9/11 એટલે કે વર્ષ 2001 ના સપ્ટેમ્બરની 9મી તારીખ જગત જમાદાર અમેરિકા ઉપર અત્યાર સુધીના સૌથી ભયાનક આતંકવાદી હુમલાને કારણે સમગ્ર વિશ્વમાં સૌ કોઈને યાદ છે. દર વર્ષે સૌ કોઈ આ દિવસે એક થઈ માનવજાતના વર્તમાન સમયમાં સૌથી વિકરાળ દુશ્મન એવા આતંકવાદ સામે મુકાબલો કરવા કટિબદ્ધ બનવા મનોમંથન કરે છે.
આ ભયાનક અને ધ્રુણાસ્પદ બનાવ અલ-કાયદાના સર્વેસર્વા ઓસામા-બિન-લાદેનની પ્રેરણાથી અમેરિકી પેસેંજર વિમાનોનું અપહરણ કરી મુસાફરો સાથે તેને વર્લ્ડ ટ્રેડ સેંટર નામની ગગનચંબી ઈમારતના બન્ને ટાવરો સાથે અથડાવી 2996 લોકોના મોતનું કારણ બનેલ. આતંકવાદી હુમલો તત્કાલિન અને તે પછીથી આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈ અને તેના પરિણામો અંગે નિર્ણાયક સાબિત થયેલ છે. આ બનાવ પછી અમેરિકા સહિત વૈશ્વિક શક્તિઓનો આતંકવાદ પ્રત્યેનો અભિગમ સમૂળગો બદલાઈ ગયો. તેથી આતંકવાદ સામેની લડાઈ માટે આ દિવસ સિમાચિહ્ન રૂપ છે.
ભારત અને તેના જેવા દાયકાઓથી આતંકવાદ પીડિત રાષ્ટ્રો હંમેશા આતંકવાદ સામે વિશ્વની સામૂહિક લડત માટે અપિલ કરતા રહ્યા છે. 9/11 ના હુમલા પહેલા પાશ્ચાત્ય દેશો પોતાના લાભ માટે તેમજ દુનિયાની ભૂ રાજકીય શતરંજમાં પોતાના હિતો સાધવા ઇસ્લામિક આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રોત્સાહન પૂરૂ પાડતા હતા. આ બનાવથી આતંકવાદનો વરવો ચહેરો વિશ્વ સમક્ષ ખુલ્લો પડ્યો તેમજ આ દૈત્ય સૌને માટે નુકસાનકારક છે તે વાતની વિશ્વને પ્રતિતિ થઈ. આ બનાવ બાદ અમેરિકાના નેતૃત્વમાં ઈસ્લામિક આતંકવાદ સામે વૈશ્વિક લડાઈના મંડાણ થયા. જેમાં પાકિસ્તાનની વિદેશ નિતિના ભાગરૂપે આતંકવાદને પ્રોત્સાહન આપવાની અવળચંડાઈ દુનિયા સમક્ષ સ્વીકારાઈ તેમજ ઓસામા-બિન-લાદેનના મોત અંગેની અબેટાબાદ કાર્યવાહી પછી પાકિસ્તાન આતંકવાદના પ્રેરક રાષ્ટ્ર તરીકે દુનિયા સમક્ષ ખુલ્લુ પડ્યુ.
9/11 ના આ બનાવ બાદ આતંકવાદનો સફાયો થવાને બદલે અલગ-અલગ સ્વરૂપે અને અલગ-અલગ દેશોમાં તેનો વિસ્તાર થયો. અલ-કાયદા, તાલિબાન, મુસ્લિમ બ્રધર હૂડ વગેરે તેના જુદા-જુદા ચહેરા તરીકે દુનિયા સમક્ષ ખુલ્લા થયા. વર્તમાન સમયમાં ISIS એ સૌથી ઘાતક, વ્યાપક, વિનાશક તેમજ વધુમાં વધુ વિસ્તારમાં ફેલાયેલ આતંકવાદનો સૌથી વરવો ચહેરો છે. આજના વિશ્વમાં અમેરિકા, યુરોપ, આફ્રિકા તેમજ એશિયા અને ઑસ્ટ્રેલિયા સહિત કોઈ દેશ કે પ્રજા આતંકવાદથી સુરક્ષિત નથી. યુરોપના દેશોમાં હમણા થયેલા આતંકવાદી હુમલાઓથી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની કોઈપણ સ્થિતિમાં આતંકવાદીઓ તેમના બદ ઈરાદા પૂરા પાડી શકે છે તે સાબિત થયું છે. વળી, મધ્ય-પૂર્વ અને બાંગ્લાદેશ તથા પાકિસ્તાન જેવા દેશોમાં થયેલા હુમલાઓથી એ પણ સાબિત થાય છે કે કોઈ પણ પ્રજા પછી ભલે તે મુસ્લિમ હોય તો પણ આ રાક્ષસથી સુરક્ષિત નથી.
ભારત જેવા આતંકવાદ પીડિત દેશની વાસ્તવિક હકિકતને દુનિયાના દેશો સમજતા થયા છે પરંતુ હજુ પણ તેનો ઉકેલ મેળવી શકાયો નથી. મધ્ય-પૂર્વના દેશોમાં પરિસ્થિતિ જીવવા લાયક નથી, કરોડો લોકો પોતાનું વતન છોડી નિર્વાસિત તરીકે દુનિયાના દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. તેમનું પુનઃવસન એ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે.
9/11 ના બનાવનું વિશ્વ સાચા અર્થમાં અર્થઘટન કરવા માગે તો કોઈ પણ દેશે ધાર્મિક કે ક્ષેત્રિય ઉન્માદ ફેલાવવો અથવા તેમાં મદદરૂપ થવું તે સમગ્ર માનવજાતનું અહિત છે. આટલી સીધી-સાદી વાત વિશ્વના ટોચના રાજકારણીઓ તેમજ વૈશ્વિક સત્તાની ચાવી રૂપ વ્યક્તિઓ સમજે અને ગમે તેવા ભૂ રાજકીય લાંબા કે ટુંકા ગાળાના લાભ હોય તો પણ સામૂહિક રીતે આતંકવાદનો સામનો કરે તો આ સમસ્યાનો લાંબે ગાળે ઉકેલ મળે તેમ છે. ભારત જેવા આતંકવાદ પીડિત દેશે પોતાની સમસ્યાનો પોતે ઉકેલ શોધવાનો રસ્તો પણ અજમાવવો જ પડશે. કારણ કે આટલા વર્ષોથી વૈશ્વિક સત્તાઓ કાર્યવાહીનુ માત્ર આશ્વાસન જ આપ્યા કરે છે. આજે, અમેરિકા પાકિસ્તાનથી વિમુખ થઈ રહ્યુ છે ત્યારે ચીન તેને પંપાડવા અને પોષવા તૈયાર છે. આ સંજોગોમાં હવે રાહ જોવી પાલવે તેમ નથી.