સર્વાંગાસન :
યોગાસનોમાં શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે કારણ કે શીર્ષાસન એ ખૂબ જ લાભદાયી છે. એવી જ રીતે સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી કહેવામાં આવે છે. એ પરથી સર્વાંગાસનની અગત્યતા સમજાશે. સર્વ અંગો ઉપર અસર કરતું આસન એટલે સર્વાંગાસન. આ આસન આપણા શરીરને અદભૂત લાભ આપે છે. આ આસન માત્ર શારીરિક નહિ પરંતુ આધ્યાત્મિક અને માનસિક લાભ માટે ખૂબ જ ઉપયોગી છે.
મૂળ સ્થિતિ : પીઠ પર ચત્તા સૂઈ જવું.
પદ્ધતિ :
- પીઠ પર ચત્તા સૂઈ જાઓ.
- બંને પગ ભેગા કરી શ્વાસ અંદરની તરફ ભરી બંને પગને એકી સાથે ધીમે ધીમે ઘૂંટણમાંથી વાળ્યા વગર ઊંચા કરો.
- પગ કમરના ભાગથી થોડા ઊંચા થાય ત્યારે બંને હાથ પીઠ પાછળ ગોઠવી શરીરને ટેકો આપો.
- હાથની કોણીઓ જમીન ઉપર રહેવી જોઈએ. બંને પગ આકાશતરફ 90o ખૂણે ગરદન અને ખભા જમીનને અડકીને રહેશે.
- શરીર હલે નહિ તે રીતે પગ સીધા રાખો.
- પંજા આકાશ તરફ ખેંચાયેલા રાખી સ્વાભાવિક રીતે શ્વાસોશ્વાસ લેતા રહો. થોડીવાર આ સ્થિતિમાં રહો.
- એક મિનિટથી પાંચ મિનિટ સુધી આ આસન કરી શકાય.
- આ આસનમાંથી પાછા ફરતી વખતે પગને માથા તરફ વાળી શરીરને ઢીલું કરી જમીન તરફ લાવો.
- કમર ઉપર હાથને સરકાવતાં ધીરે ધીરે બંને પગ અને પીઠ મૂળ સ્થિતિમાં લાવો.
- ઓછામાં ઓછી 60 સેકન્ડ માટે વિશ્રામ કરો.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- પગને વાળવા નહિ.
- પગને વધારે પડતા પાછળ ઝૂકાવી દેવા નહિ.
- આસન દરમિયાન પગને જોડેલા રાખવા.
- આસનમાંથી પાછા ફરતાં માથું જમીનથી ન ઉઠાવવું.
- ઝટકા સાથે આસન ન છોડવૂં.
- આ આસન દરમિયાન નજર પગની આંગળીઓ પર સ્થિર કરવી.
ફાયદા :
- શરીરના તમામ તંત્રો જેવા કે ચેતાતંત્ર, પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને શરીરના આંતરિક અવયવો ઉપર ખૂબ સારી અસર કરે છે.
- સર્વાંગાસનથી થાઈરોઈડ ગ્રંથિના બધા કોષોને ઑક્સિજન અને પોષક તત્વો મળે છે.
- સર્વાંગાસન થાઈરોઈડની ક્ષમતાને અને ક્રમશઃ આખા શરીરને સુધારવામાં સીધો ફાળો આપે છે.
- આ આસનથી યાદશક્તી વધે છે. માનસિક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ઉપકારક છે.
- આ આસન પાચન ક્રીયા શુદ્ધને કરે છે અને શરીરમાં રક્તની શુદ્ધી કરી રક્ત શોધકનું કામ પણ કરે છે.
- સર્વાંગાસનથી યકૃત અને બરોળના દોષો દૂર થાય છે.
- કરોડના સર્વાઈકલ ભાગે ખેંચાણ આવવાથી કાર્યશક્તિ અને નમનીયતા વધે છે.
- ખભા તથા બાહુઓને મજબૂત કરે છે અને કરોડરજ્જુને કુમાશવાળી રાખે છે.
- મગજને વધારે રક્તથી પોષણ આપે છે.
- હ્રદયમાં શીરાઓનું વધારે રક્ત પહોંચાડીને હૃદયના સ્નાયુઓને ખેચાણ આપે છે.
- કબજીયાતમાં સર્વાંગાસન ખૂબ જ લાભદાયી છે.
- ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.
- સારણગાંઠ ની તકલીફ દૂર થાય છે.
સાવચેતી :
- ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું.
- થોઈરોઈડના અતિવિકાસવાળા વ્યક્તિઓએ આ આસન કરવું નહિ.
- ખૂબ જ નબળા હૃદયવાળા વ્યક્તિઓએ આ આસન કરવું નહિ.
- અતિશય મેદવાળા વ્યક્તિઓએ આ આસન અનુભવીના માર્ગદર્શન વિના કરવું નહીં.
- જેમણે કમરની ગાદીની તકલીફ હોય તેવા લોકોએ આ આસન કરવું નહિ.
- જેમની આંખોની નસો નબળી હોય તેવા લોકોએ પણ આ આસન કરવું જોઈએ નહિ.
- કાનમાં રસી આવતી હોય તેવા લોકોએ આ આસન કરવું નહિ.