Press "Enter" to skip to content

યુવા ભારત – સમસ્યા અને શક્યતાઓ

Pankaj Patel 0

yuva

 

126 કરોડથી પણ વધારે વસ્તી સાથે દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો આપણો દેશ દુનિયાનો સૌથી યુવા દેશ છે. આજે આખું વિશ્વ ભારતને એક યુવા દેશ તરીકે જાણે છે. આપણા પ્રધાનમંત્રી આખી દુનિયામાં ભારત એક યુવા દેશ છે એવી વાતો કરે છે અને એ સત્ય પણ છે. ભારત પાસે આજે વિશ્વમાં સૌથી વધુ યુવા શક્તિ છે. યુવાનો જોશથી ભરેલા હોય છે. યુવા વસ્તીનો અર્થ કાર્યશીલ વસ્તી એવો પણ થાય. એટલે કે આજે ભારતમાં નાના બાળકો અને અકાર્યશીલ એવા વૃદ્ધો કરતાં યુવાનોની સંખ્યા પ્રમાણમાં વધારે છે. આંખોમાં આશાઓ અને નવા નવા સપના સાથે ઉડાન ભરતા આજના યુવાનોના મનમાં કાંઈક કરી છૂટવાની ભાવના હોય છે. યુવાઓમાં એમના સપના પૂરા કરવાની તાકાત અને આખી દુનિયાને પોતાની મૂઠ્ઠિમાં કરવાનું સાહસ હોય છે. આ જ સાહસ અને પ્રબળ ઇચ્છશક્તિને કારણે જ એમને યુવાન કહેવાય છે. યુવાન શબ્દ જ મનમાં એક નવી ઊંચાઈ તરફ જવાનો અને ઉમંગ પેદા કરવાવાળો શબ્દ છે. આપણા જીવનમાં યુવાનીનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે. આ જ સમયગાળા દરમિયાન આપણે આપણું તથા સાથે સાથે વ્યાપક અર્થમાં રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરતા હોઈએ છીએ. એટલે જ કહેવાય છે કે આજના નવયુવાનો એ દેશનું ભવિષ્ય છે. દુનિયાના મોટા ભાગના દેશો આજે યુવાનોની સંખ્યા ઓછી હોવાની સમસ્યાથી પીડાય છે જ્યારે આપણે સદનસીબે સૌથી વધુ કાર્યશીલ વસ્તીવાળો દેશ છીએ. જો આંકડાઓને વાત કરીએ તો ભારતમાં 50% થી પણ વધારે વસ્તી યુવા વસ્તી છે.

યુવા શક્તિ વરદાન છે કે પડકાર એ મહત્વપૂર્ણ છે કારણ કે યુવા શક્તિનો જો સાચા માર્ગે ઉપયોગ ન કરવામાં આવે તો એ સમાજ અને રાષ્ટ્રના ભાવિ માટે અંધકાર બની શકે છે. સાથે સાથે જો આજના આ યુવા વર્ગને કોઈ સાચી રાહ ચીંધવામાં આવે તો એ આપણા સમાજ અને રાષ્ટ્ર માટે વિકાસની એક કડી સાબિત થઈ શકે છે. યુવાઓ ક્યારેક મનમાનિ પણ કરે છે અને આજના ટેકનોલોજીના યુગમાં તેમને યોગ્ય માર્ગદર્શન ન મળે તો તે ઝડપથી દિશાહીન બની જાય છે. ક્યારેક કેટલાક અસામાજિક તત્વો કે સ્થાપિત હિત ધરાવતા સંગઠનો આવા યુવાઓને નકારાત્મક દિશામાં લઈ જઈ શકે છે. જીવનમાં લક્ષ્યનો અભાવ આજના નવયુવાનોને ભ્રમિત કરી શકે છે. આજનો યુવાન એ પણ નથી જાણતો કે શું કરવાનું છે, શું થઈ રહ્યું છે અને આખરે એમનું ભવિષ્ય શું છે ? પહેલાના સમયમાં વિદ્યાર્થીઓ સંદેશા વ્યવહારની સગવડોના સાધનોથી દૂર રહીને અભ્યાસ કરતા હતાં. એમના જીવનમાં એક લક્ષ્ય નક્કી કરાતું અને એ પ્રમાણે એમનું જીવન નિર્માણ કરાતું પરંતુ હવે એવું ભાગ્યેજ દેખાય છે. ધૈર્યનો અભાવ, આત્મવિશ્વાસનો અભાવ, નશો, લાલચ, વાસના, ચોરી વગેરે જેવા દુષણો આજના યુવામાં ઝડપથી ઘર કરી રહ્યા છે. મર્યાદા કે આદર જેવા આપણા નૈતિક મૂલ્યો ક્યાંક ખોવાયા હોય એવું લાગે છે. આજની આપણી આધુનિક શિક્ષણ પ્રણાલી પણ આ માટે જવાબદાર છે. સંસ્કાર અને સમયના સદુપયોગની કોઈ સમજ જ ન હોય તેમ બહારથી દેખાતા ભૌતિક સુખો પાછળની ભાગદોડ આજની આ યુવા પેઢીને વિકૃત બનાવી રહી છે.

