આજે દુનિયાના દેશોમાં મહદ્અંશે લોકશાહી શાસનપ્રણાલી અસ્તિત્વમાં છે. મોટા દેશ તરીકે ચીનને બાદ કરીએ તો સામ્યવાદી શાસનપ્રણાલી લગભગ ખતમ થઈ ગઈ છે. જોકે સામ્યવાદમાં પણ લોકશાહી અમૂક અંશે હોય જ છે. એટલે કે પૂર્ણ કે અપૂર્ણ રૂપે લોકોના ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા શાસન ચાલે છે. કેટલાંક નાના દેશો અથવા ઉત્તર કોરિયા, ક્યુબા ઉપરાંત કેટલાંક મુસ્લિમ દેશોમાં સરમુખત્યારશાહી શાસન છે પણ વૈશ્વિક સ્તરે તેમની સંખ્યા ખૂબ ઓછી છે. લોકશાહી શાસન લોકોની જાગૃતિ, સંગઠન અને પરિપક્વતા ઉપર આધારિત છે. હાલમાં તુર્કસ્તાનમાં સેનાની એક ટુકડીએ લશ્કરી તાકાતથી સત્તા ઉઠલાવવાનો પ્રયત્ન કર્યો. અંકારા અને ઇસ્તમ્બુલ શહેર ઉપર લશ્કરી હેલિકોપ્ટરથી બૉમ્બમારો કર્યો. અંદાજે 1500 થી વધુ લોકો ઘાયલ થયાં. રાતોરાતના આ બળવામાં 250થી વધુ લોકોના મોત થયા. આપણા માટે આ સમગ્ર સમાચારમાં વિચારવા લાયક બાબત એ છે કે સેનાની ટુકડીઓ જ્યારે ટૅન્કો લઈ શહેરના રસ્તા ઉપર ઉતરી આવી ત્યારે લાખોની સંખ્યામાં જનસમુદાય તેમની સામે વિરોધ કરવા ઉતરી આવ્યો. લોકો રસ્તા ઉપર સૂઈ ગયા અને સૈનિકોએ ટૅન્કો ફેરવતા જાનહાનિ થઈ. જ્યારે લોકો મૃત્યુનો ભય રાખ્યા વગર લશ્કર સામે હથિયારો વગર લડવાની હિંમત બતાવે ત્યારે લશ્કરની સત્તા પૂરી થઈ જાય છે. અહીં પણ એવું જ બન્યું. શહેરોમાં સત્તા પલટો કરવા નીકળેલા બળવાખોર સૈનિકોએ પ્રજા સામે આત્મસમર્પણ કર્યું અને અંદાજે 3000 જેટલા બળવાખોર સૈનિકોને ગિરફ્તાર કરવામાં આવ્યાં. બળવો નિષ્ફળ ગયો તથા લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર ચાલું રહી.
આ સમગ્ર બળવો લશ્કરની બીજી ટુકડી, નેતાઓ કે સરકારે નહીં પણ પ્રજાએ નિષ્ફળ બનાવ્યો. એ પ્રજા સાચા અર્થમાં લોકશાહીને લાયક છે અને લોકશાહી શાસન વ્યવસ્થા આવી પ્રજા માટે લાયક છે. આપણે ત્યાં સરકારો બદલાય છે પણ વહીવટ બદલાતો નથી. સરકારનો પ્રજા સાચી સત્તાની અધિકારી છે તેવો અભિગમ આપણા ત્યાં જોવા નથી મળતો તેની પાછળ પ્રજાની અકાર્યશીલતા જવાબદાર છે. જે કોઈપણ સત્તા ઉપર આવે છે ત્યારે મત માંગવા મોટી મોટી વાતો કરે, લોભામણા વચનો આપે, દેશમાં ક્રાંતિકારી ફેરફારો કરવાની વાતો કરે તે બધું માત્ર ચૂંટણી જીતવા પૂરતું હોય છે. આપણા સત્તાધિશો એ જાણી ગયા છે કે ચૂંટણી પછી આ પ્રજા બધી વાતો ભૂલી જાય છે, તેથી લાલીયાવાડી ચાલું રહે છે. ભ્રષ્ટાચાર, ગરીબી, બેકારી, ભૂખમરો એ આપણી પાયાની સમસ્યાઓ છે. દરેક રાજકીય પક્ષ આ વાત કહે છે પરંતુ સાચા અર્થમાં તેનો નિકાલ આવે તેવી કોઈ યોજના કે વ્યવસ્થા અમલમાં આવતી નથી. દિલ્હીમાં નિર્ભયા કાંડ વખતે જે પ્રચંડ લોકજૂવાળ ઊભો થયો તેનો તત્કાલિન આંદોલનકારીઓએ પોતે સત્તા મેળવવા ઉપયોગ કર્યો. આજે પણ દિલ્હીમાં અને સમગ્ર દેશમાં નિર્ભયા કાંડથી પણ ખરાબ અને માથું શરમથી ઝૂકી જાય તેવા બનાવો બની રહ્યા છે તેમ છતાં જે સરકારો વૈકલ્પિક વ્યવસ્થાના નારા સાથે ચૂંટાયી તેમણે તેને રોક્યા નથી અને બળાત્કારીઓ હજૂ પણ જીવે છે છતાં નેતાઓને તેની કાંઈ પડી નથી.
