NEET પરીક્ષા એ મેડિકલ અને પેરા મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા છે એ હવે ગુજરાતી વિદ્યાર્થી જ નહીં સૌ કોઈ જાણતું થઈ ગયું છે. કેટલાક વર્ષ અગાઉ ગુજરાતમાં GUJCET પરિક્ષાના આધારે મેડિકલ અને પેરા મેડિકલમાં પ્રવેશ અપાતો હતો. ખાસ તો વર્ષ 2012 થી પદ્ધતિમાં ફેરફાર થવાની શરૂઆત થઈ અને ગત વર્ષે ગુજરાતી માધ્યમમાં NEET પરીક્ષા લેવાઈ ત્યાં સુધી દર વર્ષે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મેડિકલ પ્રવેશની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે હંમેશા દ્વિધા રહી છે. હજુ વર્તમાન વર્ષ (2017) માટેની NEET પરિક્ષાના પ્રશ્નપત્રો, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના જુદા જુદા હોવાથી અદાલતી કાર્યવાહી હમણાં સુધી ચાલુ હતી. કહેવાનો અર્થ એટલો જ કે, સ્પષ્ટતાનો અભાવ અને જુદા જુદા લેવલે કાર્યવાહીને કારણે વિદ્યાર્થીઓ અસમંજસ અનુભવતા એ હકીકત છે.
હવેથી વર્ષ 2018 માટે આ વિસંગતિઓ દૂર થયાનું લાગે છે. હાલના સંજોગો મુજબ એ નિશ્ચિત છે કે હવે મેડિકલ અને પેરા મેડિકલ ક્ષેત્રે પ્રવેશ રાષ્ટ્રીય કક્ષાએ લેવાનાર NEET પરિક્ષાના મેરીટ આધારે થશે. વળી, 2018ની NEET પરીક્ષા NCRT પુસ્તકો પ્રમાણે તેમજ CBSE અભ્યાસક્રમ અનુસાર લેવાશે. મૂળ પ્રશ્નપત્ર અંગ્રેજીમાં નીકળશે અને તેના ભાષાંતર વાળું ગુજરાતી પ્રશ્નપત્ર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ માટે હશે. આમ, અભ્યાસક્રમ, પરીક્ષાનું માધ્યમ, પરિક્ષાનો સમય જેવી બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. ઉપરાંત, ગુજરાતમાં મેડિકલનો પ્રવેશ ઉપલબ્ધ સીટોની 85% સીટો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓના અલગ બનાવેલા મેરીટ આધારે ભરાશે. મેડિકલ, ડેન્ટલ અને પેરમેડિકલના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત બોર્ડના ટકા ગણાશે નહીં પરંતુ, પ્રવેશ માટે ન્યૂનતમ જરૂરિયાત તરીકે બોર્ડ પરીક્ષામાં અમુક ટકા હોવા અનિવાર્ય લેખાશે.
આ સંજોગોમાં NEET પરિક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે હવે ખૂબ ઓછો સમય રહ્યો છે અને વિશાળ અભ્યાસક્રમ હોવાથી સહુએ તૈયારીમાં લાગી જવું જોઈએ. સાચી રીતે જોવા જઈએ તો ધોરણ 11 થી જ NEET પરિક્ષાની તૈયારી જરૂરી બની જાય છે. ધોરણ 11 અને ધોરણ 12 બંને વર્ષ એટલે કે જૂના ચારે ય સેમિસ્ટરનો અભ્યાસક્રમ NEET માટે સમાવેલો હોવાથી શાળાકીય અભ્યાસ સાથે આ પરિક્ષાની તૈયારી આસાનીથી થઈ શકે. જો કે, બોર્ડ પરીક્ષામાં વર્ણનાત્મક પ્રશ્નો પૂછવાના હોય છે જ્યારે NEET પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નપત્ર છે. આથી શાળાકીય અભ્યાસમાં બોર્ડ પરિક્ષાને ધ્યાને લઈ તૈયારી કરાવાતી હોવાથી વિદ્યાર્થીએ જાતે હેતુલક્ષી તૈયારી કરવી જરૂરી છે. જે વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે NEET પરીક્ષા આપનાર છે તેઓએ તો સહેજ પણ સમય ગુમાવ્યા વિના તૈયારીમાં લાગી જવું પડશે, કેમ કે બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા પછી માત્ર પુનરાવર્તન જેટલો જ સમય મળી શકે છે અને પહેલા બોર્ડ પરિક્ષાની તૈયારી કરી પછી NEETની તૈયારી કરવાનો અભિગમ સફળ થતો નથી.
