Press "Enter" to skip to content

મધ્ય-પૂર્વ – ઉકળતો ચરુ

Pankaj Patel 0

551px-greater_middle_east_orthographic_projection-svg

મધ્ય-પૂર્વ અથવા Middel East તરીકે સામાન્ય રીતે દુનિયાના નકશામાં એશિયા ખંડનો જે ભાગ ઓળખાય છે તે મુખ્યત્વે મુસ્લિમ બહુમતી વસ્તી ધરાવતા દેશો છે અને માત્ર એશિયા નહી કેટલાક યુરોપિયન દેશોનો પણ તેમાં સગવડતા ખાતર સમાવેશ કરવામાં આવે છે. ઈરાન, ઈરાક, UAE, સાઉદી અરેબિયા, તુર્કી, સીરિયા વગેરે દેશો ઉપરાંત કુવૈત, ઈઝરાઈલ, ગાઝા, બેહરીન, જેવા નાના દેશો અને કેટલાક સોવિયેટ રશિયામાંથી છુટા પડેલા દેશો પણ આ વિસ્તારમાં આવેલા છે. હિન્દ મહાસાગર, ભૂમધ્ય સાગર, કાસ્પિયન સમુદ્ર જેવા સમુદ્રો અને પાકિસ્તાન, અફગાનિસ્તાન, ચીન, રશિયા જેવા દેશો ઉપરાંત, એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડ સાથે સંકળાયેલા આ વિસ્તારનું ભૌગોલિક, ઐતિહાસિક, સામાજીક, આર્થિક અને વ્યુહાત્મક મહત્વ હંમેશા વૈશ્વિક ધોરણે અગત્યનું છે.

આ વિસ્તાર ઐતિહાસિક રીતે દુનિયાની પ્રાચીન સભ્યતાઓનો પાલક રહ્યો છે. મેસેપોટેમીયન, સુમેરિયન અને બેબીલોનીયન સંસ્કૃતિઓના આ વિસ્તારમાં વિશ્વની પ્રાચીન સભ્યતાઓનો ઉદય અને/અથવા વિકાસ થયેલો છે. આજે મોટેભાગે રણ પ્રદેશ ગણાતા આ વિસ્તારના પર્સિયન, આરબ, તુર્કી, જેવા સામ્રાજ્યોએ સમયના જુદા-જુદા મુકામે પોતાની છાપ સમગ્ર વિશ્વના ઘડતર અને વિકાસમાં છોડેલી છે. ચંગીઝખાનની બર્બરતા વિશ્વના અન્ય કોઈ પ્રદેશ કરતા સૌથી વધુ અહી અનુભવાઈ છે તો પર્શિયન અને આરબ સામ્રાજ્યો એ મધ્યયુગમાંથી દુનિયાને અર્વાચીન યુગમાં પગરણ મંડાવ્યા છે. યુરોપ અને એશિયાના સમન્વયમાં આ વિસ્તાર હમેશાં કેન્દ્ર સ્થાને રહેલો છે અને યુરોપીયન તેમજ એશિયન પ્રજાઓના આક્રમણો પણ આ વિસ્તારે સહુથી વધુ વેઠવા પડ્યા છે. જરથોસ્તી, પારસી, ઈસાઈ, યહૂદી જેવા ધર્મોનો પોષક આ પ્રદેશ ઇસ્લામનું ઉદગમ સ્થાન છે. ઇસ્તુંમ્બલ, મક્કા, મદીના જેવા સ્થળોના કારણે તે વિશ્વની મોટી વસ્તી માટે આસ્થાનું કેન્દ્ર છે.

101પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પહેલા પણ આ પ્રદેશ ઉથલ-પાથલનો સાક્ષી રહ્યો છે, પરંતુ વિશ્વ યુધ્ધના સમય પહેલા સમગ્ર મધ્ય-પૂર્વ તત્કાલીન વૈશ્વિક સત્તાઓ માટે રાજકીય શતરંજનું કેન્દ્ર બની ચુક્યો હતો. સામુદ્રિક વ્યાપાર માર્ગોમાં અગત્યનું સ્થાન હોવાથી દરેક સત્તા અહી પ્રભુત્વ સ્થાપવા આતુર હતી. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપિયન સત્તાઓના વળતા પાણી થયા અને જુદા જુદા સમયે નાના નાના દેશોને સમ્રજ્યવાદની પકડમાંથી મુક્ત કરી યુરોપીય પ્રજાઓ વિદાય થઇ પણ ભારતીય ઉપખંડમાં જેમ લાંબા ગાળાના પ્રશ્નો મુકીને ગયા છે તેવા જ અને કઈક વધારે જટિલ પ્રશ્નો અહી પણ મુકતા ગયા છે. લોકશાહીના કહેવાતા પુરસ્કર્તાઓ અહી હંમેશા પોતાને અનુકુળ અમીરો અને સરમુખત્યારોના વફાદાર અને ટેકેદાર રહ્યા છે. અનેક દેશોમાં બહુમતી પ્રજાથી વિપરીત લઘુમતી શાશકોને ઠોકી બેસાડવામાં આવેલા. સમગ્ર પ્રદેશ શિયા, સુન્ની, કુર્દ, તુર્ક, યહૂદી, ખ્રિસ્તી, જેવી અનેક ધાર્મિક અને અન્ય વિવિધતા ધરાવતી પ્રજાઓના ઓછા-વત્તા પ્રમાણને કારણે વ્યાપક વિવિધતા ધરાવે છે અને તેથી જ તેમની વચ્ચે અનેક સમ્યાતાઓની સાથે વિરોધાભાસ પણ અનેક છે. સાથે સાથે વિખવાદો પણ તેટલા જ છે.

બીજા વિશ્વયુદ્ધ બાદ જેટલી ઝડપથી યુરોપિયન સત્તાઓનો ક્ષય થયો તેથી વધુ ઝડપથી અમેરિકાની સત્તાનો ઉદય થયો. શીતયુદ્ધના કારણે રશિયા અને અમેરિકા બંનેનો હસ્તક્ષેપ સમગ્ર વિસ્તારમાં ફેલાયો. એક તરફ યુરોપ અને આફ્રિકાની નિકટતા બીજી બાજુ રશિયા તો ચીન અને ભારત જેવા દેશો પણ નિકટમાં હોવાથી આ ક્ષેત્ર હમેશા કેન્દ્ર સ્થાને રહેલું છે. જ્યારથી મધ્ય-પૂર્વની ધરતીના પેટાળમાં ક્રુડ ઓઈલની શોધ થઇ ત્યારથી  આખી દુનિયા માટે આ વિસ્તાર  આર્થિક અને વ્યુહાત્મક મહત્વની સાથે સાથે ઉર્જા જરૂરિયાતના સંદર્ભે પણ અગત્યનો બની ગયો છે. અમેરિકાએ હમેશા પોતાના વ્યુહાત્મક હિતોને નજર સમક્ષ રાખી આખા વિસ્તારમાં જુદા જુદા દેશોને પક્ષ વિપક્ષમાં વહેચેલા રાખવાની ભૂમિકા ભજવી છે તો રશિયાએ કેટલાક વિસ્તારો કબજે કરેલા અને સોવિયેટ સંઘનું વિભાજન થતા છુટા પડેલા આ દેશોમાં પોતાના હિતો જાળવવા સમગ્ર ક્ષેત્રમા ચંચુપાત જાળવી રાખ્યો છે. આ ક્ષેત્ર ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વિવાદના કારણે પણ હંમેશા વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર રહ્યો છે. ઈરાન-ઈરાક યુદ્ધ, કુવૈત યુદ્ધ, અમેરિકાનું ઈરાક પર આક્રમણ, ગાજા પટ્ટીનો વિવાદ જેવા નાના-મોટા વિવાદો હમેશા આ ક્ષેત્રની શાંતિને ડહોળતા રહ્યા છે. પાછલા વર્ષોમાં આખા ક્ષેત્રમા સ્થાપિત સત્તાઓ સામે વિદ્રોહ અને સત્તા પલટાની અનેક ઘટનાઓ નોધાઇ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ઉગ્રવાદ અને ગૃહયુદ્ધ આખા ક્ષેત્રમા વ્યાપક પ્રમાણમાં ફેલાયું છે. હાલની અશાંતિના તાજા કારણો જોવા જઈએ તો, 9/11 ના હુમલા પછી અમેરિકાએ અફગાનિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી શરુ કરી અને તાલીબાનો સામે યુદ્ધ શરુ કર્યું એટલે કેટલાક ઉગ્રવાદીઓએ મધ્ય-પૂર્વ ના દેશોમાં સ્થળાંતર કર્યું. આમે ય નાણાકીય મદદ તો અહીંથી આતંકવાદીઓને પહેલાથી મળતી હતી. ત્યાર બાદ અમેરિકાએ સામુહિક વિનાશના શસ્ત્રોના નાશ જેવા બનાવટી બહાના હેઠળ ઈરાક ઉપર આક્રમણ કર્યું. અમેરિકન આક્રમણથી સદામ હુસેનનો તખ્તાપલટ અને ફાંસી થઇ પણ શાંતિ હંમેશા માટે ખોવાઈ ગઈ. ઈરાકમાં બહુમતી શિયાઓને સત્તા મળતા લઘુમતી સુન્નીઓ કે જે સદામના શાશનમાં સૈન્યમાં ચાવીરૂપ ભૂમિકામાં હતા તેમણે આતંકવાદીઓ સાથે ભળીને ગૃહયુદ્ધ ચાલુ રાખ્યું. અલ-બગદાદીના ISISની સ્થાપના પછી તો આતંક અને દહેશતે જાણે કે અગાઉની તમામ સીમાઓ પાર કરી દીધી છે.

આશરે 2011 થી શરુ કરીને ISIS એ યુદ્ધના ભારથી તૂટેલા ઈરાકમાં વિસ્તારો કબજે કરવાની શરૂઆત કરી. આ સમયે પાડોશી સિરિયામાં અસદની સત્તા સામે કેટલાક સ્થાનિક જૂથોના વિગ્રહનો ફાયદો લઇ સિરિયામાં પણ વિસ્તારો કબજે કરવા મળ્યા. ટૂંકા સમયમાં ઈરાક અને સીરિયાના મોટા વિસ્તાર કબજે કરી ISIS એ બિન મુસ્લિમ લઘુમતીઓ જ નહી પણ શિયા મુસ્લિમો સામે પણ જાણે અસ્તિત્વનું સંકટ ઉભું કરી દીધું છે. લોકોની ઘાતકી હત્યાઓ જ નહી, સ્ત્રીઓ અને બાળકો ઉપર પણ પાશવી અત્યાચારો ગુજારવામાં આવી રહ્યા છે. સેકડો વર્ષોની મહેનતથી વિકસેલા શહેરો અને ઐતિહાસિક સ્મારકોનો વિધ્વંસક રીતે નાશ થઇ રહ્યો છે. આખું સંકટ શિયા બહુમતી ધરાવતા ઈરાન અને સુન્ની બહુમતીવાળા સાઉદી અરીબીયા જેવી ક્ષેત્રિય સત્તાઓના હિતોનો ટકરાવ થતા વધુ ગૂંચવાઈ ગયું છે. હાલમાં સિરિયામાં અમેરિકી અને રશિયન ફોજો જાણે સામસામે આવી ગઈ હોય તેવી સ્થિતિ છે. લડાઈના મેદાનમાં દરેક લડવૈયો પોતાના હિતો માટે લડે છે. અમેરિકા અને તેની સહાયક દેશોની હવાઈ સેનાઓ પોતાના હિતો સાચવી રહ્યા છે તો સામે રશિયન વિમાનો પોતાનું સીરિયા અને તે દ્વારા આખા ક્ષેત્રમા પ્રભુત્વ જાળવવા બોમ્બ વરસાવી રહ્યા છે. ટર્કી, ઈઝરાઈલ, સાઉદી અને ઈરાની સેનાઓ પણ ક્યાંક જાહેર તો ક્યાંક છૂપું યુદ્ધ લડી રહ્યા છે. લોકો મરે છે અથવા મારે છે અને બાકી બચેલા આખી દુનિયામાં આશરો શોધતા વિસ્થાપિત થઇ રહ્યા છે.

ISIS ના આત્મઘાતી આતંકીઓ યુરોપના દેશોમાં પણ વિસ્ફોટ કરી આવે છે, ક્યારેક અમેરિકામાં ગોળીબારીમાં ISIS સંડોવાયેલું જણાય છે તો ક્યારેક અફગાનિસ્તાનમાં હુમલાની જવાબદારી ISIS સ્વીકારે છે. બાંગ્લાદેશમાં ISIS આત્મઘાતી હુમલો કરાવે છે તો પાકિસ્તાનમાં થતા હુમલાની જવાબદારી પણ ISIS સ્વીકારે છે. ભારત જેવા દેશોમાં પણ ISISના ઝંડા ફરકાવવા વાળા છે. અનેક દેશોમાંથી ISIS માં યુવાનો જોડાયા છે. સ્થિતિ કોઈ એક દેશ કે ખાલી મધ્ય-પૂર્વ પુરતી સીમિત રહેવાને બદલે વૈશ્વિક સંકટમાં ફેરવાઈ ગઈ છે. ભૂતકાળમાં આરબ અને પર્સિયન સંસ્કૃતિ દુનિયામાં ફેલાવનાર ક્ષેત્ર આજે ખુદ પોતાનું વજૂદ ખોઈ રહ્યું છે અને સમાનતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવનાર ઇસ્લામની જન્મભૂમી એટલે કે મધ્ય-પૂર્વ લોહીલુહાણ છે. આશા રાખીએ કે આ સંકટનો જલ્દી નિવેડો આવે અને સહુ સુલેહ-શાંતિથી જીવે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *