Press "Enter" to skip to content

સમતોલ અને પૌષ્ટિક આહાર જરૂરી છે

Yogesh Patel 0

આહાર એ આપણા સૌની એક જરૂરિયાત છે. આપણા શરીરને ટકાવી રાખવા માટે આપણે આહાર લઈએ છીએ. આહારમાંથી આપણા શરીરને જરૂરી એવા વિટામીન, મિનરલ્સ વગેરે મળી રહે છે. ​બદલાતા સમય સાથે માનવીનો આહાર પણ બદલાયો છે. આજે આપણે આપણા રોજબરોજના જીવનમાં જમવામાં ઉપયોગમાં લેવાતી વિવિધ વસ્તુઓ અને વાનગીઓ તથા હાલના બદલાયેલા સમય પ્રમાણે બહારી ખાણી-પીણીની વસ્તુઓ અને તેમાંથી આપણા શરીરને થતા ફાયદા-નુકસાન અંગેની વાત કરવાની છે. આપણા શરીરમાં વિવિધ વિટામીન, પ્રોટીન અને મિનરલ્સનું સપ્રમાણ જળવાય એ પ્રમાણેનું આપણે ભોજન લેવું જોઈએ. પહેલાના સમયમાં લોકો અનાજ ઉત્પન્ન કરતા અને આખું વર્ષ એ જ અનાજમાંથી વિવિધ વાનગીઓ બનાવી ભોજન તરીકે લેતાં. આજના સમયમાં લોકોને પેકિંગ વાળી વસ્તુઓ અને ફાસ્ટફૂડ ખાવાની આદત પડી ગઈ છે. અનાજમાંથી વિવિધ વાનગીઓ બનાવી જમ્યા કરતા લોકો હવે ગ્રોસરી સ્ટોર તથા ફૂડ સ્ટોરમાં સરળતાથી મળી રહેતી વિવિધ વસ્તુઓ જેને આપણે જંક ફૂડ કહીએ છીએ તેનો ખોરાકમાં ઉપયોગમાં કરવાનો આગ્રહ રાખે છે. પરંતુ તે ખાદ્ય પદાર્થોમાંથી આપણા શરીરને જરૂરી એવા વિટામીન, પ્રોટીન કે મિનરલ્સ મળે છે કે નહિ તે જોવાની દરકાર કોઈ ભાગ્યે જ કરે છે.

આપણી પારંપારિક ખાણી-પીણીની વસ્તુઓ અથવા ઘરમાં બનાવેલ વાનગીઓ, વિવિધ શાકભાજી, કઠોળ, દૂધ વગેરેનું દૈનિક સેવન આપણને વિવિધ ગંભીર બીમારીઓમાંથી બચાવે છે. વિવિધ સર્વેના તારણ પછી એવું સિદ્ધ થયું છે કે રોજબરોજ ફળો અને શાકભાજીનું સેવન હાર્ટ-અટેક જેવી મોટી બિમારીથી આપણા શરીરનું રક્ષણ કરે છે, સાથે સાથે ડાયાબિટીસ અને કૅન્સર જેવી ગંભીર બીમારીઓ સામે પણ આપણા શરીરનું રક્ષણ કરે છે. શાકભાજી અને ફળોમાં કૅલરીનું પ્રમાણ ઓછુ અને વિટામીન તેમજ મિનરલ્સનું પ્રમાણ વધુ હોય છે. જે આપના સ્વાસ્થ્યની સંપૂર્ણ સંભાળ રાખે છે અને આપણને નિરોગી બનાવે છે. જેની સામે જંક ફૂડમાં વધારે પડતી કૅલરી હોય છે જ્યારે વિટામીન તથા મિનરલ્સ નહિવત હોય છે. જે લાંબા ગાળે ઘણી બીમારીઓનું કારણ બને છે. આ સિવાય જંક ફૂડમાં વિવિધ એવા ઘટકો ઉમેરેલા હોય છે જે આપણા શરીરને નુકસાનકારક છે. મોટાભાગના ફાસ્ટ ફૂડમાં ચરબી વધારતા ઘટકો હોય છે જે આપણા હૃદય માટે ખૂબ જ નુકસાનકારક છે.

Capture

આજના સમયમાં નાના બાળકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જંક ફૂડ પ્રત્યે વધારે પડતો લગાવ હોય છે. આજે વિદ્યાર્થીઓને લંચ બોક્સની જગ્યાએ વેફરનું પડીકું પકડાવવામાં આવે છે. સાથે સોફ્ટ ડ્રિંક અને વિવિધ અનેકો પ્રકારના પીણા આપવામાં આવે છે. નાનપણથી જ બાળકને આવા જંક ફૂડની આદત પાડવામાં આવે છે. આપણે એક જાગૃત વાલી તરીકે આપણા બાળકને આ જંક ફૂડની દુનિયામાંથી બહાર લાવી તંદુરસ્ત ખોરાક આપવો જોઈએ. નાનપણથી જ બાળકને વિવિધ ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ વગેરે આહાર તરીકે આપવાની શરૂઆત કરવી જોઈએ અને જંક ફૂડથી દૂર રાખવા જોઈએ. તંદુરસ્ત ખોરાકથી બાળકનું મગજ તેજ બને છે, તે વધારે કાર્યક્ષમ બને છે, શરીર રોગ મુક્ત રહે છે. નાનપણથી જ બાળકોને જંક ફૂડની આદત એમના વિકાસમાં એક અવરોધ સાબિત થાય છે.

આજે ફાસ્ટ ફૂડની વાત કરીએ તો ભારતમાં એ સૌથી ઝડપથી વિકાસ કરતો એક વ્યવસાય બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં નવા નવા સ્ટોર દેખાશે. વિવિધ અવનવી વસ્તુઓની સરળતા અને સ્વાદની લ્હાયમાં આપણે આપણા શરીરની તંદુરસ્તી માટે જરૂરી ખોરાકને બદલે ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે. સંસ્કૃતિની વિવિધતા સાથે આપણા દેશમાં વાનગીઓની પણ વિવિધતા છે પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના વળગણને કારણે મોટા શહેરોમાં હવે લોકો બહારનું ખાવાનો જ આગ્રહ રાખે છે. બહાર ખાવાના સ્વભાવને એક ફેશન માનવામાં આવે છે. પરંતુ આપણે એ ન ભુલવું જોઈએ કે આવા જંક ફૂડમાંથી આપણા શરીરને જરૂરી એવા વિટામીન, મિનરલ્સ વગરે કશું જ મળતું નથી અને લાંબા ગાળે આ જંક ફૂડ વિવિધ બિમારીઓનું કારણ બનશે. અંતે કોઈ કવિએ લખેલી એક કવિતા જરૂર લખીશ……

ઘઉં ખાવાથી શરીર ફૂલે, ને જવ ખાવાથી ઝૂલે

મગ ને ચોખા ના ભૂલે, તો બુદ્ધિના બારણા ખુલે…

ઘઉં તો પરદેશી જાણું, જવ તો છે દેશી ખાણું

મગ ની દાળ ને ચોખા મળે, તો લાંબુ જીવી જાણું …

ગાયના ઘી માં રસોઈ રાંધો, તો શરીરનો મજબૂત બાંધો

ને તલના તેલની માલીશ થી, દુઃખે નહિ એકે ય સાંધો…

ગાયનુ ઘી છે પીળું સોનુ, ને મલાઈનું ઘી ચાંદી

હવે વનસ્પતિ ઘી ખાઈને, થાય સારી દુનિયા માંદી…

મગ કહે હું લીલો દાણો, ને મારે માથે ચાંદું

બે ચાર મહિના મને ખાય, તો માણસ ઉઠાડું માંદું…

ચણો કહે હું ખરબચડો, મારો પીળો રંગ જણાય

જો રોજ પલાળી મને ખાય, તો ઘોડા જેવા થવાય …

રસોઈ રાંધે જો પીત્તળમાં, ને પાણી ઉકાળે તાંબુ

જો ભોજન કરે કાંસામાં, તો જીવન માણે લાબું…

ઘર ઘર માં રોગના ખાટલા, ને દવાખાનામાં બાટલા

ફ્રીજ ના ઠંડા પાણી પીને, ભૂલી ગયા છે માટલા…

પૂર્વે ઓશીકે વિદ્યા મળે, દક્ષિણે ધન કમાય

પશ્ચિમે ચિંતા ઉપજે, ને ઉત્તરે હાનિ થાય…

ઊંધો સુવે તે અભાગ્યો,ચતો સુવે તે રોગી

ડાબે તો સૌ કોઈ સુવે, જમણે સુવે તે યોગી…

આહાર એ જ ઔષધ છે, ત્યાં દવાનુ શું કામ

આહાર વિહાર અજ્ઞાનથી, દવાખાના થાય છે જામ…

રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે તે વીર

પ્રભુ ભજન પછી, કરે ભોજન, એ નર વીર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *