Press "Enter" to skip to content

કલાપી

Pankaj Patel 0

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની ,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !

કલાપી ની વાતની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રના એક સાવખૂણાનું, બે અક્ષરનું ગામ ‘લાઠી’ એવું બોલીએ, સાંભળીએ કે વાંચીએ કે તરત જ આપણી ગરવી ગુર્જરી ભાષાનો એક મહાકવિ આંખ-હૃદય સામે ઝળહળી આવે. એ કવિ એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. જેમને દુનિયા કવિ કલાપી તરીકે ઓળખે છે. એ આપણી ગુર્જર ભૂમિનો કવિ કલાપી આજેય અમર છે તો એની કવિતાઓ થકી, એની સહૃદયથી સંઘર્ષપૂર્ણ અને સંવેદનાત્મક કવિતાઓ થકી. કલાપી એટલે પ્રેમ અને પ્રેમ એટલે કલાપી ! પૂણ્યની કવિતાઓ તો યુગો યુગોથી અને અનેક કવિઓ લખતા આવ્યા છે પણ કલાપીએ જે પ્રણયાનુભુતિ આપી છે તે ખરેખર અલૌકિક છે. કલાપી ભલે ઉત્તમ રાજવી રહ્યા હોય પણ દુનિયા આજે એમને કવિ તરીકે જ યાદ કરે છે.

કલાપી એટલે ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજીનો જન્મ 26 જાન્યુઆરી 1874ના રોજ અમરેલી જિલ્લાના લાઠિમાં એક રાજકુટુંબમાં થયો હતો. રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આંખોની તકલીફ અને રાજકીય ખટપટોને કારણે એમણે શિક્ષણ છોડવું પડ્યું. ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી તથા સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. 1889 માં કચ્છના રાજકુમારી રાજબા અને કોટડા સાંગાણીના રાજકુમારી આનંદીબા સાથે લગ્ન થયા. પિતા અને મોટાભાઈના અવસાનથી 1895 માં 21 વર્ષની વયે કલાપીને લાઠીની રાજગાદી સોંપવામાં આવી. રાજબા સાથે આવેલી એક દાસી મોંઘી સાથે વધેલી નિકટતા અને મોંધીની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે મોંઘી સાથે પ્રિતિ બંધાયી અને 1895 એમણે મોંઘી સાથે પણ લગ્ન કર્યા. જેનું પછીથી શોભના એવું નામ રાખવામાં આવ્યું હતું.

કલાપીને નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા હતી. કલાપીની ગુજરાતના વરિષ્ઠ સાહિત્યકારો સાથે મિત્રતા પણ હતી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમજ વાજસૂરવાળા, મણિલાલ, કવિ કાન્ત, ગોવર્ધનરામ ત્રિપાઠી, ન્હાનાલાલ વગેરેના સંપર્કને કારણે એમની સાહિત્યિક દ્રષ્ટી અને સજ્જતા કેળવણી પામી. કલાપી પર સ્વીડનબોર્ગ જે સ્વીડન દેશના તત્વચિંતક અને વૈજ્ઞાનિક હતા તેમની ખૂબ જ ઊંડી અસર પડી હતી. કલાપીએ 16 વર્ષની ઉંમરથી જ વિવિધ પુસ્તકોનો અભ્યાસ અને ગુજરાતી સાહિત્ય રચનાઓ કરવાનું શરૂ કરી દીધું હતું. કલાપીએ 500 થી વધુ પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતી સાહિત્યની લગભગ 250 રચનાઓ કલાપીએ કરી હતી.

કલાપી માત્ર 26 વર્ષ, 5 મહિના અને 11 દિવસ જીવ્યા હતાં. જે દરમિયાન તેમણે એક મહાકાવ્ય, 11 ખંડકાવ્ય, 59 ગઝલો અને 188 છંદોબદ્ધ કવિતા-ઊર્મી ગીતો લખ્યા હતા. અને જો એમાંય તેમનું ગદ્ય સર્જન ગણવા જઈએ તો લગભગ 15000 જેટલી પંક્તિઓનું વિપુલ સર્જન કલાપીએ કર્યું છે. આ ઉપરાંત તેમનું પ્રવાસ વર્ણન અને પત્ર સાહિત્ય તો ખરું જ. કલાપીના મોટાભાગના કાવ્યો પ્રણયતમ અને પ્રણયમંથન જેવા હતાં. એમના ઘણા કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા છે. કલાપીના કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હૃદયના ભાવો રહેલા છે. કલાપીએ પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન કર્યું છે અને એની સમૃદ્ધિમાં યોગદાન આપ્યું છે. મિત્રો અને સંબંધીઓને સંબોધીને લખેલા એમના પત્રો પણ તેમની માનવતાને દર્શાવે છે.

વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમેન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓનાં કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો અને અનુવાદો પણ કર્યા છે. નરસિંહરાવ, બાલાશંકર, મણિલાલ અને કાન્તની કવિતાની છાયા છે છતાં કલાપીનું સર્જન એમના અનુભવોનો રણકો લઈને આવે છે અને એમનાં ઘણાં બધાં કાવ્યો તો એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ પરાકાષ્ઠાએ હતો ત્યારે 1897-98 માં સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે એ સૂચક છે.

વિશેષપણે પ્રેમના અને એ ઉપરાંત પ્રકૃતિ, પ્રભુપ્રેમ અને ચિંતનના ભાવોને વ્યક્ત કરતી કલાપીની કવિતા મુખ્યત્વે છંદોબદ્ધ લઘુકાવ્યો અને ગઝલો જેવા આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્યપ્રકારમાં વહી છે.

1891-92 માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા ‘કાશ્મીરનો પ્રવાસ’નું જાહેર પ્રકાશન છેક 1912 માં ‘કાશ્મીરનો પ્રવાસ’, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ એ ગ્રંથમાં થયું છે. ‘કલાપીનો કેકારવ’ની 1931 ની આવૃત્તિમાં સમાવાયેલા, ચાર સર્ગના ‘હમીરજી ગોહેલ’ના ત્રણ સર્ગોને 1912 માં કાન્તે સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રગટ કરેલા. પ્લેટો અને સ્વીડનબોર્ગના તત્વચિંતનમાંથી વિચારસામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા ચાર સંવાદોમાં ઊર્મિનું બળ અને વિચારના તણખા નોંધપાત્ર છે. સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા 679 પત્રો ‘કલાપીના 144 પત્રો’ અને ‘કલાપીની પત્રધારા’ 1931માં ગ્રંથસ્થ થયા છે; તે સિવાય ‘કૌમુદી’ વગેરેમાં પ્રકાશિત, કેટલાક ગ્રંથોમાં આંશિક રૂપે ઉદધૃત ને આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા બાકી છે. આ પત્રો રોચક અને અવારનવાર વેધક બનતી ગદ્યશૈલીની દ્રષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે. સ્વીડનબોર્ગીય ચિંતનના આકર્ષણને લીધે, એમની ધાર્મિક માન્યતાઓના કંઈક પ્રચાર જેવી, જેમ્સ સ્પેડિંગની બે અંગ્રેજી નવલકથાઓનાં રૂપાંતર કલાપીએ કરેલાં. કોઈ સાહિત્યરસથી નહીં પણ ધર્મશ્રદ્ધાથી પ્રેરાઈને કલાપીએ કરેલાં આ રૂપાંતરોનું ગદ્ય પ્રાસાદિક છે. કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા 1897 આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દેશો મળે છે, પણ એમનાં આ બંને પ્રકારનાં લખાણો ક્યાંયથી પ્રાપ્ત થતાં નથી.

કલાપી પોતાની કવિતા વિષે કંઇક આવું કહે છે. કવિતા ! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. મારે મન મારી કવિતા પણ એવી જ છે. હું જે કંઇ લખું તે મને આનંદ જ આપી શકે તેવુંયે નથી. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઇ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું.

9 જૂન 1900 ના રોજ એક રાતની ટૂંકી માંદગી બાદ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં કલાપીનું અવસાન થયું. આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ પણ શા માટે આ દુનિયા યાદ કરે છે? હકીકત એ છે કે કેટલાક રાજાનું જીવન એના ખોબા જેટલા રજવાડાથીય લાંબું હોય છે અને કેટલાકનું તો વળી શાશ્વત! ‘કલાપી’ એટલે શાબ્દિક અર્થમાં મોર… અને આ મોરનો ‘કેકારવ’ તો સદીઓ પછી પણ આપણા દિલની વાડીઓમાં એજ ચિરયુવાન મીઠાશથી ગુંજતો રહેશે. યુવાન હૃદયની સુકોમળ ઊર્મિઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં મા ગુર્જરીના ખોળે ધરનાર આ કવિની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો, ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે.

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *