ભરૂચ વગેરે પણ ઓછા મહત્વના નહોતા એની પ્રતીતિ થશે. ગુજરાતની હાલની સીમાઓની ક્યાય બહાર વિશાળ ભૌગોલિક પ્રદેશ અને લોક-જીવન ઉપર ગુજરાતની છાપ છે તેના કારણો જાણવા મળશે.
આ બધાથી વિશેષ મુનશીજીના જ કોઈક પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે એમ, આખી સીરીઝ વાંચશો તો મહાન થવાના સપના આવશે. આજના યુવાનો અને વિદ્યાર્થીઓ આવા પુસ્તકો વાંચે એ જરૂરી છે. આવનાર જીવનમાં અનેક પડકારો રહેવાના છે ત્યારે કેટલુંક અન્યના અનુભવનું ભાથું તથા ગુજરાત વિશેની વિસ્તૃત સમજ તમને તમારા જીવન નિર્માણમાં મદદરૂપ થશે.
8 ફેબ્રુઆરી 1971ના દીવસે 83 વર્ષની જૈફ વયે મુંબઈમાં મુનશીજીનું અવસાન થયું.
thanks
Very nice sir it's good