World Student Day એટલે તારીખ 15 ઓક્ટોબર એ આપણા લોકપ્રિય રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ નો જન્મ-દીવસ છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં વિદ્યાર્થીઓના દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરીને સંયુક્ત રાષ્ટ્રો (UNO)એ માત્ર મિસાઈલ મેન ડૉ.કલામનું જ નહિ સમગ્ર દેશનું ગૌરવ અને સન્માન વધારવાનું કાર્ય કર્યું છે. ડૉ.કલામ એક વૈજ્ઞાનિક કે રાષ્ટ્રપતિ તરીકે સમગ્ર દેશમાં ઉદાહરણીય વ્યક્તિત્વ ધરાવે છે. તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ, તેમના જન્મ-દિવસને World Student Day તરીકે ઉજવીને આપણે તેમના વ્યક્તિત્વના એક ઓછા જાણીતા પરંતુ વધારે અનુકરણીય પાસાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્ત થયા બાદ ડૉ.કલામ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ સાથે પોતાનો મહત્તમ સમય ગાળતા હતા.
એક શિક્ષક તરીકે કામ કરવાનો, વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરુ પાડવાનો ડૉ.કલામનો શોખ અને ઉદ્દેશ બંને હતા. પુસ્તકો તેમને ખૂબ પ્રિય હતા. આમ તો ડૉ.કલામનું સમગ્ર જીવન આજે અને આગામી પેઢીના લોકો માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે. જે રીતે રામેશ્વરમના અલ્પસંખ્યક કુટુંબમાંથી વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક તરીકે તેમણે પ્રગતિ કરી એ સૌના માટે અનુસરણીય ઉદાહરણ છે. ભારતની હુંસા-તુસીવાળી પક્ષીય રાજકીય વ્યવસ્થામાં સૌને પોતાના લાગે તે રીતે રાષ્ટ્રપતિની જવાબદારી નિભાવવી અને લોકોના રાષ્ટ્રપતિ તરીકેનું બિરુદ મેળવી ખરેખર તો ડૉ.કલામે રાષ્ટ્રપતિના પદની ગરિમા વધારી તેમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય.
એક વૈજ્ઞાનિક તરીકે તે ભવિષ્યના વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે હંમેશા આદર્શ છે જ સાથે સાથે ભારતના મિસાઈલ કાર્યક્રમ અને તે દ્વારા રોકેટ ટેકનોલોજીનો તેમના સમય દરમિયાન જે પાયો નખાયો તેથી આજે ભારત અગ્નિ, પૃથ્વી અને બ્રહ્મોસ જેવી વિવિધ શ્રેણીની મિસાઈલોના ઉત્પાદન ક્ષેત્રે માત્ર સ્વાવલંબી જ નથી પણ વૈશ્વિક સ્તરે તેની કાર્યપદ્ધતિ અને ખૂબીઓથી સૌ રાષ્ટ્રો અચંબીત છે. વળી, ભારતીય રોકેટ ટેકનોલોજી આજે જે વિકસિત તબક્કે પહોંચી છે કે જેથી ISRO વિશ્વના વિકસિત દેશોના ઉપગ્રહોનું પણ પ્રક્ષેપણ કરે છે. જે જેવી તેવી સિદ્ધિ નથી અને આ સિદ્ધિના મૂળમાં ડૉ.કલામની દૂરંદેશી અને અથાગ મહેનત છે.
ડૉ.કલામ દેશ માટે જીવ્યા અને તેમણે દેશને માન અને સન્માન અપાવ્યા, સાથે સાથે દેશના પ્રત્યેક અદના નાગરિકે તેમને ભરપૂર પ્રેમ અને સન્માન આપ્યું. બે જોડી કપડા, કેટલાક પુસ્તકો જેવી ચીજોને છોડી જનાર ડૉ.અબ્દુલ કલામ કોઈ ઘર કે મકાનમાં નહિ, ના કોઈ શહેર કે દેશમાં પણ પ્રત્યેક ભારતીયના દિલમાં આજે પણ વસે છે.
આજે તેમના જન્મદિને એટલે કે World Student Day નિમિત્તે આપણે સૌ તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને ગમે તેટલી અગવડો છતા, હંમેશા દેશના વિકાસ અને માન સન્માનમાં જ આપણો વિકાસ અને માન સન્માન નિહિત છે, તે ભાવનાથી સતત આગળ અને આગળ વધતા રહીએ તો ડૉ.કલામને સાચી શ્રદ્ધાંજલી અર્પી ગણાશે.