જમ્મુ-કાશ્મીરની ચૂંટણી વખતે અનેક વચનો અપાયેલા જેમાં શાંતિ અને સલામતી સૌથી મુખ્ય હતું. આજે કાશ્મીરની સ્થિતિ અગાઉ કરતાં પણ વધુ ખરાબ છે. હવે લોકોમાટે એન્કાઉન્ટર અને સૈનિકોની શહાદત માત્ર એક સમાચાર બની ગયા છે. 125 કરોડના દેશમાં અનેક લોકો વિચારશીલ પણ છે અને દેશની બદતર હાલત વિશે વારંવાર કહેતા કે લખતા પણ રહે છે. આપણો સમગ્ર સમાજ જે સામાજિક જાગૃતિ અને દેશભાવના લોકશાહી માટે જરૂરી છે તેના અભાવથી પીડાય છે. ‘વંદે માતરમ્’ કે ‘જય હિંદ’ બોલી દેવાથી દેશપ્રેમ ઉભરાઈ જતો નથી. પ્રજાના મૂળભૂત હકોનું સરેઆમ નિલામ થતું હોય અને પ્રજાનું લોહી ઉકળે નહિ તો તે પ્રજા લોકશાહીના સારા ફળ ભોગવી ન શકે. આપણે ભ્રષ્ટાચાર વિષે ચોરે ને ચૌટે ભાષણબાજી કરીએ છીએ પરંતુ નીચલા સ્તરે તલાટીથી શરૂ કરી પોલીસ કે અન્ય સરકારી અધિકારી અથવા સર્વોચ્ચ સ્તરે થતા ભ્રષ્ટાચારમાં આપનાર તરીકે તો પ્રજા જ હોય છે ને ? સામાન્ય માણસ પણ પોતાની આસપાસ ભ્રષ્ટાચાર થતો જુએ અને જાણે છે. છતાં તેની ફરિયાદો ક્યાં થાય છે ?
વર્તમાન સમયમાં ખેડુતોની આત્મહત્યા, ગ્રામીણ અર્થવ્યવસ્થાની અવગણના, ગામડાના ભોગે શહેરોનો વિકાસ એ ભારતની ખૂબ મોટી સમસ્યાઓ છે. આજે પણ અર્ધાથી વધારે ભારતીયો ગામડામાં વસે છે. જો પ્રજા તરીકે આપણે જાગૃત હોઈએ તો ખેડૂતને પૂરતા ભાવ ન મળતાં ખેતી નુકસાનકારક બને ત્યારે તેણે લીધેલી લોન પરત ન ચૂકવાતાં જમીન વેચવાની કે આત્મહત્યા કરવાની ફરજ પડે અને વિજય માલ્યા હજારો કરોડ ગપચાવી મારે તો પણ સરકારમાં બેઠેલા મોટા માથા તેને દેશ છોડી જવા મદદ કરે એ શક્ય ન બને. આજની આપણી આર્થિક નિતિઓ શહેરો કેંદ્રિત છે. રોકાણ શહેરોમાં થાય છે. કેટલાંક વિદેશી રોકાણો માટે જાણે દેશની સંપ્રભુતા ગીરવે મૂકાતી હોય તેવા કરારો થાય પણ તેનો લાભ દેશની સામાન્ય જનતાને થવાને બદલે મૂઠ્ઠિભર લોકોને થવાનો હોય તો તો એ અતિશય ગંભીર બની જાય છે અને હાલમાં એવું જ થઈ રહ્યું છે. નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો મૃતઃપ્રાય થઈ ગયા છે. રોજગારી આપવાની આપણા અર્થતંત્રની ક્ષમતા શિથિલ થઈ ગઈ છે. એ બધાના કેન્દ્રમાં મુઠ્ઠિભર લોકોના લાભાર્થે બનાવાતી નિતિઓ છે.
