તુલસી એ ભારતીય શાસ્ત્રોમાં પવિત્ર છોડ ગણાય છે. મોટેભાગે સહુ ધાર્મિક હિન્દુઓના ઘરે તુલસી ક્યારો હોય છે. તુલસી ધાર્મિક મહત્વની સાથે સાથે આયુર્વેદિક દ્રષ્ટીએ પણ ખુબ અગત્યનો છોડ છે. તુલસી બારેમાસ થતી હોવાથી તેમજ ઘર આંગણે મળી રહેતી હોવાથી સાધારણ સંજોગોમાં તેનો ખુબ વ્યાપક ઉપયોગ કરી શકાય છે અને થાય છે.
ફાયદા :
- જો બાળકને ઉલટી થતી હોય તો 2 મી.લી. તુલસીના રસમાં બે ગ્રામ સાકર મેળવી આપવું.
- જો દાદર હોય તો તુલસીનો રસ, ગાયનું ઘી અને ચૂનો સરખા ભાગે કાંસાના પાત્રમાં આખી રાત રહેવા દઈ સવારે ચોપડવું.
- ઉંદર કરડે તો તુલસીનો રસ હળદર મેળવી ચોપડવો.
- વિંછીના ડંખ પર તુલસીના રસમાં ફટકડી મેળવી ચોપડવાથી રાહત થાય છે.
- ચામડી પર મચ્છર ન બેસે તે માટે તુલસીનો રસ ચોપડવો.
- ખૂબ જ ઠંડી લાગી તાવ આવતો હોય તો તુલસીનો રસ શરીર પર ચોપડવો.
- ફલુનો તાવ હોય તો 2 મી.લી. આદુનો રસ, 2 મી.લી. તુલસીનો રસ અને એક ગ્રામ લીંડી પીપરનું ચૂર્ણ એક કપ ગરમ પાણી સાથે દિવસમાં બે વખત લેવું.
- ટાયફોઈડ જેવી બિમારીમાં મરી, તુલસી અને સરગવાનો ઉકાળો લેવો.
- કબજિયાત હોય તો તુલસીના માંજર આખી રાત પાણીમાં પલાળી સવારે પી જવા.
- આંખો આવે તો મલમલના કપડાથી ગાળેલો તુલસીનો રસ શુદ્ધ મધ મેળવી આંજવો.
- આંજણી પર તુલસીના પાનના ઉકાળામાં ફુલાવેલી ફટકડી મેળવી નવશેકું હોય ત્યારે રૂ બોળી આંખ પર શેક લેવો.
- કફ જામી જવાથી છાતીમાં દુ:ખાવો થતો હોય તો પાંચ મી.લી. તુલસીનો રસ એક કપ પાણીમાં સાકર ઉમેરી પીવો.
- નાકમાં જામેલા કફની દુર્ગંધ આવતી હોય તો તુલસીના રસમાં કપૂર મેળવી સુંઘવું.
- ઉધરસમાં તુલસીના પાનનું ચૂર્ણ અને જેઠી મધનું ચૂર્ણ સમભાગે (બે-બે ગ્રામ) હુંફાળા પાણી સાથે ફાકવું.
- દમ-શ્વાસ જેવી બિમારીમાં તાલિસપત્ર અને તુલસી સમભાગે લઇ ઉકાળો બનાવી ગાળીને લેવો.
- હેડકી વધુ આવતી હોય તો તુલસીનો રસ નાળિયેરના છોડાની રાખ સાથે ચાટવો.
- પેટના કૃમિ હોય તો પાંચ મી.લી. તુલસીના રસ સાથે બે ગ્રામ કપીલો, બે ગ્રામ વાવડીંગનો ઉકાળો કરી એમાં બે મી.લી. દેશી દિવેલ ઉમેરી રાત્રે સૂતી વખતે લેવું.
- ભૂખ ન લાગે તો બે મી.લી. તુલસીના રસમાં ચપટી મરીનું ચૂર્ણ મેળવી ભોજનની પંદર મિનિટ પહેલાં લેવું.
- ચક્કર આવતા હોય તો તુલસીના પાનનું ચૂર્ણ મધ સાથે ચાટવું.
- માઇગ્રેન : તુલસીના માંજરનું બે ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવું.
- શીળસ : તુલસીના પંચાંગનો ઉકાળો લેવો.
- સફેદ દાગ : તુલસીના મૂળ પથ્થર પર ઘસી લેપ લગાવવો.
- ચામડી પર ખંજવાળ આવતી હોય તો તુલસી ક્યારાની માટીનો લેપ કરવો.
- ચાંદા-પાઠા : તુલસીના પાનનું વસ્ત્રગાળ ચૂર્ણ સારી ગુણવત્તાના ટેલ્કમ પાવડર સાથે મેળવી છાંટવું.
- ચહેરા પરની કાળાશ દૂર કરવા તુલસીના રસમાં હળદર અને કઠ મેળવી લેપ બનાવી લગાવવો.
- દુઝતા હરસ : દસ ગ્રામ તુલસીના બીજ પાતળી મોળી છાશ સાથે ફાકવા.
- પેશાબની બળતરા : તુલસી બીજ ચૂર્ણ ગાયના દૂધ સાથે સાકર ઉમેરી લેવું.
- માથાની જૂમાં તુલસીનો રસ આખી રાત વાળના મૂળમાં લગાવી રાખી સવારે વાળ ધોવા.