Press "Enter" to skip to content

પૃથ્વીની આંતરિક રચના Inside the Earth

Yogesh Patel 1

પૃથ્વીની આંતરિક રચના:

આપણે જ્યાં જીવીએ છીએ તે આપણું ઘર. પૃથ્વીની આંતરિક રચના એટલે પોપડાની અંદર જે છે તે. માણસ માટે એ હમેશાં કુતૂહલનો વિષય રહ્યો છે. બ્રહ્માંડની અજાયબીઓ જેટલું જ અગત્યનું પૃથ્વીની આંતરિક રચના જાણવા આપણે ઉત્સાહિત હોઈએ છીએ.


પૃથ્વી – જીવન ધરાવતો એક માત્ર જાણીતો ગ્રહ:

સૂર્યમંડળમાં એક માત્ર સજીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ એ પૃથ્વી છે. આપણી પૃથ્વી પર જીવસૃષ્ટિ હોવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. લગભગ 4.54 અબજ વર્ષો પહેલા પૃથ્વીની રચનાના થઈ હતી. જ્યારે પૃથ્વીની રચના થઈ ત્યારે એ એક વાયુમય ગોળા સ્વરૂપે હતી.પૃથ્વીની ઉત્પત્તિના એક અબજ વર્ષો બાદ ઘણીબધી ભૌગોલિક ઉથલપાથલના અંતે જીવન પાંગર્યુ હોવાનું વૈજ્ઞાનિકો માને છે. જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ પૃથ્વી ઠરતી ગઈ અને એના અંદરના વિવિધ ભાગો અને આવરણો બંધાતા ગયા.


પૃથ્વીના ઉપરના ભાગથી એટલે કે બહારની સપાટીથી એના ઠરવાની શરૂઆત થઈ જેને આપણે પૃથ્વીનો પોપડો કહીએ છીએ. આપણી પૃથ્વી પર જીવનના અસ્તિત્વ બાદ તેના વાયુમંડળમાં અને અન્ય વિવિધ અજૈવિક પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. હવા અને પાણીમાં વિપુલ પ્રમાણમાં જીવન વિકાસ, ઓઝોન સ્તરની રચનાથી સૂર્યના હાનિકારક કિરણોનો અટકાવ અને ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર જીવન સંભવી શકયું છે. પૃથ્વી પર બીજાં 1.5 અબજ વર્ષો સુધી જીવન ટકી શકશે, એ પછી સૂર્યની વધતી જતી તેજસ્વીતા, પૃથ્વીના જીવમંડળને વીંધી નાખશે તેવું વૈજ્ઞાનિકો માને છે. 


આપણી પૃથ્વીનું કેંદ્ર લગભગ 6370 KM જેટલું ઊંડે છે. ઘણાબધા રહસ્યો અને સંભાવનાઓ પૃથ્વીના પેટાળમાં સમાયેલી છે. પરંતુ માનવી માટે હજુ પણ છેક તળિયે પહોંચી પૃથ્વીના રહસ્યોને છતા કરવાનું શક્ય બન્યુ નથી. ઊંડાઈની સાથે સાથે પૃથ્વીનું પેટાળ ખૂબ જ ગરમ છે. જ્વાળામુખી ફૂટવા, ભૂકંપ કે ત્સુનામી વગેરેનો સંબંધ પૃથ્વીના પેટાળ સાથે સંકળાયેલો છે.


પૃથ્વીનું અજાયબ પેટાળ:

પૃથ્વીના પેટાળ વિશે ખૂબ જ સિમિત જ્ઞાન હોવાને કારણે કોઈ ચોક્કસ અનુમાન કે અંદાજ પણ ન લગાવી શકાય કે હકિકતમાં પૃથ્વીનું પેટાળ કેવું હશે. 6370 KM ઊંડાઈમાંથી હજું માનવી 12 KM ઊંડાઈ સુધી પહોંચી શક્યો છે, જેના પરથી અનુમાન લગાવી શકાય કે પૃથ્વીના પેટાળની જે પણ માહિતી છે તે બાદ અનુમાનો પર જ આધારિત છે. કોઈ ચોક્ક્સ પ્રમાણ ન હોય તે સ્વાભાવિક છે.:


મિત્રો, જ્યારે પણ આપણે પૃથ્વી વિષે કે ખગોળશાસ્ત્રની કોઈ વાત કરતા હોય ત્યારે જિજ્ઞાસા જરૂર જાગે છે, વધારે ને વધારે જાણવાની ઉત્સુકતા હોય છે. તો મિત્રો, આજે આપણે પૃથ્વીની સપાટીથી પેટાળ સુધીના વિવિધ ભાગો એટલે કે પૃથ્વીની આંતરિક રચના વિશે થોડોક પરિચય મેળવીએ.