જે દેશમાં 70 % પ્રજા ગામડામાં રહેતી હોય અને વહીવટ શહેરો કેંદ્રિત હોય, દેશની 90 % આર્થિક ક્ષમતા 10 % કરતાં પણ ઓછા લોકો પાસે કેંદ્રિત હોય, પૂર, દુષ્કાળ કે અન્ય કુદરતી આપત્તિઓ હોય કે વાહન અકસ્માત અથવા રમખાણો જેવા માનવસર્જિત કારણો હોય ભોગ બનનાર સામાન્ય જનતા પ્રત્યે સરકાર કે સમાજ જ્યારે 1-2 લાખ જેવી નજીવી રકમ આપી મોટો ઉપકાર કર્યાનો આત્મસંતોષ મેળવે ત્યારે સર્વાંગી વિકાસ માત્ર વાતોમાં જ રહે. નેતાઓને રાજકીય લાભ ખાંટવાનો હોય ત્યારે લાખો રૂપિયાની સહાય અપાતી હોય છે. તો પછી સામાન્ય પ્રજાના મોત કે નુકસાન સામે કેમ કોઈ નજર નથી કરતું ? ઉદ્યોગોને વેરામાફી અથવા પ્રોસ્તાહન જેવા રૂપાળા નામે લાખો-કરોડોની લહાણી કરવામાં આવે છે ત્યારે આખી સંસદમાં સત્તા કે વિપક્ષ એકપણ ચૂંટાયેલો પ્રતિનિધિ વિરોધ કેમ નથી કરતો ? ધારાસભ્યો કે સાંસદોનો પગાર-વધારો જરૂરી છે તો પછી ખેડૂતના માટે ઉપજના બાંધેલા ભાવોમાં વધારો કેમ જરૂરી નથી ? સરકારી કર્મચારીઓને મોંઘવારી નડે છે એટલે સાતમું પગાર-પંચ જરૂરી છે તો પછી ન્યુનતમ વેતનમાં વધારો જરૂરી નહિ હોય ? આપણા દેશમાં 20 રૂપિયાની લિટર પાણીની બોટલ પીવાવાળા છે પરંતુ દુષ્કાળપિડિત વિસ્તારોમાં 20 રૂપિયામાં દૈનિક મજૂરી કરતો માણસ કેવી રીતે જીવે અથવા કુટુંબને જીવાડે – એ અંગે સરકાર કાંઈ વિચારે છે ?
ગુજરાતનું પાટીદાર આંદોલન હોય કે હરીયાણાનું જાટ આંદોલન હોય, આજે લોકો જાતિ વિષે વિચારે છે. જ્યાં સંયુક્ત કુટુંબ અને લગ્ન જેવી સામાજિક સંસ્થાઓ મરવા પડી છે ત્યાં જાતિનો વિકાસ કરી કયાં પ્રશ્નોના ઉકેલ મળવાના છે ? સરકારો જાતિ અને ધર્મ અથવા વર્ગ-વર્ગ વચ્ચેનો ભેદ દૂર કરવાની વાતો કરે છે અને તે જ લોકો જાતિ, ધર્મ વગેરેના આધારે ટિકિટોની વહેંચણી કરે છે. ચૂંટણી દરમિયાન અને એ પછી પણ ધર્મ કે જાતિ તો ઠીક મધ્યકાલીન ખાપ પંચાયતોને પણ પ્રોત્સાહન આપે છે. આ તમામ બાબતો આપણી નજર સમક્ષ બને છે અને આપણે તેના સાક્ષી છીએ છતાં તેની સામે અવાજ ઉઠાવવાનો કે પોતાના હકો માંગવાનો આપણે કોઈ પ્રયત્ન કરતાં નથી કે આંદોલન ચલાવતા નથી. જો એક સમાજ તરીકે આપણે જાગૃત અને વાચાળ ન બનીએ તો આપણે લોકશાહીને લાયક જ નથી. જે પ્રસંગ તુર્કિમાં બન્યો તે કદાચ અહી બને તો આપણી લોકશાહી સરમુખત્યારશાહી કે સૈન્ય શાસન બની જતા વાર નહિ લાગે. કટોકટી વખતે પ્રજાએ જે વિરોધ કર્યો અને પોતાના હકોનું રક્ષણ કરવા જાગૃતિ બતાવી તો બીજી વખત કટોકટી લાદવાની કોઈ સરકારે હિંમત નથી કરી તે જ રીતે દેશના પ્રશ્નો હોય કે પ્રજાના હકો હોય જો સમગ્ર પ્રજા જાગૃતિ બતાવે તો તેને અવગણવાની કોઈ સરકાર હિંમત ન કરે પણ પ્રજા મૂંગે મોઢે સહન કરશે ત્યાં સુધી કોઈ સરકાર કાંઈપણ નવું કે વધારાનું કરવાની નથી તે ચોક્કસ છે.