હમણાં પરિણામની જાણે કે મોસમ છે. પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડનું આવ્યું એ સાથે GUJCET નું પરિણામ આવ્યું. એ પછી CBSE બોર્ડનું પરિણામ અને વળી ધોરણ 10 નું પરિણામ, ત્યાર બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ …. સાથે સાથે NEET કે GUJCET તે અંગે સુપ્રીમ કોર્ટના હુકમો, એ પણ એકરીતે પરિણામ જ છે – આમ પરિણામો આવે એટલે કેટલા ટકા (%) બોર્ડનું પરિણામ આવ્યું ત્યાંથી શરુ કરીને તમારા બાળકના કેટલા ટકા (%) આવ્યાથી લઇ આડોશી-પાડોશીના ટકા (%) અને ગામની શાળાના ટકા (%) સુધી ચર્ચા વિસ્તરે, સાથે સાથે છાપામાં અને TV તથા social media સુધ્ધાં પરિણામમય થાય તેવા સમયે મારે આજે પરિણામ સાથે સંકળાયેલ પરસેન્ટાઈલ રેન્ક વિષે કેટલીક સ્પષ્ટતા કરવી છે.
કેટલાક સમય પહેલા બોર્ડ જાતે જ 1 થી 10 નંબરના વિદ્યાર્થીઓ જાહેર કરતુ હતું. બોર્ડના પ્રથમ પછી શહેરમાં પ્રથમથી શરુ કરીને સેન્ટરમાં પ્રથમ, જીલ્લામાં પ્રથમ કે તાલુકામાં પ્રથમના નામ જાહેર થતા અને એ ક્રમ ગામમાં તથા શાળામાં પ્રથમ સુધી વિસ્તરતો હતો. આ પ્રથમ કે પહેલા 10 ની જાહેરાતો વિદ્યાર્થીઓમાં કેટલેક અંશે પ્રોત્સાહન પૂરું પાડતી તે સાચું હોવા છતાં તેનાથી વિદ્યાર્થીઓમાં બિનજરૂરી ચડસા ચડસી થતી અને તંદુરસ્ત હરીફાઈ મટી તણાવયુક્ત ઈર્ષા સુધી એ ખેચાતું. વિદ્યાર્થીઓમાં અભ્યાસ દરમિયાન stress એટલે કે તણાવને દૂર કરવા એ પછી ગ્રેડ પધ્ધતિ શરુ કરવામાં આવી. એ પદ્ધતિનો આશય ઉમદા છે કે ભાઈ ! કોઈ બે વિદ્યાર્થી વચ્ચે એક માર્ક કે એક ટકા (%) નો ફરક હોય તો બન્ને લગભગ સરખા ગણાય, એટલે A1, A2, B1, … વગેરે ગ્રેડ આપવાથી નજીકના માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ સમાન ગ્રેડમાં આવે અને બોર્ડથી શરુ કરી શાળાઓ સુધી ગ્રેડ પધ્ધતિ હાલ અમલી છે.
આટલે સુધી આ બધું બરાબર છે અને શાળાઓમાં તો હવે ગ્રેડ પધ્ધતીના કારણે વિદ્યાર્થીઓમાં stress નું પ્રમાણ કેટલું ઘટ્યું તે તપાસનો વિષય હોવા છતાં પરિણામો સંતોષકારક હશે એવું લાગે છે. હવે વાત જ્યારે બોર્ડના તબક્કે આવે ત્યારે લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આપે છે અને તેથી સમાન ગ્રેડ વાળા અનેક વિદ્યાર્થીઓ હોય એ પણ સ્વાભાવિક બને. જ્યારે પ્રવેશ પાત્ર બેઠકો ઓછી હોય ત્યારે હરીફાઈ પણ થાય અને તેથી વિદ્યાર્થી ને આટલા લાખો વિદ્યાર્થીઓમાં તે પોતે કયા ક્રમે છે તે જાણવા બોર્ડ હવે તેના પરિણામ સાથે ટકા (%) ઉપરાંત પરસેન્ટાઈલ રેન્ક પણ માર્ક-શીટમાં છાપીને આપે છે.
