આપણા સમાજમાં એવા અનેક દાખલા જોવા મળે છે જેમાં અપંગ વ્યક્તિઓએ અનેક વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય. આમ તો એવું કહેવાય છે કે જેને એક અંગમા ખોડ હોય તેને કુદરત બીજી બધી ઈન્દ્રિયોની અનેક ગણી સક્રિયતા આપે છે. પહેલાના સમયમાં ખોડવાળી વ્યક્તિ તીરસ્કારને પાત્ર થતી પરંતુ હવે સમાજમાં જાગૃતિ આવવાથી તેવું રહ્યું નથી. આજના સમયમાં અપંગ વ્યક્તિઓ માટે જુદી-જુદી રમતો તથા અન્ય પ્રતિયોગિતાઓ નાનાથી લઈ વૈશ્વિક સ્તર સુધી યોજાય છે. જેમાં આવી કોઈક અંગે અપંગ હોવા છતાં અન્ય બાબતોમાં પ્રતિભાશાળી વ્યક્તિઓ સામાન્ય લોકો કરતાં અનેક ગણી વિશિષ્ટ સિદ્ધિઓ મેળવતી જોઈ શકાય છે. આવી પ્રતિયોગિતાઓ માટે તેમને પ્રોત્સાહન અને પ્રશિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો ઈચ્છીત પરિણામો જરૂરથી મેળવી શકાય છે.
આંખની ઉણપ ધરાવતા લોકો હવે તો બ્રેઈન લિપિ દ્વારા વાંચી શકે છે. તે જ પ્રમાણે હાથ કે પગની ઉણપ ધરાવતા લોકો માટે કૃત્રિમ અંગો વરદાનરૂપ સાબિત થયા છે. આ ઉપરાંત બોલવા અને સાંભળવાની તકલિફ ધરાવતા લોકો માટે બહેરા-મૂંગા શાળાઓ તેમના ઉત્થાન માટે પ્રસંશનીય કાર્ય કરી રહી છે. જન્મથી જેમનો માનસિક વિકાસ રૂંધાયેલો હોય તેવા બાળકો માટે પણ હાલના સમયમાં ખાસ પ્રકારની તાલીમ આપતી શાળાઓ બનાવવામાં આવેલ છે. આ બધાના કારણે કોઈ એક અંગની અપંગતા ધરાવતા લોકો તેમનામાં રહેલી વિશિષ્ટતાઓને ખીલવીને સમાજમાં સન્માનપૂર્વકનું જીવન જીવી શકે છે.
ઉપર જણાવ્યા મુજબની અનેક વ્યવસ્થાઓ અને સરકારી તેમજ સામાજિક પ્રોત્સાહનો હોવા છતાં કેટલાક કિસ્સાઓમાં ખામી ધરાવતા લોકો માટે જીવનવ્યાપન મુશ્કેલ હોય છે. સાચા અર્થમાં દરેકે અપંગ માણસો પ્રત્યે સન્માનની લાગણી રાખવી જોઈએ. તેઓ જે અપંગતા ધરાવે છે તેનાથી તેમની મર્યાદા હોય તે સ્વાભાવિક ગણી તેમની વિશિષ્ટતાઓને બિરદાવવી જોઈએ તથા જે બાબતે તેઓ ક્ષમતા ધરાવે છે તેનો બૃહદ સામાજિક હિતમાં બહોળો પ્રચાર પ્રસાર કરી તેમને પ્રોત્સાહન પૂરૂ પાડવું જોઈએ. આવા લોકોને સામાજિક, આર્થિક પ્રોત્સાહનો કરતાં પણ સમાજ, કુટુંબ અને સહકર્મીઓની હૂંફની વધારે જરૂર હોય છે. આપણા સમાજમાં પોલીઓ, અકસ્માતો અથવા જન્મ-જાત ખામીને કારણે ઘણા લોકો અપંગતાનો ભોગ બનેલ હોય છે. આપણે સૌ તેમના માટે અડચણ ન બનતા સહારો બનીએ તો તેઓ પોતાની જાતે જ પોતાનું અને સરવાળે આખા સમાજનું જીવન વધુ ઉન્નત બનાવવાં શક્તિમાન હોય છે.