ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે જેવા ઘણા બધા નામી-અનામી લોકોનો ખૂબ જ મોટો ફાળો છે. સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ તો દેશની બહારથી પણ આઝાદી માટે લડત લડી રહ્યા હતાં. ગાંધીજીના નેતૃત્વમાં હજારો સ્વાતંત્ર્ય સેનાની બ્રિટિશ શાસિત ભારતને સ્વતંત્ર કરાવવા ચળવળમાં જોડાયા અને તેમાંના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો, કેટલાય શહિદ થયા ત્યારે આપણો દેશ આઝાદ થયો. મિત્રો, આ સ્વાતંત્રસેનાની પૈકી આજે આપણે દાદાભાઈ નવરોજીનો થોડો પરિચય મેળવીએ. દાદાભાઈ નવરોજીને આપણી સ્વાધીનતાના મંત્રદ્રષ્ટા પણ કહેવાય છે.
સ્વાતંત્રસેનાની દાદાભાઈ નવરોજીનો જન્મ 4 સપ્ટેમ્બર,1825 ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનો જન્મ એક પારસી પરિવારમાં થયો હતો. દાદાભાઈ નવરોજીના પિતા પુરોહિત હતા. મુંબઈમાં જ પોતાનો અભ્યાસ પૂરો કરી દાદાભાઈ મુંબઈની એલફિસ્ટન ઈંસ્ટિટ્યુટમાં પ્રોફેસર બન્યા. પોતે ધંધાકીય કારકિર્દી બનાવવા માગતા હોવાથી તેઓ 30 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ ગયા. દાદાભાઈએ ઇંગ્લેન્ડમાં ઈમ્પોર્ટન્ટ પારસી કોમર્શિયલ પેઢીમાં ભાગીદાર બન્યા અને પોતાનું કોમર્શીયલ હાઉસ ઊભુ કર્યુ. 1851માં ધર્મ-સુધારણા માટે ‘રહનુમા-ઈ-મઝદયરન સભા’ની સ્થાપના કરી અને આ સંસ્થા મારફતે ‘રાષ્ટ્ર ગોફતાર’ નામના મુખપત્ર દ્વારા પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યુ. ત્યારબાદ દાદાભાઈએ ધર્મ માર્ગદર્શક નામનું મેગેઝિન પણ શરૂ કર્યું હતું. 1859માં ઈન્ડિયન સિવિલ સર્વિસમાં ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે એક આંદોલન શરૂ કર્યુ. ભારતીય સમાજમાં બુદ્ધિજીવીઓની ઉન્નતિ માટે કોઈ પદ્ધતિસર કામ કરનાર પ્રથમ વ્યક્ત હોય તો એ દાદાભાઈ નવરોજી છે. 1861માં તેઓએ ધ લંડન અંજુમન નામની સંસ્થા સ્થાપી અને તેના પ્રથમ પ્રમુખ બન્યા. 1862માં ભારતની વાસ્તવિક પરિસ્થિતિ અને અંગ્રેજ શાસનમાં થયેલી દૂર્દશા તથા ભારતીય પ્રજાની જરૂરિયાતોનો સાચો ખ્યાલ ઈગ્લેન્ડની પ્રજા સુધી પહોચાડવાના ઉદ્દેશથી દાદાભાઈએ ‘ઈસ્ટ ઈન્ડિયન એસોશિયેશન’ નામે એક વગદાર સંસ્થાની સ્થાપના કરી.
1869ના જુલાઈમાં ગોંડલના મહારાજા ભગવદસિંહજી અને મુંબઈના શેરીફે પ્રેમજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં દાદાભાઈનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને તેમને ₹ 25,000 (આજના કરોડો રૂપિયા બરાબર) આપવામાં આવ્યા હતા. દાદાભાઈએ આ નાણાં તેમની સંસ્થા ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશનને દાનમાં આપી દીધા હતા. ભાવનગર, કચ્છ અને વડોદરાના રાજાઓએ પણ દાદાભાઈનું સન્માન કર્યું હતું. દાદાભાઈએ વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને બ્રિટિશ એજન્ટ સાથેના પ્રશ્નો હલ કરવામાં મદદ કરી જેનાથી ખુશ થઈને મહારાજાએ 1874માં તેમને વડોદરાના દીવાન નિમ્યા હતા. દાદાભાઈ કન્યા કેળવણીના પણ અત્યંત હિમાયતી હતા. તેઓ તેમના સાથીઓ સાથે ઘરે ઘરે જઈને માતા-પિતાઓને તેમની દીકરીઓને ભણવા મોકલવા વિનંતી કરતા. તેઓ ગોપાલકૃષ્ણ ગોખલે, બાલ ગંગાધર ટિળકની સાથે સાથે ગાંધીજીના પણ ગુરુ હતા. 1886માં બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવવાના હેતુથી દાદાભાઈ ઈગ્લેન્ડ પાછા ફર્યા અને 1892માં ઈગ્લેન્ડ પાર્લામેન્ટના સભ્ય તરીકે ચૂંટાયા. આ રીતે દાદાભાઈ બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા અને તેઓ ભારતીય રાષ્ટ્રવાદના પિતા તરીકે જાણીતા બન્યા.
દાદાભાઈની ગણના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક તરીકે થાય છે. તેઓ ત્રણ વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસના શરૂઆતના વર્ષોમાં સ્વતંત્રતાની લડાઈ દરમિયાન તેમણે ઉદારમતવાદી રસ્તો અપનાવ્યો હતો. દાદાભાઈ વિવિધ ક્રાંતિકારી કાર્યક્રમોમાં જોડાઈને 1904માં સ્વરાજની માંગણી કરી હતી. ગોપાલ કૃષ્ણ ગોખલે અને ગાંધીજી સહિત યુવા રાષ્ટ્રીય નેતાઓ દાદાભાઈને એક વરિષ્ઠ સલાહકાર તરીકે આદર આપતા હતા. જેને કારણે એમને હિંદના દાદાના હુલામણા નામથી ઓળખવામાં આવે છે.
દાદાભાઈનું જીવન સાદગી, શુધ્ધતા અને પ્રભાવશાળી રહ્યુ હતું. આવા પ્રભાવશાળી અને સાદગીથી ભરેલા દાદાભાઈના જીવનનો 30 જૂન, 1917 ના રોજ અંત આવ્યો હતો. 93 વર્ષની પરિપક્વ ઉંમરે દાદાભાઈનુ મૃત્યુ થયુ હતું. તેમણે એકવાર કહ્યું હતું કે, ‘સંગઠિત થાઓ, સતત પ્રયત્ન કરો અને સેલ્ફ ગવર્મેન્ટ હાંસલ કરો, જેથી લાખો લોકો હાલમાં ગરીબી, દુષ્કાળ અને પ્લેગથી મરી રહ્યા છે તેઓને બચાવી શકાશે.’ આજે આપણે સ્વાતંત્ર્ય અને આઝાદીના જે મીઠા ફળ ભોગવી રહ્યા છીએ તે મેળવવા આવા અનેક મહાપુરૂષોએ સમગ્ર જીવન ન્યોછાવર કરેલું. આપણા સૌની નૈતિક ફરજ છે કે તેઓને યાદ કરી તેમના જીવનમાંથી દેશપ્રેમ અને રાષ્ટ્ર માટે સર્વસ્વ અર્પણ કરવાની ભાવના કેળવીએ.
જય હિંદ