કરશનદાસ મુળજી ઓગણીસમી સદીના ગુજરાતના પત્રકાર, લેખક અને સમાજ સુધારક હતા.
તેમનો જન્મ ૨૫ જુલાઈ ૧૮૩૨ના રોજ મુંબઈ ખાતે એક ભાટિયા વ્યાપારી કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ મૂળ સૌરાષ્ટ્રનું વતની હતું. કરસનદાસે માધ્યમિક કક્ષા સુધી અભ્યાસ કર્યો હતો. કરશનદાસ મુળજી ના કુટુંબમાંથી તેમને વિધવા પુન:લગ્ન વિશેના તેમના વિચારોના કારણે બહિષ્કૃત કરવામાં આવ્યા હતા.
શિક્ષક અને પછી ‘સત્ય પ્રકાશ’
તેઓ સ્થાનિક શાળામાં શિક્ષક બન્યા અને ૧૮૫૫માં સત્યપ્રકાશ નામનું ગુજરાતી સાપ્તાહિક શરૂ કર્યું, જેમાં તેમણે પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાયના મહારાજોના કુકર્મો અને દૂષણો વિશે લખવાનું શરૂ કર્યું. ૧૮૬૨માં તેમના હિંદુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડ મતો લેખના કારણે તેમની વિરુદ્ધ પ્રખ્યાત મહારાજ લાયબલ કેસ મુંબઈ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મુદ્દામાં તેમનો વિજય થયો હતો. આ કેસ ખૂબ ચર્ચાસ્પદ બનેલો અને તે સમયે વૈષ્ણવ સંપ્રદાયના મહારાજો કેવા કુકર્મ કરતાં તેનો ખુલ્લી અદાલતમા પુરાવાઓ સાથે ભંડાફોડ થયેલો. કરશનદાસ મુળજી ને ન્યાત બહાર મૂકવામાં આવેલા અને તેમની પર હુમલા પણ થયેલા. આમ છતાં તેઓ પોતાની વાતને વળગી રહ્યા. તેમણે થોડો સમય સ્ત્રીબોધ નામનું વર્તમાનપત્ર ચલાવ્યું હતું.
‘ખીંચો ના તીર કમાનો કો, ના તલવાર ચલાઓ,
જબ તોપ મુકાબિલ હો તબ અખબાર નિકાલો’
તે સમયે વર્તમાનપત્ર કે છાપું કેવી રીતે ચલાવવું અથવા છાપું ચલાવવા જરૂરી હિમ્મતને આ શબ્દોના સાચા અર્થમાં તેઓએ સાર્થક કરીને બતાવી હતી.
૧૮૬૩માં કપાસના વેપાર સંબંધે ઇંગ્લેન્ડની નિષ્ફળ મુલાકાતથી પાછા ફર્યા બાદ તેમને જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા હતા. ૧૮૬૭માં તેમણે બીજી વાર ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. ૧૮૭૪માં તેમને કાઠિયાવાડના સંચાલક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.આમ, તેઓએ રાજકોટ અને લીંબડીના વહીવટદાર તરીકે પણ સેવાઓ આપેલી.
૨૮ ઓગસ્ટ ૧૮૭૫ના રોજ તેમનું અવસાન થયું હતું.
તેમણે નીતિવચન, કુટુંબમિત્ર, નિંબધમાળા, ઇંગ્લેન્ડનો પ્રવાસ, વેદધર્મ, મહારાજોનો ઇતિહાસ, શબ્દકોશ, વિધવાવિવાહ વગેરે ગ્રંથો લખ્યા છે.
મહીપતરામ રૂપરામ નીલકંઠ એ કરસનદાસ મૂળજીનું જીવન ચરિત્ર ૧૮૭૭ માં ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર નામે લખ્યું હતું.
સન્માન
મહારાષ્ટ્રના માથેરાનમાં તેમના નામ પર એક પુસ્તકાલય કરસનદાસ મૂળજી મ્યુનિસિપલ લાઇબ્રેરી ૧૮૯૭માં સ્થાપવામાં આવ્યું હતું