Press "Enter" to skip to content

દવાઓ જેનરિક Vs. બ્રાન્ડેડ

Pankaj Patel 0

કેટલાક સમય પહેલા MCI (મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) દ્વારા એક સરક્યુલર બહાર પાડી ડૉક્ટરોને જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા તથા લખાણ શક્ય હોય ત્યાં સુધી કેપિટલ અક્ષરોમાં અને સુવાચ્ય રીતે લખવા સૂચના અપાયેલી. સામાન્ય પ્રજાજનોને મન ડૉક્ટર એ બીજો ભગવાન છે. આપણા દેશમાં રાષ્ટ્રના કુલ GDPના 2% કરતાં પણ ઓછું આરોગ્ય વિષયક બજેટ હોય છે. આ સંજોગોમાં આરોગ્ય એ સેવાની જગ્યાએ ઉદ્યોગ બની ગયો છે. ડૉક્ટર, દવા નિર્માતા અને કેમિસ્ટ તથા તેમની સાથે જોડાયેલી લેબોરેટરીઝ આ બધાનું એક મજબૂત નેટવર્ક બનેલું છે અને તેના પાયામાં સરકારની ખામી ભરેલી નિતિઓ તેમજ અંકુશનું બિનપર્યાપ્ત તંત્ર મહદ અંશે જવાબદાર છે. આજના સમયમાં ડૉક્ટરોની કમાણીનો મોટો ભાગ દવા નિર્માતા તરફથી મળતા ભેટ સોગાદો કે કમિશનો તેમજ દવા વિક્રેતા અને લેબોરેટરીઓ તરફથી મળતા કમિશનમાંથી આવે છે, તે નરી વાસ્તવિકતા છે. ડૉક્ટર બનવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થવો, વસ્તીના ધોરણે ડૉક્ટરોની ઓછી સંખ્યા હોવી, સરકારી તંત્રના આંખ આડા કાન હોવા જેવા કે અન્ય ગમે તે કારણો હોય પણ વાસ્તવિકતા સ્વયં સ્પષ્ટ છે.

મૂળ વાત MCI ના સરક્યુલરની કરતાં પહેલા જેનરિક અને બ્રાન્ડેડ દવાઓ વિશે સરળતાથી સમજીએ તો એમ કહી શકાય કે, જેનરિક દવા એટલે મૂળ ઘટકતત્વ ધરાવતી અને તે તત્વના આધારે ઓળખાતી દવા. જ્યારે બ્રાન્ડેડ દવામાં ઘટકતત્વો એક કે વધારે હોય પરંતુ તે કોઈ બ્રાંડ નામથી ઓળખાતી હોય છે. થોડું વિસ્તૃત ઉદાહરણ સમજીએ તો પેરાસિટામોલ એ દવાના ઘટકતત્વનું નામ છે, જ્યારે દવા (ગોળી) પેરાસિટામોલના નામથી બનાવવામાં અને વેચવામાં આવે તો તે જેનરિક દવા કહેવાય. હવે બજારમાં એનાસિન, ક્રોસિન વગેરે નામની દવાઓ વેચાય છે. આ દવાઓમાં ઘટકતત્વ પેરાસિટામોલ જ હોય છે પરંતુ દવા નિર્માતા પોતાના બ્રાન્ડના નામથી તેનો પ્રચાર અને વેપાર કરે છે. એટલે તે દવા બ્રાન્ડેડ દવા ગણાય. જમીન ઉપરની વાસ્તવિકતા એ છે કે ઉપરોક્ત ઉદાહરણમાં દર્શાવેલી સમાન ઘટકતત્વો ધરાવતી દવા બજારમાં જમીન-આસમાનના ભાવ-તફાવતથી વેચાય છે. એટલે કે જેનરિક દવા એક રૂપિયામાં મળતી હોય તો બ્રાન્ડેડ દવા દસ રૂપિયા સુધીની કિંમતમાં વેચાય છે. કૅન્સર, ડાયાબિટીસ અને કીડનીના રોગોમાં સારવાર અર્થે વપરાતી દવાઓમાં જેનરિક અને બ્રાન્ડેડ દવાઓનો ભાવ-તફાવત ઘણી વખત એક રૂપિયા સામે સો રૂપિયા જેટલો કે તેથી પણ વધારે જોવા મળે છે. સામાન્ય શબ્દોમાં કહેવું હોય તો આને ઉઘાડી લૂંટ કહેવાય.

ભારત વૈશ્વિક કક્ષાએ જેનરિક દવાઓનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતનો દવા ઉદ્યોગ વાર્ષિક એક લાખ કરોડનો ધંધો કરે છે અને ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં એનો સમાવેશ થાય છે. દુનિયાના વિકસિત અને અવિકસિત અથવા વિકાસશીલ તમામ પ્રકારના દેશોમાં ભારતીય જેનરિક દવાઓની નિકાસ થાય છે. સામે પક્ષે ભારતની 35% કરતાં વધુ વસ્તીને દવાઓ અથવા સ્વાસ્થ્ય સેવાઓ પૂરતી માત્રામાં અને પોષણક્ષમ ભાવે મળતી નથી. કેટલીક વખત કુટુંબના એક સભ્યની ગંભીર બિમારીનું ખર્ચ સમગ્ર કુટુંબની સ્થાવર જંગમ મિલકતના બરાબર થઈ જાય છે. આવા સંજોગોમાં કુટુંબ આર્થિક રીતે બેહાલ થઈ જાય અથવા બિમાર વ્યક્તિ સારવાર વગર મૃત્યુ પામે-પરિણામ જે આવે તે પણ આવું કુટુંબ આર્થિક, માનસિક, સામાજિક અને ભવિષ્યના વિકાસના સંદર્ભે બેહાલ થઈ જાય છે, તે હકિકત છે. જાહેર આરોગ્ય વિષયક સવલતોનું અપૂરતું પ્રમાણ અને પ્રતિ લાખ વ્યક્તિએ ઉપલબ્ધ ડૉક્ટરો કે પથારીની ઓછી સંખ્યાને કારણે સરકારી સ્વાસ્થ્ય સેવાઓ અપૂરતી થઈ રહે છે. આ સંજોગોમાં વ્યક્તિ ગરીબ હોય તો પણ મોંધી ખાનગી સ્વાસ્થ્ય સેવાઓનો સહારો લેવા મજબૂર બને છે. અહીં, બ્રાન્ડેડ દવાઓ અને ડૉક્ટરો સાથે અન્ય સ્વાસ્થ્ય વિષયક તંત્રોની મિલિભગતનો ભોગ બનવું પડે છે. આપણા દેશમાં સ્વાસ્થ્ય વિષયક વિમાની સગવડ એ માત્ર 15% લોકો સુધી પહોંચી શકી છે. આમ, મેડિકલ ઈન્શ્યોરન્સ પણ આપણા ત્યાં આ પ્રશ્નનો ઉકેલ નથી.