બોર્ડનો આ પ્રયાસ બરાબર છે અને એનો આશય કે ઉદ્દેશ પણ યોગ્ય છે. ગુજરાત બોર્ડ તરફથી માર્ક-શીટમાં પાછળની બાજુ કેટલા પરસેન્ટાઈલ રેન્ક હોય તો તમારો ક્રમ શું ગણાય તે ગણવાનું સુત્ર અથવા કહો કે રીત પણ આપેલ હોય છે.
હવે પ્રશ્ન એ છે કે સમાજમાં વાલીઓ અથવા સામાન્ય લોકો વર્ષોથી parcentage એટલે કે ટકા (%) થી પરિચિત છે અને કેટલીક સ્વ-નિર્ભર શાળાઓ કે ટ્યુશન કલાસીસ કે અન્યો પણ પરસેન્ટાઈલ રેન્કને ટકા (%) તરીકે ખપાવવાનો પ્રયત્ન કરે ત્યારે ગરબડ શરુ થાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ વિદ્યાર્થીને 95% આવ્યા હોય તો તેનો પરસેન્ટાઈલ રેન્ક તેથી ઉપર એટલે કે 98 કે તેથી ઉપર પણ હોઈ શકે અને તે જ રીતે 70-75 % વાળા વિદ્યાર્થી માટે પરસેન્ટાઈલ રેન્ક 85 કે ઘણીવાર 88-89 પણ જે-તે વર્ષના પરિણામ મુજબ હોઈ શકે. આ સંજોગોમાં જે લોકો અપ્રમાણિક જાહેરાતો કરવાવાળા પરસેન્ટાઈલ રેન્કને ટકા (%) ગણાય અથવા દેખાય એમ પ્રસ્તુત કરે છે, જેથી જોનાર કે સાંભળનાર ભળતું સમજીને જેતે સંસ્થા ખુબ ઊંચા પરિણામ વાળી સંસ્થા માની તેમાં પ્રવેશ મેળવે કે ક્યારેક ના પણ મેળવે તોય ગેરસમજનો ભોગ અવશ્ય બને છે.
અપ્રમાણિક પ્રચાર કરવાવાળા લોકો પરસેન્ટાઈલ રેન્કને મોટા અક્ષરોથી લખી, ટકા (%) નાના અક્ષરોથી લખવાનો કીમિયો પણ અજમાવે છે, બધી જાહેરાતો આવી જ ગેરમાર્ગે દોરનાર હોય તેવું પણ જરૂરી નથી. યોગ્ય અને સાચી માહિતીવાળી જાહેરાતો પણ હોય જ છે. તેમ છતાં, પ્રવેશ માટે જ્યારે પણ કોઈ સંસ્થામાં જાઓ તો યોગ્ય રીતે તપાસ કરવી જરૂરી બની જાય છે. કેમ કે જે દેશના નેતાઓની ડીગ્રીઓ નકલી હોઈ શકે ત્યાં બધું સંભવ છે અને માત્ર મોટી ફી લેતી ફર્જી કોલેજો જ નહી હવે તો નીચેના લેવલે પણ આ બદીનો પ્રસાર થયો છે એ ધ્યાને રાખજો.
અંતે એટલું જ કહેવાનું કે સમાજમાં એ માહિતી પુરતા પ્રમાણમાં ફેલાવો કે હવે પરિણામ માત્ર ટકા (%) માં નહી પરસેન્ટાઈલ રેન્કમાં પણ હોય છે અને પરસેન્ટાઈલ રેન્ક એ વિદ્યાર્થીનો સમગ્ર પરિણામ સંદર્ભે ક્રમ દર્શાવે છે તથા એક જ વિદ્યાર્થીના ટકા (%) અને પરસેન્ટાઈલ રેન્ક (PR) અલગ અલગ હોય છે.