વિવિધ સંશોધનો અને અનુમાનો બાદ પૃથ્વીની સપાટીથી એના કેંદ્ર સુધીના ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. (1) મૃદાવરણ (2) મિશ્રાવરણ અને (3) ભૂ-ગર્ભ. પૃથ્વી પર હજારો-કરોડો વર્ષો સુધી થયેલા ભૌગોલિક ફેરફારોને પરિણામે જે પણ વિવિધતા આવી તેને આધારે અને અનેક તર્ક અને અનુમાનો બાદ પૃથ્વીના આ ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે.

પૃથ્વીની આંતરિક રચના

 

પૃથ્વીની આંતરિક રચના

 

(1) મૃદાવરણ (Crust) 

પૃથ્વીનું સૌથી ઉપરનું આવરણ એટલે મૃદાવરણ. આ આવરણમાં માટીના ખડકો આવેલા છે જેને ભૂકવચ પણ કહેવાય છે. પૃથ્વીના આ ભાગની સરેરાશ જાડાઈ 33 KM છે. જમીન, મહાસાગર અને પર્વત એમ વિવિધ જગ્યાએ આ ભાગની જાડાઈમાં ઘણા ફેરફારો છે. સરેરાસ 33 KM જાડાઈ ધરાવતો આ ભાગની જાડાઈ હિમાલયની પર્વતમાળામાં જાડાઈ આશરે 70 KM છે જ્યારે મહાસાગરોમાં આશરે 5 KM જેટલી છે.


 (2) મિશ્રાવરણ (Mantle)

મૃદાવરણની નીચે આવેલું પડ એ વિવિધ મિશ્ર ખનીજોનું બનેલું છે, આથી એને મિશ્રાવરણ કહેવામાં આવે છે. મિશ્રાવરણ એ ખૂબ જ ગરમ આવરણ છે. આ આવરણની જાડાઈ 2900 KM છે. મિશ્રાવરણની શરૂઆતનું પડ ‘ઍસ્થેનોસ્ફિયર’ કહેવાય છે. તેની જાડાઈ 700 KM જેટલી છે. આ સ્તરમાં લગભગ 3.5 ઘનતા ધરાવતા બેસાલ્ટ ખડકો વધુ પ્રમાણમાં છે.


(3) ભૂ-ગર્ભ (Core)

મિશ્રાવરણ બાદ પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂ-ગર્ભ તરીકે ઓળખાય છે. ભૂ-ગર્ભનો વિસ્તાર આશરે 2900 KMની ઊંડાઈથી લઈ પૃથ્વીના કેન્દ્ર 6370 KM સુધી છે. આ સ્તરમાં લોખંડ અને નિકલ ખનીજ દ્રવ્યો મુખ્ય છે. આ સ્તરના બીજા બે પેટા વિભાગ છે. (1) આંતરિક ભૂ-ગર્ભ અને (2) બાહ્ય ભૂ-ગર્ભ. બાહ્ય ભૂ-ગર્ભ પ્રવાહી સ્વરૂપમાં છે જ્યારે આંરતિક ભૂ-ગર્ભ ઘન સ્વરૂપમાં છે. ઘણીવાર આ જ બાહ્ય ભૂ-ગર્ભમાંથી પ્રવાહી સ્વરૂપે લાવા બહાર આવે છે જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચૂંબકીય બળ અને પૃથ્વીની સ્થિરતા આ ભૂ-ગર્ભને જ આભારી છે.

(સંદર્ભ : ધોરણ – 11 : ભૂગોળ – પ્રકરણ : 3 : પૃથ્વીની આંતરિક સંરચના)

  1. Mahesh Rathod Mahesh Rathod

    Nice Information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *