શ્રીફળ, નારિયેળ કે અંગ્રેજીમાં Coconut એ દરેક શુભ કાર્યમાં વપરાતું ફળ છે.
નારિયેળનુ વૃક્ષ, તેના ફળ, પાંદડાં, થડ અને મૂળ એમ બધા ભાગો ઉપયોગમાં આવે છે, તેથી તે એક રીતે ‘કલ્પવૃક્ષ’ છે.
ભારત દુનિયામાં નારિયેળના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે આવતો દેશ છે.
નારિયેળની ઉત્પત્તિ ભારત આસપાસના વિસ્તારોમાં થઈ આખી દુનિયામાં ફેલાયેલું હોવાનું મનાય છે.
ઇંડોનેશિયા, મલેશિયા, ભારત ઉપરાંત થોડા વત્તા પ્રમાણમાં દુનિયાના અનેક દેશોમાં નારિયેળ જોવા મળે છે.
સંસ્કૃતમાં ‘કલ્પવૃક્ષ’ નો અર્થ જીવનની બધી જરૂરિયાતો પૂરી પાડતું વૃક્ષ એવો થાય છે. નારિયેળ ખાવામાં સીધું વપરાય છે. વળી, તેના પાંદડા ઘર બનાવવા, તેલ ખોરાક તરીકે, રેસા દોરડા બનાવવા એમ અનેક ઉપયોગમાં આવે છે તેથી તે કલ્પવૃક્ષ ગણાય છે.
શ્રીફળ નું ધાર્મિક મહત્વ
નારિયેળને અન્ય લોકો મહત્વનુ માને છે પણ હિન્દુઓ માટે તો કોઈ પણ કાર્યની શરૂઆત જ નારિયેળથી થાય છે.
મંદિર હોય કે ઘરે પણ પૂજા અર્ચના માટે નારિયેળ અનિવાર્ય ગણાય છે.
કોઈ હવન કે યજ્ઞ હોય તો પણ નારિયેળ જરૂરી છે. નારિયેળ વધેરી (ફોડી)ને જ શુભ કામનું મુહર્ત કરવાની પ્રથા છે.
લગ્ન કે અન્ય શુભ પ્રસંગે પણ નારિયેળ જરૂરી ગણાય છે, એટલું જ નહીં સ્મશાન યાત્રામાં પણ નારિયેળ જરૂરી છે.
આમ, જીવનના દરેક પ્રસંગે અને મ્ર્ત્યુમાં પણ તે જરૂરી હોવાથી તથા તે શુભ ફળ આપતું હોવાથી શ્રીફળ કહેવાય છે.
નારિયેળના ઉપયોગો
- નારિયેળ એ સીધે સીધું ફળ તરીકે ખાવાના ઉપયોગમાં આવે છે તથા તેને સૂકવીને સુકામેવા (કોપરું) તરીકે પણ ખવાય છે.
- દક્ષિણ ભારત અને દરિયા કિનારાના વિસ્તારોમાં નારિયેળનુ તેલ રાંધવાના કામમાં વપરાય છે તો અન્ય લોકો હેર ઓઇલ તરીકે પણ તેનું તેલ વાપરે છે.
- નારિયેળનુ પાણી સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડક માટે પીણાં તરીકે, સ્વાથ્યલાભ માટે અને શોખથી પણ લોકો તેને પીવે છે. તે પચવામાં હલકું હોવાથી દર્દીઓને નારિયેળનુ પાણી પીવાની સલાહ અપાય છે.
- નારિયેળના કાચલા (ફળની ઉપરનો કઠણ ભાગ) તેની મજબૂતાઈ અને પાણીમાં બગડતું ના હોવાથી વિવિધ ઉપયોગમાં લેવાય છે.
- ફળની ઉપરના છોતરાં કાથી બનાવવા, ફર્નિચરમાં જગ્યા પૂરવા, તેમજ તેનું ભૂસું ભેજનો સંગ્રહ કરતું હોવાથી નર્સરીમાં છોડ વાવવા વપરાય છે.
- તેના પાંદડા શુભ કામોમાં મંડપ તરીકે રોપવા, ઘરની છત કે દીવાલો પર આચ્છાદન કરવા અને બીજી અનેક રીતે ઉપયોગમાં લેવાય છે.
- તેનું થડ ખૂબ મજબૂત હોય છે પણ તેની અંદર પોચો માવો હોય છે જે કેટલીક જગ્યાએ ખાવાના ઉપયોગમાં લેવાય છે.
- તાડીની જેમ કેટલાક દેશોમાં નારિયેળના થડમાં કાપા પાડી ‘નીરો’ એકઠો કરાય છે અને તેનો પીણાં તરીકે ઉપયોગ થાય છે.
- દક્ષિણ ભારતીય વાનગીઓ નારિયેળ વિના અધૂરી જ ગણાય, ચટણીથી લઈ દરેક વાનગી બનાવવા પણ નારિયેળ વપરાય છે.
- તેમાથી કોકોનટમિલ્ક પણ બનાવવામાં આવે છે, વળી ચોકલેટ અને અન્ય ઉત્પાદનોમાં પણ તે વપરાય છે.
- અંતે એટલું કહી શકાય કે દરેક જગ્યાએ સ્થાનિક પ્રથા અને જરૂરિયાત મુજબ નારિયેળના વિવિધ ઉપયોગો છે.
નારિયેળના પોષક તત્વો :
(Data from Wikipedia)
ભારતમાં નારિયેળનુઉત્પાદન
- ભારત વાર્ષિક 21,500 મિલિયન ટન ના ઉત્પાદન સાથે દુનિયામાં નારિયેળના ઉત્પાદન ક્ષેત્રે દુનિયામાં ત્રીજા સ્થાને છે.
- ભારતમાં 21,00,000 હેકટરમાં નારિયેળનું વાવેતર થાય છે. 10,000 ફળના પ્રતિ હેકટરે ઉત્પાદન સાથે આપની ઉત્પાદકતા પણ સારી છે.
- દેશના 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નારિયેળનો પાક થાય છે. જે પૈકી દેશના કુલ ઉત્પાદનના 31% ઉત્પાદન સાથે તામિલનાડુ સૌથી આગળ છે.
- દેશના કુલ નારિયેળના 90% ઉત્પાદન તામિલનાડુ, કેરલ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ એ ચાર રાજ્યોમાં થાય છે.
- કેરલ 5,900 મિલિયન ફળ સાથે દેશમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા ક્રમે છે. કેરળના અનેક શહેરોમાં પણ નારિયેળીના ઝાડ છે.
- નારિયેળની ખેતીથી દેશમાં મોટા પાયે રોજગારી પણ મળી રહે છે.