मेरे तो गिरिधर गोपाल दूसरो न कोई….
જેમને આપણે જનમ જનમની દાસી અને કૃષ્ણ ભક્તથી ઓળખીએ છીએ એવા મીરાબાઈનો જન્મ ઈ.સ.1498માં રાજસ્થાનના પાલી જિલ્લાના જોધપુરમાં એક રાજકુટુંબમાં થયો હતો. તેમના પિતા રતનસિંહજી ઉદયપુરના વંશજ હતાં. જ્યારે મીરાબાઈ ફક્ત ત્રણ વર્ષના હતા ત્યારે કોઈ સાધુ એમને આંગણે આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની એક લાકડાની મૂર્તિ મીરાબાઈના પિતાને ભેટમાં આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશીર્વાદ સમજી સ્વીકારી અને મીરાબાઈને આપી. મૂર્તિ જોતા જ મીરાબાઈને ગમી ગઈ. આ મૂર્તિ મીરાબાઈએ હૃદયપૂર્વક સ્વીકારી અને તેઓ આ મૂર્તિને શણગારતાં, તેની પૂજા કરતાં અને મૂર્તિ સાથે જ રમતાં. જ્યાં સુધી મૂર્તિ ન મળે ત્યાં સુધી ખાવા-પિવાનું પણ બંધ કરી દેતા. ભગવાન શ્રી કૃષ્ણની આ મૂર્તિ મીરાબાઈ માટે જાણે કે જીવવાનું એકમાત્ર લક્ષ બની ગઈ હતી. એમને ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાના સર્વસ્વ માની લીધા હતાં.
બાળપણમાં જ મીરાબાઈના લગ્ન ચિત્તોડના રાણા ભોજરાજજી સાથે થયાં. મીરાની કૃષ્ણભક્તિ જોઈને રાજાએ એમને મહેલમાં જ ભગવાન શ્રી કૃષ્ણનું એક મંદિર બનાવી આપ્યું હતું. મહેલમાં જ મંદિર હોવાથી મીરાને ભગવાનની ભક્તિ અને ઉપાસના કરવાની પૂરી સ્વતંત્રતા મળી. હવે મીરા વધુને વધુ સમય મંદિરમાં જ રહેવા લાગ્યાં. સાધુ સંતો અને અન્ય ભક્તોની સાથે મીરા નૃત્યો કરતા અને ભાવગીતો ગાતાં. થોડા દિવસોમાં જ રાણા ભોજરાજજીનું અવસાન થયું. એમના પતિના અવસાન બાદ મીરા કૃષ્ણ ભક્તિમાં જ લીન રહેવા લાગ્યાં. તેઓ આખો દિવસ મંદિરમાં રહેતા અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતાં. એમના સગાવહાલાઓને લાગ્યું કે મીરાબાઈ ગાંડા થઈ ગયા છે પરંતુ સાધુ સંતો અને અન્ય ભક્તો એમને એમ સંત તરીકે સન્માનવા લાગ્યાં. એવું પણ કહેવાય છે કે અકબરે પણ એમના સંગીત પ્રતિનિધિ તાનસેન સાથે મીરાબાઈની મુલાકાત લીધી હતી.
મીરાબાઈના પતિ રાજા ભોજરાજના અવસાન બાદ એમના નાના ભાઈ રાણાજી રાજા બન્યાં. મીરાબાઈની અનન્ય પ્રભુભક્તિ અને સાધુ સંતો સાથેની નિકટતા તથા અન્ય લોકો સાથે નૃત્ય કરવાથી અને ભજનો ગાવાથી રાણાજીએ એમને હેરાન-પરેશાન કરવાનું શરૂ કરી દિધું. રાણાજીએ મીરાને મારી નાખવા માટે ઝેરનો કટોરો પણ મોકલાવેલો. મીરા એ ઝેરનો કટોરો પણ હસતે મુખે પી ગયા અને તમામ સંકટોમાંથી ભગવાને એમને ઉગાર્યા. મીરાબાઈની ભક્તિમાં માધુર્ય-ભાવ ઘણી હદ સુધી જોઈ શકાય છે. તે પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણની ધારણા પ્રિયતમ કે પતિના રૂપમાં કરતા હતી. તેમનું માનવું હતું કે આ સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે જ નહી. તે કૃષ્ણના રૂપની દીવાની હતી. એક પ્રચલિત કથા અનુસાર મીરાબાઈ વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતાં. તેમણે અંદરથી જ કહેવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતાં. આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વંધિ પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલ્લા પગે બહાર નીકળી આવ્યાં અને ખૂબ પ્રેમથી તેમને મળ્યાં. અહીં પણ એમને કૃષ્ણ ભક્તિ ચાલું જ રાખી. આ સમય દરમિયાન મીરાબાઈ અનેક લોકોના સંપર્કમાં આવ્યાં. મીરાબાઈ કુલ 400થી પણ વધારે કૃષ્ણભક્તિના પદો રચ્યા છે. મીરાબાઈએ પદો સિવાય ચાર ગ્રંથોની પણ રચના કરી છે. જેમાં બરસી કા માયરા, ગીત ગોવિંદ ટીકા, રાગ ગોવિંદ અને રાગ સોરઠ કે પદનો સમાવેશ થાય છે.
શું કરવું છે મારે ,શું રે કરવું છે ?
હીરા માણેકને મારે ,શું રે કરવું ?
મોતીની માળા રાણા ,શું રે કરવી છે ?
તુલસીની માળા લઈને પ્રભુને ભજવું છે રે .
એક વખત રાજસ્થાનના એક રાજા ઉદયસિંહે મીરાબાઈને રાજમહેલમાં પધારવા આમંત્રણ આપ્યું. મીરાબાઈએ આમંત્રણ સ્વીકાર્યુ તો ખરું પણ તેઓ પોતાના પ્રાણપ્રિય કૃષ્ણને છોડીને જવા માગતા નહોતા. આમંત્રણનો સંદેશ લઈને આવેલ સૈનિકોને મંદિરમાં ઊભા રાખી તેઓ મંદિરના ગર્ભગૃહમાં ગયાં અને ત્યારબાદ તેઓ ક્યાંય દેખાયા નહિ. લોકોએ માની લીધું કે મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયાં છે. મીરાબાઈ અને એમની અનન્ય કૃષ્ણભક્તિ અજોડ છે. શ્રી કૃષ્ણ પ્રત્યેના એમનો અનન્ય પ્રેમ અને સમર્પણને તેમના રચેલા પદોમાં વર્તાય અને અનુભવાય છે. શ્રી કૃષ્ણ પ્રત્યેના હૃદયને સ્પર્શી જતાં એમના પ્રેમભર્યા પદો આજેય પણ લોકમુખે ગવાતા રહ્યા છે.