ભારતની આઝાદી પહેલાં યુરોપ અને વિશ્વના અન્ય દેશોમાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંત નું પ્રતિપાદન થયું. મોટેભાગે ગાંધીજી અને ગાંધી વિચારસરણીને અનુસરનારા લોકોએ આપણા દેશમાં આ સિદ્ધાંતની અમલવારી માટે પ્રયત્નો કર્યા. સરળ ભાષામાં ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત સમજવો હોય તો એમ કહી શકાય કે, સમાજના કોઈ એક વર્ગ કે સમૂહ માટે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનું જૂથ નિસ્વાર્થ ભાવનાથી કોઈ સેવાકીય કાર્ય કરે તો એ વ્યક્તિ કે વ્યક્તિઓના જૂથને ટ્રસ્ટી અથવા ટ્રસ્ટીમંડળ ગણી શકાય. અહીં આપણે ટ્રસ્ટીશીપના સિદ્ધાંત ની શાસ્ત્રીય વ્યાખ્યા કે અર્થના સંદર્ભે નહિ પરંતુ સામાન્ય જણ સમજી શકે તે ઉદ્દેશથી આ સમજણ રજૂ કરેલ છે. આ સિદ્ધાંતના પ્રતિપાદનથી લઈ વિશ્વમાં તેના ફેલાવા અને જુદા જુદા દેશોમાં તેના અમલ અને સમજણમાં વ્યાપક ફેરફારો છે. તેથી આપણે આપણા ત્યાં જે અર્થમાં આ બાબત ફેલાઈ અને આજે તેનો મતલબ ગણવામાં આવે છે તેને વધારે મહત્વ આપીશું.
આપણા દેશમાં પૂરાના સમયમાં મહાજન પ્રથા અમલી હતી. કેટલીક જગ્યાએ આજે પણ મહાજન પ્રથા વ્યવહારમાં છે. જેમાં મોટે ભાગે સુખી અથવા સંપન્ન લોકો પોતાની સંપત્તિનો જાહેર હેતુ સારું ઉપયોગ કરે, દાન કરે અથવા સામાન્ય જનતા માટે કોઈ સાધન કે સગવડ ઊભી કરે અને સમાજનો બહોળો વર્ગ તેનાથી લાભાન્વિત થાય એ મુખ્ય ઉદ્દેશ છે. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત લગભગ મહાજન પ્રથાને મળતો આવે છે. જેમાં કેટલાક અનુભવી નિસ્વાર્થ ભાવનાના લોકો લોકોપયોગ માટે કોઈ સાધન કે સગવડ વસાવે છે અને મોટે ભાગે સામૂહિક રીતે તેનો સામાન્ય જનતાના લાભાર્થે વહીવટ કરે છે. આઝાદી સમયથી આવી ભાવના અને ઉદ્દેશ સાથે દેશભરમાં અનેક ટ્રસ્ટોની રચના થઈ અને તેનાથી જનતા લાભાન્વિત પણ થઈ.
ગુજરાત રાજ્યમાં સહકારી પ્રવૃત્તિઓનો વ્યાપક ફેલાવો અને ગુજરાતી લોકોના લોહીમાં સેવા અને પરોપકાર પરાપૂર્વથી ઉતરી આવેલા હોઈ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપણા ત્યાં ખૂબ ફેલાયો. શૈક્ષણિક, સામાજિક સેવા, જ્ઞાતિને લગતા એમ વિવિધ પ્રકારના ટ્રસ્ટો રચાયા અને તેનાથી ગુજરાતનો શૈક્ષણિક, સામાજિક વગેરે ક્ષેત્રે ખૂબ સારો વિકાસ થયો. અનેક સેવાભાવી મહાનુભાવોએ પોતાની સમગ્ર જિંદગી આવા ટ્રસ્ટો રચવા અને તેને સુચારુ રીતે ચલાવવા ખૂબ મહેનત કરી છે. આપણા ત્યાં સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક દવાખાના અને હૉસ્પિટલો આવા ટ્રસ્ટોએ શરૂ કરેલી અને આજે પણ તેમની કામગીરી પ્રશંસનીય છે. હાલના વર્ષોમાં બિન-સરકારી સંગઠનો એટલે કે NGO ખૂબ મોટી સંખ્યામાં સ્થપાયા છે અને તે પોતાના ક્ષેત્રે કામગીરી પણ કરી રહ્યા છે. પરંતુ કેટલાક આવા બિન-સરકારી સંગઠનો માત્ર વિદેશી દાન મેળવવા, પોતાના સ્થાપિત હિતો સાચવવા અથવા ભળતા હેતુઓ માટે પણ કાર્યશીલ છે. સરકારની તેમની કામગીરીમાં દખલ અથવા સહાય વગેરે બાબતો આપણે જે ચર્ચા કરીએ છીએ તેને લગતી ન હોઈ તેમાં ઊંડા ઉતરવું નથી પરંતુ, આવા બિન-સરકારી સંગઠનો પણ જે ક્ષેત્રોમાં ટ્રસ્ટો કામ કરતા હતા અથવા કરે છે તેવા જ ક્ષેત્રોમાં કામગીરી કરતા હોઈ એકબીજાની ભેળસેળ ન થાય અને NGO ના કારણે ટ્રસ્ટોને સમજવામાં ચૂક ન થાય તે સંદર્ભે તેનો ઉલ્લેખ જરૂરી હતો. વળી, આજે કેટલાક ટ્રસ્ટો શરૂઆતમાં જેની સ્થાપના શુદ્ધ હેતુથી અને જેનું સંચાલન ઉચ્ચ નૈતિક મૂલ્યો ધરાવતા લોકો દ્વારા થયેલું તેમની કામગીરી પણ કંઈક અંશે દુષિત થયેલી જણાય છે. અનેક શૈક્ષણિક ટ્રસ્ટો માત્ર પોતાના મળતિયા શિક્ષકોની ભરતી માટે જ સ્થપાયા હોય તેવી કામગીરી પણ જણાઈ આવી છે. તેવી જ રીતે સ્વાસ્થ્ય ક્ષેત્રે કેટલાક ટ્રસ્ટોએ માત્ર ભાડું ઊભુ કરવાના હેતુથી સંસ્થા સ્થાપી હોય તેવું પણ અનુભવાયું છે. વળી, કેટલાક ટ્રસ્ટોમાં તો અમૂક માણસોની બાપીકી મિલકત હોય તેમ ખરીદ-વેચાણ પણ થતું જોવાયું છે.
બદલાતા સમય અને સંજોગોમાં કોઈપણ વિભાવનામાં ફેરફાર આવે તે સ્વાભાવિક છે. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત, શરૂઆતના સમયમાં ટ્રસ્ટોની કામગીરી અને આજના સમયમાં તેનો અર્થ એ બધું બદલાતા સમય સંજોગે બદલાઈ ગયું છે. વર્તમાનમાં ટ્રસ્ટોની કામગીરીમાં સરકારની વધુ પડતી દખલ, લોકોની બદલાયેલી ભાવના તેમજ સમાજનો ટ્રસ્ટો પ્રત્યેનો હાલનો અભિગમ આ બધું ખૂબ બદલાયું છે અને એક સામાન્ય નાગરિકની દ્રષ્ટિએ આ બધા ફેરફારો સકારાત્મક લાગતા નથી. અનેક ટ્રસ્ટોની કરોડોની મિલકતો કોઈકના ઉમદા ઉદ્દેશથી અપાયેલા દાનમાંથી ઊભી થયેલી છે અને આજે તેનો વ્યવસાયિક ઉપયોગ તેમજ સિમિત લોકોના લાભાર્થે થતી પ્રવૃત્તિઓ એ તત્કાલિન દાન આપનારનું માત્ર અપમાન જ નહી પરંતુ તેમના પ્રત્યે અને સાથે સાથે સમાજ પ્રત્યે પણ ગુનાઈત કૃત્ય હોય તેવું લાગે છે. અહીં સુચારુંરૂપે ચાલતા ટ્રસ્ટો કે સંજોગોવશાત જેની કામગીરીની પ્રસ્તુતતા હવે નથી રહી તેની વાત નથી પરંતુ ઈરાદા પૂર્વક મિલકતો પચાવી પાડવા કે જેના લાભાર્થે ટ્રસ્ટો રચાયા હોય તેવા જન-સમુહના હિતોને નુકસાન થાય તેવી કામગીરી કરતા ટ્રસ્ટોની જ આ વાત છે. જેમ સહકારી પ્રવૃત્તિમાં ભ્રષ્ટાચાર અને તેની મૂળ ભાવનાને હાની થાય તેવી પ્રવૃત્તિઓ આજ-કાલ વધી ગઈ છે તે જ રીતે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું સરેઆમ ચિરહરણ થાય ત્યારે જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવવો જોઈએ. જો આપણે રાજકારણીઓ ઉપર વિશ્વાસ રાખીને બેસી રહીશું તો આ પ્રવૃત્તિનો ક્રમશઃ અંત આવશે કારણ કે મોટે ભાગે તેને નુકસાન કરવામાં તેઓ જ સૌથી વધારે જવાબદાર છે. એમ પણ આવી પ્રવૃત્તિઓ સમાજમાં પ્રતિષ્ઠિત લોકો, શિક્ષણવિદો, સેવાભાવી લોકો, દાનવીરો વગેરે દ્વારા સંચાલિત થાય અને તેનો ક્રમશઃ સકારાત્મક વિકાસ થાય તે વધુ ઈચ્છનીય છે. સરકાર અને રાજકારણની તેમાં લઘુત્તમ દખલ રહે એ સૌથી સારું છે.