ભારત એ પહેલાના સમયથી જ સંસ્કૃતિમાં વિવિધતા ધરાવતો દેશ છે. આપણી સંસ્કૃતિ એ દુનિયામાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે. વિવિધ પ્રકારના લોકો, પહેરવેશ, બોલી, ભાષા, રહેનસહેન વગેરેની દ્રષ્ટીએ વિવિધતા ધરાવતો આપણો દેશ એ દુનિયામાં સૌથી વધારે વૈવિધ્ય ધરાવતો દેશ છે. હજારો વર્ષો પહેલા વિવિધ પ્રજાઓ ભારતમાં આવીને સ્થાયી થઈ. આર્યોથી શરૂ કરી તૂર્ક, મુઘલો, પારસીઓ, ડચ, પોર્ટુગીઝો, ફ્રેંચો અને છેલ્લે અંગ્રેજ લોકો ભારતમાં આવ્યા અને વિવિધ જાતિ-પ્રજાતિ પણ સાથે લાવ્યાં. આ લોકો એમની સાથે એમની સ્થાનીય સંસ્કૃતિ, ધર્મ, આચરણ, સ્થાપત્ય, બોલી, પહેરવેશ, રિતરિવાજો પણ લઈને આવ્યા. આ બધાના મિશ્રણથી એક ભાતીગળ ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું અને આજે આપણે સૌ એના સાક્ષી છીએ. ભારત એક રાષ્ટ્રનો વિચાર છે, તે સભ્યતાગત એકતા, ઐતિહાસીક સમાનતા અને સમૃદ્ધ વિવિધતાથી પરિપૂર્ણ ગણતંત્ર છે.
આપણા દેશનું લોકજીવન "વિવિધતામાં એકતા" સૂત્રને સાર્થક કરતું દેખાય છે. આઝાદી પછી પણ ભારતે આ વિવિધતા જાળવી રાખી અને એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે દેશના દરેક ધર્મના લોકોને સમાન અધિકાર આપવામાં આવ્યાં. આપણા દેશમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ વગેરે જેવા જુદા-જુદા ધર્મમાં માનનારા લોકો રહે છે. જેમાં મુખ્ય વસ્તી હિંદુ ધર્મની છે. એ જુદા-જુદા ધર્મોની સાથે એમાં સંપ્રદાયો પણ અલગ અલગ હોય છે. આપણી આ વિવિધતા એ આપણા પડોશથી ચાલું કરીને, ગામમાં, શહેરમાં, જિલ્લામાં, રાજ્યમાં અને આખા દેશમાં જોવા મળે છે. આટલી બધી વિવિધતા હોવા છતાં પણ ભારતમાં એકતા અને અખંડિતતા જોવા મળે છે અને ભારતમાં કેવું વૈવિધ્ય છે તેનો પરિચય થાય છે. ભારત 126 કરોડથી પણ વધુ વસ્તી ધરાવતો દેશ છે પણ આપણામાં આટલી બધી વિવિધતા હોવા છતાયે એકતા છે એ કોઈ સામાન્ય વાત નથી. હા, ક્યારેક કોઈ સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા થતી ઉશ્કેરણીનો ભોગ બની કોમી રમખાણોની પરિસ્થિતિ સર્જાઈ છે અને ભારતની છબી ખરડવાના પ્રયાસો પણ થયા છે. આ રમખાણો જેવા વાતાવરણમાં પણ ભારતમાં કોમી એકતાના દર્શન થાય છે જે તેનું એક વિશિષ્ટ પરિબળ છે, જે આપણી વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે.
વિવિધતામાં એકતા માટેના વિવિધ પરિબળોની વાત કરીએ તો એમાં મુખ્ય છે ભૌગોલિક પરિબળો. ભારતમાં ભાત ભાતના લોકો વસે છે. ભારતમાં સૌથી વધુ ઠંડી, ગરમી તથા સૌથી વધારે વરસાદ વાળા પ્રદેશો પણ જોવા મળે છે. ભૌગોલિક રીતે પણ આપણો દેશ એ દુનિયાના દેશો કરતાં અલગ તરી આવે છે. વિવિધ રાજ્યોમાં વહેચાયેલા ભારતમાં જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે અનૂકૂળ થઈ એકબીજાને મદદ કરવાની ભાવના પહેલાથી જ જોવા મળી છે. કોઈ પ્રાકૃતિક આફતોમાં વિવિધ જ્ઞાતિ અને ધર્મના લોકો એકબીજાને મદદ કરી ભારતની એકતાના દર્શન કરાવે છે. ભારત એ એક ખેતી પ્રધાન દેશ હોવાથી સૌથી વધારે લોકો ગામડામાં રહે છે. ખેતી અને પશુપાલન જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહેવાને કારણે લોકોમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે છે.
ભારતની એકતા માટેના ધાર્મિક પરિબળોની વાત કરીએ તો હિંદુ ધર્મ મુખ્ય છે પણ ધર્મ એ ભારતમાં વિવિધતા અને એકતા બંનેના પ્રતિક સમાન છે. ભારતીય તત્વજ્ઞાન મુજબ ઇશ્વર એક છે અને તેના રૂપો અનેક છે અને તેને પહોંચવાની જુદી-જુદી રીતો હોઈ શકે. આથી જ ભારતમાં અનેક દેવી-દેવતામાં માનવામાં આવે છે અને દરેકને પોતાનો સંપ્રદાય છે. દરેક ધર્મના પોતાના રિત રિવાજો, માન્યતાઓ વગેરે અલગ હોય છે. સદીઓથી એક સાથે રહેવાને કારણે પરસ્પર એકતાની સાથે ક્યારેક ક્યારેક વિરોધના પણ પ્રસંગો બને છે. પણ અનેક જાતિઓનું સહઅસ્તિત્વ અને એકબીજાની રિતભાતના સમન્વયને કારણે સહિષ્ણુતા પણ દેખાય છે. એ સિવાય વિવિધ ધર્મોના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની અન્ય ધર્મના લોકો પણ મુલાકાતે અથવા દર્શનાર્થે જાય છે. અજમેર શરીફની દરગાહ હોય, અમૃતસરનું સુવર્ણમંદિર હોય કે પછી અમરનાથ યાત્રા, અહીં દરેક ધર્મના અનુયાયીઓ નોંધપાત્ર સંખ્યામાં મૂલાકાતે આવે છે અથવા જોડાય છે. સાંસ્કૃતિક રીતે જોઈએ તો ભારત એ વિશ્વમાં સંસ્કૃતિના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે. આપણા દેશમાં જે રીતે ધર્મ એ એકતાનું પ્રતિક છે તેવી જ રીતે સંસ્કૃતિ પણ એકતા અને વિવિધતાનું પ્રતિક છે. ઘણી બધી જાતિઓ અને પ્રજાતિઓ આપણા દેશમાં આવીને રહી છે પરંતુ આજે પણ આપણી સંસ્કૃતિ લાંબા સમયથી ટકી રહી છે.
ભારતની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે. એનો અર્થ એવો કે હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ વગેરે તમામ ધર્મોના લોકો એક રીતે પારસી ધર્મને છોડી દઈએ તો હિંદુમાંથી ધર્મપરિવર્તનથી બાકીના ધર્મનો ફેલાવો થયેલો છે. હવે માનો કે આજે એક વ્યક્તિ અથવા કુટુંબ હિંદુ ધર્મ પાળે છે અને હવેથી ધર્મપરિવર્તન કરી મુસ્લિમ બને તો બાકીના હિંદુધર્મીઓ સાથેનો તેનો સંયુક્ત ઇતિહાસ, સામાજિક સંબંધો, ધંધો-રોજગાર વગેરે બદલાઈ જવાનું નથી અને માત્ર ધાર્મિક આસ્થા બદલાવાથી વિવિધતા દેખાવા છતાં આંતરિક એકતા જળવાઈ રહે છે. અહીં, બધા ધર્મના લોકો બધા વ્યવસાયોમાં જોડાયેલા હોય છે. આથી આર્થિક રીતે એકબીજાની સાથે સતત વ્યવહારમાં આવવું પડતું હોવાથી એકતાની ભાવના જળવાયેલી રહે છે. આપણા દેશમાં ધાર્મિક તહેવારોની સાથે અન્ય સાંસ્કૃતિક તહેવારો જેવા કે રાષ્ટ્રીય તહેવારો, મેળા, ઋતુ અનુસાર તહેવારો વગેરે સૌ ધર્મના લોકો ઉજવે છે અને તે સૌના સહિયારા છે. વળી, અન્ય ધર્મી લોકોના ધાર્મિક તહેવારોમાં પણ બીજા ધર્મના લોકો ઉત્સાહથી ભાગ લે છે. આ ઉપરાંત જૈન અને બૌદ્ધ ધર્મ મૂળ હિંદુ ધર્મમાંથી ઉતરી આવેલા ધર્મ છે. સાથે સાથે શીખ ધર્મ પણ હિંદુ ધર્મમાંથી જ ઉતરી આવેલો છે. હિંદુ ધર્મ એ ધર્મ કરતાં એક જીવન પરંપરા છે. જેમાં વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે. મુસ્લિમ, ઇસાઈ વગેરે આક્રમણકારીઓના ધર્મો હતા પરંતુ બહારથી આવનાર વિધર્મી લોકો ભારતમાં આવીને ભારતીય બની ગયા, એ જ રીતે ભારતીય પ્રજાએ આગંતુક લોકોને પોતાનામાં સમાવી લીધા. ભારતમાં ધાર્મિક વિવિધતાની સાથે સાથે પ્રાદેશિક વિવિધતા, ભાષાની વિવિધતા અને બોલીની વિવિધતા પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે, પશ્ચિમમાં ગુજરાતી લોકોની રહેણીકરણી પૂર્વના આસામના લોકો સાથે તેવી જ રીતે ઉત્તરે કાશ્મીરના લોકોની રહેણીકરણી દક્ષિણે તમિલ પ્રજાની રહેણીકરણી સાથે ખૂબ જ વિવિધતા ધરાવે છે. કેટલાક પ્રદેશના લોકોની જીવનપદ્ધતિમાં સ્થાનિક ભૌગોલિક પરિબળો મુખ્ય ભાગ ભજવે છે. આ બધું હોવા છતાં સહિયારો ઇતિહાસ, હજારો વર્ષોની જીવનપદ્ધતિ અને ભારત એક છે તેવી આંતરિક ભાવનાના કારણે સૌ ભારતવાસી પોતાપણાનો ભાવ ધરાવે છે.
(ધોરણ – 12 આર્ટસના સમાજશાસ્ત્ર વિષયના પ્રકરણ – 1 : ભારતમાં વિવિધતા અને એકતા પર આધારિત)