NEET પરિક્ષા માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ પણ કેટલીક પાયાની બાબતો સમજવા જેવી છે. આ પરીક્ષા ધોરણ 11 અને ધોરણ 12 ના અભ્યાસક્રમ ઉપરાંત કેટલોક અભ્યાસક્રમ જે હાલ ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં નથી અને CBSEના અભ્યાસક્રમમાં છે તે તમામ અભ્યાસક્રમને આવરી લે છે. વળી, હેતુલક્ષી પ્રશ્ન હોવા છતાં, દરેક પ્રશ્ન 4 ગુણનો છે. આનો સીધો અર્થ વિદ્યાર્થી અભ્યાસક્રમ સમજ્યો હોય તો જ સાચો ઉત્તર આપી શકે. અહી, વિદ્યાર્થિની સમજ અને પુનરાવર્તન બંનેનો સમન્વય હોય તો જ સફળ થવાય. નિયત સમયમાં 180 પ્રશ્નોનું પ્રમાણમાં લાંબુ પ્રશ્નપત્ર પૂરું કરવું તૈયારી વગર ખૂબ મુશ્કેલ છે. સાથે સાથે નેગેટિવ માર્કિંગ હોવાથી આશરે જવાબ આપવાથી ફાયદા કરતાં નુકશાન વધુ થાય. કહેવાનો મતલબ સ્પષ્ટ છે કે આપનું બાળક સાતત્યપૂર્વક અભ્યાસ કરે તો જ NEET પરીક્ષામાં સારું મેરીટ મળી શકે. જો બાળકની ક્ષમતા ના હોય અને છતાં આપણે તેને NEET ની તૈયારી કરવાનો આગ્રહ રાખીશું તો મુશકેલી ઊભી થશે. બોર્ડ પરિક્ષામાં સારું પરિણામ મેળવવા ધોરણ 12 નો અભ્યાસક્રમ જરૂરી છે જ્યારે NEET માટે 11 અને 12 બંને જરૂરી છે. બોર્ડમાં હેતુલક્ષી પ્રશ્નોની સાથે વર્ણનાત્મક પ્રશ્નો પણ જરૂરી છે જે NEET માટે જરૂરી નથી. આમ, બાળક બંને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેમ ના હોય તો પરાણે NEETની તૈયારીનું વધારાનું ભારણ આપવું હિતાવહ નથી. ઉપરાંત, બોર્ડ પરિક્ષાના પરિણામ આધારે બીજા અનેક ક્ષેત્રોમાં આગળ અભ્યાસ માટે પ્રવેશ મળી શકે છે. આથી યોગ્ય બાળકોને જ NEET પરિક્ષાની તૈયારીમાં જોતરવા જોઈએ.
આશા રાખીએ કે આ વર્ષે અગાઉના વર્ષોની જેમ અનિશ્ચિતતા ના ઉદભવે અને પરિક્ષાર્થીઓની અગાઉથી કરેલી મહેનત સફળ થાય. NEET પરિક્ષાર્થીઓને અન્ય તૈયારી ઉપરાંત online ટેસ્ટ, સતત પરિક્ષાના ફોર્મેટ મુજબ ટેસ્ટ વગેરે દ્વારા પોતાની તૈયારી અવાર નવાર ચકસતા રહેવા પણ ખાસ આગ્રહ છે.