હવે, MCIના સરક્યુલરની વાત કરીએ તો એ એક નિતિ વિષયક સિદ્ધાંત જેવું પગલું સાબિત થનાર છે. કેમ કે, ડૉક્ટરો MCIના આદેશ મુજબ વર્તવા કાયદેસર બંધાયેલા નથી અને સરકાર દ્વારા આવો કોઈ આદેશ કરાયેલ નથી. વળી, માની લઈએ કે બધા ડૉક્ટરો જેનરિક દવા લખવા રાજી હોય તો પણ કેટલાક મુદ્દા વ્યવહારિક રીતે ઉકલે તેમ નથી. જેમ કે, ભારતમાં વેચાતી 80%થી વધુ દવાઓ એક કરતાં વધારે ઘટકતત્વોના સંયોજનના મિશ્રણથી બનેલ દવાઓ હોય છે. આવા પ્રકારની દવામાં જેનરિક દવા બનાવવી કે વેચવી શક્ય નથી. કારણ કે, એક જ ક્રિયાશીલ ઘટકતત્વવાળી દવા જ જેનરિક દવા ગણાય. એક થી વધું ક્રિયાશીલ ઘટકતત્વોના મિશ્રણની દવા બ્રાન્ડેડ દવા જ ગણાય. બીજો મુદ્દો એવો છે કે સરકારી નિયમાનુસાર દવા જેનરિક હોય કે બ્રાન્ડેડ હોય તેની નિયત કરાયેલી MRP સમાન હોય છે. એટલે છૂટક દવા વેચનાર કેમિસ્ટ જેનરિક દવા પણ બ્રાન્ડેડ દવાના ભાવે વેચે છે. બ્રાન્ડેડ અને જેનરિક દવાના ભાવમાં ફરક જથ્થાબંધ ધોરણે હોય છે, છૂટક નહિ. આ ઉપરાંત જો જેનરિક દવા જ લખવામાં આવે તો કેમિસ્ટ દર્દીને કઈ દવા આપવી તે માટે સ્વતંત્ર ગણાય અને આપણા દેશમાં નિયમ હોવા છતાં મોટા ભાગની કેમિસ્ટની દુકાનો કેમિસ્ટની સતત હાજરી સિવાય પણ ચાલે છે. આ સંજોગોમાં કેમિસ્ટની દુકાનમાં કામ કરતા અને દવા વિશે અભ્યાસની દ્રષ્ટીએ જ્ઞાન ન ધરાવતા લોકોના હાથમાં દર્દીની દવાનો નિર્ણય આવે છે. જે અતિશય ગંભીર બાબત છે. અને વ્યવહારિક દ્રષ્ટીએ અયોગ્ય છે.

આટલી ચર્ચા પછી આ આખા પ્રશ્નનું નિરાકરણ સરળતાથી થાય તેવું લાગતું નથી. પણ, આપણા દેશમાં રાજકીય ઇચ્છાશક્તિ હોય તો કોઈ પ્રશ્નનો ઉકેલ અસંભવ નથી. ખરેખર તો આરોગ્ય વિષયક પ્રશ્નોની ઉત્પત્તિનું મૂળ કારણ સરકારની આરોગ્ય વિષયક સેવામાંથી ખસી જવાની વૃત્તિ અને આરોગ્યને સેવાના બદલે ઉદ્યોગ બનાવવાની નિતિ છે. રાજસ્થાનમાં રાજ્ય સરકારે વાર્ષિક માત્ર 300 કરોડના ખર્ચમાં જેનરિક દવાઓ જથ્થાબંધ ખરીદી લોકોને સસ્તા ભાવે પૂરી પાડવાની યોજના અમલમાં મૂકેલી છે. આ યોજનાને ખૂબ સરસ પ્રતિસાદ મળેલ છે. સરકારના 300 કરોડના રૂપિયાના ખર્ચ સામે તેટલી જ દવાઓની ખુલ્લા બજારમાંથી ખરીદી કરવામાં રાજ્યની પ્રજાને અંદાજે 3000 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. આમ, તમામ રાજ્ય સરકારો અથવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે યોજના ઘડી અમલમાં મૂકે તો માત્ર વાતોના વડા નહિ પણ વાસ્તવિક પરિણામ લક્ષી કાર્ય થાય તેમ છે. સરકારો કેટલી ઈચ્છા શક્તિ દર્શાવે છે અને તેનું કેવું પરિણામ મળે છે તે ભવિષ્ય જ કહી શકે. પણ, હાલમાં MCIનો સરક્યુલર એ તો માત્ર દેખાડો જ સાબિત થનાર છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *