મિત્રો,
આજે મારે આપ સહુ સમક્ષ શ્રી Ninand Vengurlekar ની એક ફેસબુક પોસ્ટનો માત્ર ભાવાનુવાદ રજુ કરવો છે. એમની પોસ્ટનું શીર્ષક નથી પરંતુ મને એ વર્ણન અનુસાર ઉદ્યોગ અથવા વ્યાવસાયિક સાહસિકતા નું સરસ ઉદાહરણ લાગ્યું. તેથી જ મેં આ લેખનું શીર્ષક એવું રાખ્યું છે. હવે, તેમની પોસ્ટ તેમના શબ્દોમાં…
આ રામભાઉના ફોટાઓ છે. તેઓ મારા ઘરના બગીચાની જાળવણી અને સંભાળ રાખવાનું કામ કરે છે.
4 વર્ષ અગાઉ તે અમારા કોમ્પ્લેક્ષમાં રસ્તા ઉપર માટીકામ કરતા હતા ત્યારે સાઈટ ઈજનેરે તેમને મારો ઘરનો બગીચો બનાવવા પુછપરછ કરી તો તે તરત જ ઝડપથી લગભગ દોડતા મારી પાસે આવ્યા અને હું જે કઈ પણ આપવા ઈચ્છું તેટલામાં હું જેવું ચાહું તેવું બધું કામ કરવા સંમત થઇ ગયા. એમણે લગભગ મફતમાં જ મારા ઘરનો બગીચો બનાવેલો.
એમણે એ પછી મારા ઘરનો બગીચો આખા કોમ્પલેક્ષમાં પોતાના કામના નમુના તરીકે બતાવવાનું શરુ કર્યું. માત્ર બે જ વર્ષોમાં તો તેઓએ કોમ્પલેક્ષના 20 ઘરના બગીચાઓનું વ્યવસ્થાપન કરવા માંડ્યું. એ પછી એ મોટર-સાયકલ લાવ્યા. તેમણે 3-4 માણસો પણ રાખ્યા જે અમારા બગીચાઓમાં રોજીંદા કામકાજ કરતા જે પૈકી એક તેમના પત્ની પણ હતા.
તેના એક વર્ષ પછી, એમણે મને જણાવેલું કે હવે તેમણે પોતાના પુત્રના સહકારથી એક ટેમ્પો રાખી વસ્તુઓની હેરફેર પણ શરુ કરી છે. વળી, એમણે અમારા કોમ્પલેક્ષના બિલ્ડરના પોતાના બંગલાનો બગીચો બનાવવાનો કોન્ટ્રેકટ પણ રાખી લીધો. જે લગભગ અડધા એકર જેટલો વિશાળ હતો. તેમણે મને ત્યાં લઇ જઈને તે શું કામ કરે છે તે પણ બતાવેલ. જે જોઇને હું ખુબ ખુશ થયેલો.
થોડા જ સમયમાં બિલ્ડરે આખા કોમ્લેક્ષના વ્રુક્ષો અને બગીચાઓની જાળવણીનો કોન્ટ્રાક્ટ એમને આપ્યો. મારા જાણવામાં આવેલું કે, એમની પાસે ત્યારે 2-3 ડીલીવરી વાહનો અને 15 થી પણ વધુ માણસો હતા.
આજે એ મારા બગીચામાં કેટલાક ઝાડ કાઢીને નવા લગાવવા આવ્યા છે. એ હોન્ડા સિવિક લઈને આવ્યા અને ઉતરતાં જ માણસો સાથે કામે લાગી ગયા. એમને માટી ખોદવાનું, ઝાડ ઉખાડવાનું અને નવા છોડ લગાવવાનું કામ કરતા ફોટામાં તમે જોઈ શકો છો. એ ત્યાં કામ ઉપર ઉભા રહીને કામનું નિરિક્ષણ કરતા પણ દેખાય છે.
ઘરે જ્યારે હું અને માયા એમની 4 વર્ષમાં એક સાધારણ માળીમાથી એક નાના પણ ધડાયેલા વ્યવસાયી તરીકેની સફર વિષે ચર્ચા કરતા હતા ત્યારે તેણીએ પૂછ્યું કે બીજાઓ આવું કેમ નથી કરતા, તો મેં તરત જ કહ્યું કે, એ જે કરે છે એને જ વ્યવસાય કહેવાય અને તેની કાબેલિયત જનીનમાં એટલે કે લોહીમાં હોય છે. વ્યવસાય કરવાની રીત અથવા ઉદ્યોગ સાહસિકતા શીખવાડવાની શાળા કોલેજો ના હોય અને હોય તો, આખી દુનિયામાં તેની હોટ ડીમાંડ બની જાય.
રામભાઉ આજે જે કાર લઈને આવે છે તેવી એમના બગીચાઓના (દાખલા તરીકે મારા જેવા) માલિકોની પાસે પણ નથી. પણ તે અમારા બગીચા સંભાળે છે. એ અમારી સૂચનાઓ મુજબ કામ કરે છે અને અમને સન્માન પણ આપે છે. વાસ્તવમાં તો તે બગીચા માલિકો કરતા પણ વધુ કમાતા હોવા છતાં એક ગ્રાહક તરીકેનું સન્માન જાળવી જાણે છે.
રામભાઉ ઉમરમાં ચોકકસથી વનમાં (૫૦ ઉપર) હશે. એ પાછલી ચાલીસીમાં તો કોન્ટ્રાક્ટ મજુર હતા. તેમનામાં વ્યવસાય કુશળતા ત્યારેય હતી. પણ એમની આસપાસ એવું વ્યવસાયી પર્યાવરણ નહોતું જે એમની સખત મહેનતનું ઊંચું વળતર આપે. જયારે એમને પોતાની ક્ષમતાને ડીલીવર કરવાનું યોગ્ય પ્લેટફોર્મ મળ્યું એટલે તેમણે તરત જ તક ઝડપી લીધી. આ જે કઈ પણ તેમણે કર્યું તે પરંપરાગત બેન્કની કોઈ મદદ વગર જ કર્યું. (બાગાયતી ધંધા માટે કઈ બેંક નાણા ધીરવાની હતી?)
આ અને આવા ભારતના લાખો નાના વ્યવસાયીઓની સરખી સ્થિતિ છે અને એ જ ભારતની અર્થવ્યવસ્થાની ધરી છે. એમના માટે કોઈ બેંક કે નાણા સંસ્થાઓ નથી. તેઓ ઊંચા વ્યાજે પૈસા લે છે. તેઓને નાણાકીય રેશિયોની સમજ નથી. જ્યારે ધંધો જમાવવાનો હોય ત્યારે તે ઈમાનદારીથી અને સમયસર તેમનું દેવું ચુકવતા રહે છે.
નોબેલ લોરેટ અને જર્મન બેન્કના સ્થાપક મહમ્મદ યુનુસ કહે છે, “ મારા મતે, ગરીબો એ બોન્સાઇન વ્રુક્ષ જેવા છે. જ્યારે તમે એક છ ઇંચના ફૂલછોડના કુંડામાં મોટા ઝાડનું ઉત્તમ બી વાવો છો, તો તમને એ મોટા ઝાડની હુબહુ પ્રતિકૃતિ મળે છે. પણ એ થોડાક ઈંચની જ ઉંચાઈ ધરાવે છે. અહી તમારા વાવેલા બી માં કાઈ જ ખરાબી હોતી નથી પણ તમે એને જેમાં વાવ્યું છે તે કુંડુ નાનું છે.
ગરીબ લોકો એ બોન્સાઈન લોકો છે. એમના પોતાના ( બી )માં કોઈ ખામી નથી હોતી પણ સમાજે તેમણે વિકસવા પૂરું પાડેલ ક્ષેત્ર (કુંડુ) અપૂરતું હોય છે.”
રામભાઉ એ ગરીબીના આખા દુષચક્રનું એકદમ સરસ ઉદાહરણ છે જે ભારતના 80% લોકો ભોગવે છે. સદભાગ્યે તેમણે પોતાનું કુંડુ ધીમે ધીમે ૨૦૦ એકર જેટલું મોટું કર્યું અને પોતાને હોન્ડા સિવિક પણ પોસાઈ શકે તેટલા પૈસા કમાયા. એમણે સાબિત કરી બતાવ્યું કે જો તમારામાં ટેલેન્ટ હોય, ઈચ્છાશક્તિ અને આસ્થા હોય તો, નાણા હોય કે ના હોય, શિક્ષણ હોય કે ના હોય તમને તમારા માટે સેકડો રસ્તા મળી જાય છે.
આજે એ મારા માળી નહી પણ મારા માટે 2016 ના વર્ષના સર્વશ્રેષ્ઠ વ્યવસાયી છે. …..
અહી પોસ્ટ પૂરી થાય છે. આપણે પણ સમાજમાં આવા અનેક ઉદાહરણો જોઈએ અને જાણીએ છીએ. આપણી નજર સામે જ કેટલાકને સામાજીક-આર્થિક રીતે વિકસતા જોઈએ છીએ પણ જે બધી જ લાયકાત હોવા છતાં વિકાસ પામવામાં નિષ્ફળ રહે છે તેવા લોકોની સંખ્યા ખુબ મોટી હોય છે અને એવા લોકો આપણને યાદ પણ નથી રહેતા.
આપણા જેવા સામાન્ય લોકોને તેમની અગવડની સમજ પડે છે તો દેશના નીતિ નિર્ધારકો અથવા અર્થશાસ્ત્રીઓ એ કેમ નહી સમજતા હોય અને જો સમજતા હોય તો તેવી તકલીફનો વ્યવહારુ ઉકેલ લાવવાનો પ્રયત્ન કેમ નથી થતો? સંસદમાં બેસીને જ દેશનો વિકાસ થવાનો હોય તો 60-70 વર્ષોમાં થઇ જ ગયો હોત. ખરેખર જમીનની સાથેની વાસ્તવિકતાઓ સમજ્યા વગર ક્યારેય ભારત જેવા વિશાળ દેશના પ્રશ્નો હલ નહી થાય એ ભીત ઉપર લખેલા ભ્રહ્મ વાક્ય જેવું સ્વયં સ્પષ્ટ છે.