આજના મોબાઈલ અને ઈંટરનેટના યુગમાં યુવાઓ કોઈને મળવાનું પણ પસંદ નથી કરતાં, જાણે કે બધુ જ કામ સોશિયલ સાઈટ્સ પર થતું હોય. નવી નવી ગૅમ્સ અને ઓનલાઈન મનોરંજનના સાધનોને કારણે સંબંધોનું તો જાણે કોઈ મૂલ્ય જ રહ્યું નથી. શાળા હોય કે કૉલેજ, બસ સ્ટૅન્ડ હોય કે પછી રેલવે-સ્ટેશન કે પછી જાહેર રસ્તા પર જ્યાં જુઓ ત્યાં બસ યુવાનો ઓનલાઈન રહેતા હોય છે. ઇંટરનેટના વધુ પડતા ઉપયોગને કારણે યુવાનો તણાવગ્રસ્ત રહેવા લાગ્યા છે. આ કારણે એમનું ભાવિ અંધકારમય બનીને રહી ગયું છે. અત્યારે વાતાવરણ એવું છે કે સંચાર માધ્યમોનો ઉપયોગ નહી પણ દુરુપયોગ વધારે થઈ રહ્યો છે જે એક ચિંતાની બાબત છે.

 

hqdefault 2012_3_14-2012_3_14_12_58_38

 

પશ્ચિમી દેશોનું અનુકરણ આપણા ભારતીય સંસ્કારો અને મૂલ્યોનું ખંડન કરી રહ્યું છે. નાની ઉંમરમાં જ કિશોરો દારૂ, ડ્રગ્સ અને ડાન્સબાર વગેરેના સંકંજામાં ફસાઈ જાય છે. વધતી જતી નશાકીય પ્રવૃત્તિઓને કારણે ચોરી, બળાત્કાર, લૂંટફાટ જેવા ગંભીર ગુનાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. આજના કહેવાતા આ આધુનિક યુગમાં પરંપરાઓ, મૂલ્યો અને સમગ્ર સામાજિક વ્યવસ્થા બદલાઈ રહ્યા છે. આ બધાને કારણે યુવાઓ સામાજિક, ધાર્મિક કે શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ ઓછો રસ દાખવે છે. આપણે બધા આપણા બાળકોને ડૉક્ટર, એંજિનિયર, કે મોટો માણસ બનાવવા માંગીએ છીએ પરંતુ એ જ બાળકને ચારિત્ર્યવાન કે સંસ્કારવાન કોણ બનાવશે ? એ આપણી જવાબદારી છે. અને આપણી આ બેદરકારી વ્યાપક અને ગંભીર સમસ્યાઓનું મૂળ છે.

હવે વાત એ છે કે શું દેશનો સંપૂર્ણ યુવા વર્ગ આવો જ છે ? લક્ષ્ય વગરનો ? ના, એવું નથી. આપણા દેશમાં એવા ઘણા યુવાઓ છે જેમણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી હોય. એવા અનેક ક્ષેત્રો છે જ્યાં આજના નવયુવાનોએ પોતાનો પરચમ લહેરાવ્યો હોય. આજની વાસ્તવિકતા એ છે કે યુવા શક્તિ ખૂબ જ પ્રબળ છે અને એ જ શક્તિ સમાજ, દેશ કે દુનિયાને આગળ વધારશે. ફક્ત જરૂર છે તો આ યુવા શક્તિને યોગ્ય માર્ગદર્શન અને ધ્યેય સાથે જોડવાની. જેમ કે અગ્રેજ શાસન સમયે થયેલી ક્રાંતિઓમાં આપણા યુવાઓ જ આગળ રહ્યા હતા. ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ કે પછી રાજગુરુ-સુખદેવ. આ એ યુવાનો હતા જેમનું લક્ષ્ય નક્કી હતું, ભારતની આઝાદી. આ લક્ષ્યને કેંદ્રિત રાખીને તેઓ કાર્ય કરતાં અને બીજા નવયુવાનોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરૂ પાડતાં.

આજે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદનું જીવન આજના દરેક નવયુવાન માટે પ્રેરણાદાયી છે. સ્વામીજીને પણ યુવાઓ પ્રત્યે લાગણી અને પ્રેમ હતો. તેઓ ઘણીવાર કહેતા કે યુવાનો જ ભારતને વૈશ્વિક સ્તરે ફરીથી પ્રતિષ્ઠા અપાવશે. સ્વામીજીના મતે યુવાઓએ ખડતલ હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે સ્વસ્થ મનનો આધાર સ્વસ્થ શરીર પર છે. આજના મોબાઈલ, ઈંટરનેટના યુગમાં વ્યાયામ અને રમત-ગમતોને જાણે કે કોઈ સ્થાન જ રહ્યું નથી. આખો દિવસ યુવાઓ મોબાઈલ કે કમ્પ્યુટરમાં વ્યસ્ત રહેવાથી આ સાધનોનું વળગણ યુવાનોને સમાજ અને સંબંધોથી દૂર લઈ જાય છે.

હકીકતમાં દુનિયાના કોઈપણ દેશની પ્રગતિનો આધાર તે દેશની યુવા શક્તિ છે. આપણા દેશમાં બદલાતી પરિસ્થિતિ સાથે યુવાનોને જોડવાની તથા નવી ટેકનોલૉજી અને દેશની જરૂરિયાતો સાથે તેમને જોડવાની તાતી જરૂર છે. આપણી શિક્ષણ પદ્ધતિ બ્રિટિશકાળની ક્લર્ક અને સરકારી નોકરીયાતો પેદા કરતી પદ્ધતિ છે. જે સમય સાથે જિર્ણ થઈ ગઈ છે. આજના યુવાનને એવા શિક્ષણની જરૂર છે જે તેને વ્યવસાય સાથે જોડે. એમ થતાં શિક્ષિત બેરોજગારીની વિકરાળ સમસ્યા હલ થશે. રોજગારના નવા અવસરો ઉભા કરી આપણી આ શક્તિને તેની સાથે જોડવાથી ટકાઉ અને ઝડપી વિકાસનું લક્ષ સરળતાથી હાંસલ કરી શકાય તેમ છે. આજના વિશ્વમાં ભારત એ સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર છે પરંતુ, હજું પણ આપણા દેશની શક્ય તમામ શક્તિ અને સંસાધનો પૂર્ણ રૂપે ઉપયોગમાં લેવાયા નથી. કરોડો યુવાનો બેકાર છે. તેમને ઉત્પાદક પ્રવૃત્તિઓમાં જોડવાથી આપણો વિકાસ વધુ વેગવંત બનશે. વિકાસના લાભો સમગ્ર જનતા સુધી પહોંચાડાય તો ભારત માટે વિશ્વમાં ક્યાંય બજાર શોધવા જવું પડે તેમ નથી. યોગ્ય નિતિ બનાવાય અને તેને વ્યવહારમાં અમલી બનાવાય તો ભારત માટે કોઈ લક્ષ્ય દૂર નથી. વિશ્વના તમામ દેશો માટે ક્યારેક જ આવતી આવી વસ્તીની તરાહની તક આપણને આજે મળેલ છે. જો તેનો યોગ્ય અને વ્યવહારૂ લાભ નહિ લેવાય તો આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહી કરે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts